વાઘ આવ્યો રે વાઘ ઉકિત મુજબ રાજકોટ કોર્ટેને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઘંટેશ્વર નજીક આવેલી નવી કોર્ટમાં બપોરે એક વાગ્યે બૉમ્બ બ્લાસ્ટ થશે તેવો ધમકીભર્યો ઇમેઇલ મળતા એસઓજી, બૉમ્બ સ્કોડ, ડોગ સ્કોડ, ક્યુઆરટી, સ્થાનિક પોલિસની ટીમો દોડી ગઈ હતી. પોલીસ દ્વારા કોર્ટના ખૂણેખૂણાની તપાસ હાથ ધરવામાં આવી હતી.
જાણવા મળતી વિગત અનુસાર આજે સવારે 11 વાગ્યાં આસપાસ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઓફિશિયલ ઇ મેઇલ આઇડી પર મેઈલ મળ્યો હતો. જે ઇ મેઇલમાં આજે બપોરે એક વાગ્યે કોર્ટમાં બૉમ્બ બ્લાસ્ટ થશે તેવી ધમકી અપાઈ હતી. જે મામલે કોર્ટ તંત્ર દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરાઈ હતી. જે કોલ એસઓજીને મળતા પીઆઈ એસ.એમ. જાડેજાની રાહબરી હેઠળની પીએસઆઈ વી.વી. ધ્રાંગુની ટીમો કોર્ટ સંકુલ ખાતે દોડી ગઈ હતી.
એસઓજીએ કોર્ટ સંકુલમાં બૉમ્બ સ્કોડ, ડોગ સ્કોડ, ક્યુઆરટી, સ્થાનિક પોલીસને સાથે રાખી કોર્ટ સંકુલમાં સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. જો કે, તપાસ દરમિયાન કોર્ટ સંકુલમાંથી કશું જ શંકાસ્પદ મળી આવ્યું ન હતું. તંત્રને હાશકારો અને ધમકીનો દાવો પોકળ સાબિત થયો હતો. ઉલ્લેખનીય છે કે, ચેકિંગ દરમિયાન કોર્ટ કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવી હતી. સાયબર ક્રાઇમની ટીમો દ્વારા ઇમેઇલ આઇડીની તપાસ શરૂ કરવામાં આવી છે.