રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી દરમિયાન કાયદો- વ્યવસ્થાની સ્થિતિ જાળવાઇ રહે તે માટે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. આદર્શ આચારસંહિતાના અમલીકરણના ભાગરૂપે ગત તા. ૦૧/૦૪/૨૦૨૬ થી ૧૫/૦૪/૨૦૨૬ દરમિયાનમાં રાજકોટ ગ્રામ્ય પોલીસે રૂ.૨૨.૯૨ લાખનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. આ ઉપરાંત ૧૧૦૭ હથિયાર જમા લીધા છે. અને પાંચ પરવાનેદારના હથિયારના લાયસન્સ રદ કર્યા છે. આ સિવાય છ શખસોને પાસા હેઠળ જેલહવાલે કર્યા છે જયારે એક શખસને તડીપાર કરી દેવામાં આવ્યો છે.
આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય અને રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સૂચના હેઠળ રાજકોટ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીની રાહબરીમાં સ્ટાફ તથા એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે દારૂબંધીના કાયદાના અમલીકરણ માટે રાજકોટ ગ્રામ્ય પોલીસે પ્રોહીબિશનના કુલ ૨૯૩ કેસ કર્યા છે.
જેમાં વિદેશી દારૂની ૨૨૫૮ બોટલો પકડી પાડીને ૪૦ કેસ કરવામાં આવ્યા છે, જેની કિંમત રૂ.૧૯,૦૨,૨૪૭ જેટલી થાય છે. આ ઉપરાંત, દેશી દારૂના કબજાના ૨૫૩ કેસ નોંધી ૧૯૫૨ લિટર દારૂ જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત રૂ. ૩,૯૦,૪૦૦ છે. આમ, કુલ રૂ. ૨૨,૯૨,૬૪૭ની કિંમતનો દારૂ અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલી દ્વારા લિસ્ટેડ ગુનેગારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. જિલ્લાના કુલ ૬૬૮ લિસ્ટેડ બુટલેગરો પૈકી અત્યાર સુધીમાં ૫૩૭ બુટલેગરોને ત્યાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ રેઈડ દરમિયાન ૧૩૬ સ્થળોએ પોલીસને સફળતા મળી છે, જ્યારે ૪૦૧ સ્થળોએ નીલ રેઈડ નોંધાઈ છે. તેવી જ રીતે, લિસ્ટેડ ૭૩ જુગારીઓમાંથી ૧૭ જુગારીઓ પર પણ રેઈડ કરવામાં આવી હતી, જેમાં ૨ સફળ અને ૧૫ નીલ રેઈડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એસ.ઓ.જી. દ્વારા ગોંડલ સીટી બી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન.ડી.પી.એસ.નો એક કેસ પણ શોધી કાઢવામાં આવ્યો છે.
ચૂંટણીને લઇ પરવાનેદારોને હથિયાર જમા કરાવવા જાહેરનામુ બહાર પાડાવમાં આવ્યુ હોય જેને લઇ જિલ્લામાં કુલ ૧૨૦૬ પરવાનાવાળા હથિયારો છે, જેમાંથી ૧૧૦૭ હથિયારો પોલીસ પાસે જમા કરાવી દેવામાં આવ્યા છે. બાકીના હથિયારોમાં ૮૬ને મુક્તિ આપવામાં આવી છે, ૫ હથિયારોના પરવાના રદ કરવામાં આવ્યા છે અને ૮ હથિયારોની મુક્તિ માટેની અરજી હાલ પેન્ડિંગ છે.