રાજકોટની એજી ઓફિસનું ટૂંક સમયમાં સ્થળાંતર કરાશે: ગિરીશચંદ્ર મુર્મુ

  • July 18, 2024 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓડિટ ઓફ લોકલ ગવર્નન્સ સેન્ટરનું રાજકોટ ખાતે ઉદઘાટન કયર્િ પછી યોજાયેલી પત્રકાર પરિષદમાં કોમપટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ગિરીશચંદ્ર મુરમુએ પત્રકારોને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાજકોટ ખાતેની એજી કચેરીનું ટૂંક સમયમાં ગાંધીનગર સ્થળાંતર કરવામાં આવશે. કર્મચારીઓના મોટાભાગના પ્રશ્નો પેન્શન, પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેજ્યુટીને લગતા હોય છે. આવા બધા પ્રશ્નોનું અંતિમ નિરાકરણ ગાંધીનગર ખાતેની કચેરીમાં થતું હોવાથી સ્થાનિક કક્ષાની રાજકોટ ખાતેની કચેરીનું ગાંધીનગર સ્થળાંતર કરવામાં આવશે.

ગિરીશચંદ્ર મુરમુ એ વધુમાં જણાવ્યું હતું કે અહીં જે ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે તેમાં ટૂંક સમયમાં ક્લાસરૂમ અને હોસ્ટેલ જેવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે.ગુજરાત વિધાનસભાના સત્રમાં કેગનો અહેવાલ છેલ્લા દિવસે છેલ્લા કલાકોમાં જ શા માટે રજૂ થાય છે ?તેવો સવાલ પૂછાતા મુરમુ એ જણાવ્યું હતું કે 98 થી 99% કિસ્સામાં જે તે રાજ્યની વિધાનસભામાં કેગનો અહેવાલ વહેલાસર મુકાઈ જતો હોય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે જે તે સરકારની અને તેના વિભાગોની કામગીરીના લેખાં જોખા રજૂ કરતો રિપોર્ટ રાષ્ટ્રપતિને અથવા તો જે તે રાજ્યના ગવર્નરને સોપતા હોઈએ છીએ. અમારા રિપોર્ટ પછી શું કાર્યવાહી થઈ તેનો એક્શન ટેકન રિપોર્ટ પણ સરકારે રજૂ કરવાનો હોય છે અને તેના આધારે રેટિંગ નક્કી થતું હોય છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાનું આ સેન્ટર રાજકોટમાં શરૂ કરવા બાબતે તેમણે જણાવ્યું હતું કે રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. અહીં અમારું બિલ્ડીંગ છે અને પંચાયતી રાજનો પાયો ગુજરાતમાં નખાયો હોવાથી ગુજરાતના એક સેન્ટર તરીકે અમે રાજકોટની પસંદગી કરી છે.

સમગ્ર દેશમાં અઢી લાખથી વધુ પંચાયતો અને 7,000 થી વધુ અર્બન લોકલ બોડી છે. તેમના ચૂંટાયેલા સભ્યોને અને અધિકારીઓને કેન્દ્ર સરકારની જુદી જુદી યોજના અંતર્ગત મળતી ગ્રાન્ટ કે સહાયનો કેવી રીતે ઉપયોગ કરવો ? જવાબદારીની સાથોસાથ અધિકાર શું છે? તે સહિતની બાબતોનું માર્ગદર્શન આપવામાં આવશે અમારી ટ્રેનિંગ ચાર થી છ સપ્તાહની હોય છે અને તે દરમિયાન ટ્રેનિંગની સાથે સાથ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞોનું માર્ગદર્શન પણ મળશે. અત્યારે રાષ્ટ્રીય કક્ષાની ટ્રેનિંગના કાર્યક્રમો યોજાશે. પરંતુ એકાદ બે મહિના પછી આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ માટેના કાર્યક્રમો પણ રાજકોટમાં યોજાશે. આજના આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના અરબન ડેવલોપમેન્ટ સેક્રેટરી અશ્વિનીકુમાર જિલ્લા કલેકટર પ્રભવ જોશી જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવહાણે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ઓડિટ એડવાઈઝરી બોર્ડના સભ્ય આર. એલ. બીશનોય, વિજયાનંદ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

મીડિયાને કેમ પ્રશ્ર્ન પૂછવા? તેના પાઠ ભણાવ્યા
જ્યારે ગિરીશચંદ્ર મુરમુ પત્રકાર પરિષદને સંબોધે ત્યારે તેને કેવા પ્રકારના પ્રશ્ન કેવી રીતે પૂછવા તેનું વિસ્તૃત માર્ગદર્શન મીડિયા સલાહકાર ચૌહાણ દ્વારા આપવામાં આવ્યું હતું. ટૂંકા પ્રશ્નો પૂછવા, વિસ્તૃતમાં સવાલો ન પૂછવા, આજના વિષય સિવાયના સવાલો ન પૂછવા તેવું લાંબુ લચક માર્ગદર્શન આપતા પત્રકારોએ તેને સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું હતું કે શું પૂછવું અને શું ન પૂછવું તે અમારો અબાધિત અધિકાર છે. આવા માર્ગદર્શનની અમારે જરૂર નથી. જો કે સમગ્ર કાર્યક્રમમાં મીડિયા સાથેનું વલણ અને વર્તન જુદું જ જોવા મળ્યું હતું. જ્યાં કાર્યક્રમ હતો ત્યાં સૌથી છેલ્લી રોમાં મીડિયાને બેસવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. એજી કચેરીમાં વિશાળ ગ્રાઉન્ડ અને પાર્કિંગની પૂરતી વ્યવસ્થા હોવા છતાં વાહનોને પણ બહાર રોડ પર પાર્ક કરવા માટે જણાવાયું હતું. પંચાયતની લોકલ બોડી માટેના આ કાર્યક્રમમાં પંચાયતના કોઈ અધિકારી કે પદાધિકારી જોવા મળતા ન હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application