શહેરી વિકાસ માટે ૩૦૨૫ કરોડની જોગવાઇને આવકારતા રાજકોટ મનપાના પદાધિકારીઓ

  • February 20, 2025 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાત રાજ્ય સરકારના આજે રજૂ થયેલા બજેટમાં શહેરી વિકાસ વિભાગ માટે ૩૦૨૫ કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવતા આ જોગવાઈને રાજકોટ મહાનગરપાલિકાના પદ અધિકારીઓએ આવકારી છે અને સમગ્ર પ્રદેશ ખૂબ જ સુંદર હોવાનું જણાવી ૨૦૪૭ સુધીના રોડ મેપ સમાન હોવાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

વિશેષમાં રાજકોટ મહાપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાએ રાજ્યના બજેટને આવકારતા જણાવ્યુ હતું કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં નાણામંત્રી કનુભાઇ દેસાઈએ સતત ચોથી વખત રજૂ કરેલ વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ રાજ્યની સાત કરોડ જનતાની આશા-આકાંક્ષાઓની પરિપૂર્તિ બનનારું બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી આ બજેટને હર્ષભેર આવકારેલ છે.

વિશેષમાં, પદાધિકારીઓએ જણાવેલ કે, વિધાનસભામાં રજુ થયેલ આ બજેટ સમાજના દરેક વર્ગના લોકોની જરૂરિયાતોનો ખ્યાલ રાખનારું આ સર્વસમાવેશી-સર્વસ્પર્શી બજેટ વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત @૨૦૪૭ના વિઝનને સાકાર કરવાની પ્રતિબધ્ધતાને નવો વેગ અને ઊર્જા આપનારું બની રહેશે. આ બજેટના મુખ્ય પાંચ આધાર સ્તંભ સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધા, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ, ગ્રીન ઝોનને વાચા આપતુ જનહિતકારી બજેટ છે.

આ બજેટમાં મહિલાઓ માટે વર્કિંગ વુમન હોસ્ટેલ, મેડીસિટી હોસ્પિટલ, ૩ લાખથી વધુ આવાસ, ૧૦% જી.ડી.પી.ગ્રોથ રેટનો લક્ષ્યાંક, આંગણવાડીમાં ભૌતિક સુવિધા, જી.ડી.પી.માં ૮% યોગદાન, ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતનું ૧૮% યોગદાન, ૪ પ્રદેશમાં આઈ હબની સ્થાપના, કૃષિ, શિક્ષણ, આરોગ્ય પર ભાર મુકવામાં આવશે.

આ બજેટમાં રાજ્ય સરકાર દ્વારા તમામ વર્ગ માટે ખાસ જોગવાઈ કરવામાં આવેલ છે. જે વિગતવાર જોઈએ તો, શહેરી વિકાસ માટે રૂ.૩૦૨૫ કરોડ, રમત ગમત અને યુવા વિભાગ માટે રૂ.૧૦૯૩ કરોડ, સૂર્યોદય યોજના માટે રૂ.૨૧૭૫ કરોડ, કિશાન ક્રેડીટ માટે રૂ.૧૨૫૨ કરોડ, પ્રાકૃતિક ખેતી માટે રૂ.૪૦૦ કરોડ, માર્ગ અને મકાન વિભાગ માટે રૂ.૨૪,૭૦૫ કરોડ, જળ સંપતિ માટે રૂ.૧૩,૩૬૬ કરોડ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક માટે રૂ.૨૫૩૫ કરોડ, ઉદ્યોગ અને ખાણ ખનીજ માટે રૂ.૧૧,૭૦૬ કરોડ, મહિલાઓના આત્મનિર્ભર માટે ૧૦૦ કરોડ, ઉર્જા વિભાગ માટે રૂ.૬,૭૫૧ કરોડ, શિક્ષણ વિભાગ માટે રૂ.૫૯,૯૯૯ કરોડ, આરોગ્ય વિભાગ માટે રૂ.૨૩,૩૮૫ કરોડ, કૃષિ અને સહકાર વિભાગ માટે રૂ.૨૨,૪૯૮ કરોડ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે રૂ.૬૮૦૭ કરોડ, આદિજાતિ વિકાસ માટે રૂ.૧૧૦૦ કરોડ, વિવિધ શિષ્યવૃતિ માટે રૂ.૪૮૫૭ કરોડ, અન્ન અને પુરવઠા માટે રૂ.૨૭૧૨ કરોડ, પંચાયત અને ગ્રામ વિકાસ માટે રૂ.૧૩,૭૭૨ કરોડ, પૌષ્ટિક અલ્પાહાર માટે રૂ.૬૪૭ કરોડ, પોષણની યોજના માટે રૂ.૮૫૦૦ કરોડ, મહિલા અને બાળ વિકાસ માટે રૂ.૭૬૬૮ કરોડ, મુખ્યમંત્રી શ્રમિક બસેરા માટે રૂ.૨૦૦ કરોડ, સ્ટાર્ટ અપ એકમો માટે રૂ.૩૬૦૦ કરોડ વગેરે વિભાગ તથા યોજનાઓ માટે મહત્વની જોગવાઈ કરેલ છે.

આ બજેટમાં વિવિધ ક્ષેત્રોમાં કરેલ જોગવાઈથી રાજ્યનો આર્થિક, માળખાકીય, ટેકનોલોજીના ક્ષેત્રે ખરા અર્થમાં સમતોલ અને સર્વાંગી વિકાસ થશે અને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના અમૃતકાળને કર્તવ્યકાળ બનાવી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પથ પર અગ્રેસર કરતું રાજ્યનું પ્રગતિશીલ બજેટ આપવા માટે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્ય સરકારને ખુબ ખુબ અભિનંદન પાઠવી બજેટને હર્ષભેર આવકારેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application