BREAKING NEWS

રાજકોટ ભાજપમાં બળવો: વોર્ડ 13 માં નીતિન રામાણીની ટિકિટ કપાતા 200થી વધુ કાર્યકરોનો 'કમલમ' પર હલ્લો, 2014 પછી પહેલીવાર ભાજપ કાર્યાલયે આવા દ્રશ્યો સર્જાયા

  • April 10, 2026 11:55 PM 

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર થતા જ 'શિસ્તબદ્ધ' ગણાતી પાર્ટીમાં ભંગાણ અને આક્રોશના દ્રશ્યો જોવા મળ્યા છે. વોર્ડ નંબર ૧૩ માં પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીની ટિકિટ કાપીને પંકજ લુણાગરિયાને ઉમેદવાર બનાવતા કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે મોટી સંખ્યામાં કાર્યકરો શહેર ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે ઉમટી પડ્યા હતા અને વાતાવરણ અત્યંત ગરમાયું હતું.


"નીતિનભાઈ તુમ આગે બઢો" ના નારાથી ગુંજ્યું કમલમ
નીતિન રામાણીના સમર્થનમાં ૨૦૦થી વધુ કાર્યકરો શક્તિ પ્રદર્શન સાથે શહેર ભાજપ પ્રમુખને મળવા પહોંચ્યા હતા. કાર્યકરોએ પક્ષના આ નિર્ણય સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને 'કમલમ' માથે લીધું હતું. રાજકીય વિશ્લેષકોના મતે, વર્ષ ૨૦૧૪ પછી રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે આટલી મોટી સંખ્યામાં કાર્યકરોનો આક્રોશ પહેલીવાર જોવા મળ્યો છે. કાર્યાલય ખાતે સ્થિતિ એટલી હદે વણસી હતી કે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


પુષ્કર પટેલની મધ્યસ્થી

ભાજપના વરિષ્ઠ આગેવાન પુષ્કર પટેલ સ્થિતિને થાળે પાડવા મેદાનમાં આવ્યા હતા. તેઓ નીતિન રામાણીને સમજાવટ માટે શહેર પ્રમુખની ચેમ્બરમાં લઈ ગયા હતા.


કાર્યકરોની માંગ
સમર્થકોની એક જ માંગ છે કે પાયાના અને લોકપ્રિય નેતાની ટિકિટ કાપીને અન્યાય કરવામાં આવ્યો છે, જે પક્ષને ચૂંટણીમાં ભારે પડી શકે છે.


​​​​​​​રાજકોટ ભાજપમાં અત્યાર સુધી અંદરખાને અસંતોષ હતો, પરંતુ નીતિન રામાણીના કિસ્સામાં આ અસંતોષ સપાટી પર આવ્યો છે. વોર્ડ ૧૩ માં મતોનું ગણિત જોતા, જો રામાણીના સમર્થકો નારાજ રહે તો ભાજપની આખી પેનલને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. શહેર પ્રમુખ અને વરિષ્ઠ નેતાઓ અત્યારે ડેમેજ કંટ્રોલ (નુકસાન રોકવા) માટે મથામણ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News