રાજકોટ મનપા કમિશનરનો નિર્ણય : વન વીક વન રોડ નહીં, આજથી ડેઇલી દબાણો હટાવ ઝુંબેશ શરૂ

  • May 04, 2023 12:51 PM 

રાજકોટ મહાપાલિકાના નવનિયુક્ત યુવા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલએ તાજેતરમાં દબાણ હટાવ મામલે નવો આદેશ જારી કર્યો છે કે વન વીક વન રોડ ઝુંબેશ ચલાવી સપ્તાહમાં ફક્ત એક દિવસ દબાણો દૂર કરવાની કામગીરી કરવાના બદલે સમગ્ર મે મહિના દરમિયાન દરરોજ રોજિંદી કામગીરીના ફરજના ભાગરૂપે દબાણો દૂર કરવાની કામગીરી કરવાની રહેશે. દબાણ દૂર કર્યા બાદ ફરી ન થાય તે જોવા કડક તાકિદ કરી છે. દર સપ્તાહે નિર્ધારિત દિવસે જ દબાણો દૂર કરવાની કામગીરીથી દબાણકર્તાઓ એલર્ટ થઇ જાય છે અને એક દિવસ પૂરતું દબાણ દૂર કરી ફરી દબાણ કરે છે. મ્યુનિ.કમિશનરએ ટાઉન પ્લાનિંગ શાખાના સ્ટાફ અને દબાણ હટાવ સ્ટાફને ફક્ત રાજમાર્ગો જ નહીં આંતરિક રસ્તાઓ કે શેરીઓમાં દબાણો હોય તો તે પણ દૂર કરવા સૂચના આપી છે.


રાજકોટમાં ગેરકાયદેસર દબાણોને લઈને RMC હરકતમાં આવી છે.  મ્યુનિસિપલ કમીશ્નર આનંદ પટેલના આદેશને પગલે હવે 365 દિવસ દબાણ હટાવવાની કામગીરી કરાશે. ત્યારે આજે છોટુનગર વિસ્તારમાં શૂલભ શૌચાલયમાં દબાણ દૂર કરવામાં આવ્યું હતું. સાથે જ શુલભ શૌચાલયમાં શાકભાજીની લારી, જુના ફર્નિચર સહિતની વસ્તુઓ દબાણ વિભાગે કબજે કરી હતી.

તાજેતરમાં શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર દબાણ હટાવ ઝુંબેશ ચલાવીને બાવન રેંકડીઓ-કેબિનો જપ્ત કરવામાં આવી હતી તેમજ અન્ય પરચુરણ ૨૮૫ ચીજ વસ્તુઓ પણ જપ્ત કરાઈ હતી. જ્યારે રાજમાર્ગો ઉપર રેંકડીઓ તેમજ પાથરણા પાથરીને શાકભાજી અને ફળ વેંચતા ફેરિયાઓનું દબાણ દૂર કરી ૧૧૮૨ કિલો શાકભાજી જપ્ત કરાયું હતું. શહેરની બજારોમાં મંજૂરી વિના મંડપ નાખનાર પાસેથી મંડપ, કમાન અને છાજલીના હાજર દંડ પેટે સ્થળ ઉપર જ રૂ.૧,૬૧,૩૦૦ની વસુલાત કરવામાં આવી હતી. તદ્દઉપરાંત અન્ય વિવિધ વિસ્તારોમાં ફેરિયાઓ પાસેથી રૂ.૫૮,૦૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો. જ્યારે રાજમાર્ગો ઉપર મફત પ્રચાર માટે રોડના સેન્ટ્રલ ડિવાઇડરના લાઇટ પોલ, ટ્રાફિક સર્કલ, ટ્રાફિક આઇલેન્ડ, વીજ થાંભલા, ટ્રી ગાર્ડ વિગેરે ઉપર લગાવેલા કુલ ૧૫૯૯ સાઇન બોર્ડસ અને બેનર્સ જપ્ત કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application