ગોંડલના ગૃહ ઉદ્યોગ સાથે રાજસ્થાની પિતા-પુત્રની ૮૦ લાખની ઠગાઈ

  • August 10, 2023 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના મોવિયા રોડ પર આવેલા શ્રી હરિગૃહ ઉદ્યોગ નામે શ્રીહરિ તથા રાજરાણી બ્રાંડના નામે ધાણા, જીરૂ, મેથી, વરિયારી, રાઈડો સહિતની જણસો પેકિંગ તથા લુઝ પેકિંગમાં વેચાણ કરતી પેઢી સાથે રાજસ્થાનના ઉદયપુરના વેપારી પિતા-પુત્ર શાંતિલાલ ગોવિંદરામ મહેશ્ર્વરી તથા પુત્ર જેન્તી શાંતિલાલ દ્વારા આરંભે પેમેન્ટ સમયસર ચૂકવી વિશ્ર્વાસ સંપાદિત કરી માલનો વધુ પડતો જથ્થો મગાવી પેઢીને ૮૦,૮૧,૯૮૯ ‚પિયા નહીં ચૂકવી વિશ્ર્વાસઘાત, ઠગાઈ કર્યાની પેઢીના જનરલ મેનેજર કનકસિંહ માધુભા ગોહિલ રહે.ગ્રીનપાર્ક સોસાયટી-૧ ગોંડલ દ્વારા ગોંડલ પોલીસ મથકમાં બન્ને વિ‚ધ્ધ ગુનો નોંધાવાતા પોલીસે બન્નેની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદની વિગતો મુજબ સિહોરના ટાણા ગામના વતની અને શ્રીહરિ ગૃહ ઉદ્યોગમાં છેલ્લા આઠ વર્ષથી જનરલ મેનેજર તરીકે કનકસિંહ ફરજ બજાવે છે. ૨૪ વર્ષથી વધુ જૂની પેઢીના માલિક વિજયભાઈ મોહનભાઈ રૈયાણી તથા વિજયભાઈના ભાઈ હિતેષભાઈ છે, બન્ને પેઢીનો વહિવટ સંભાળે છે, બન્નેની દેખરેખ હેઠળ માલ ખરીદ, વેચાણનો તમામ વહીવટ જનરલ મેનેજર દરજ્જે કનકસિંહ ગોહિલ સંભાળે છે, પેઢીમાંથી રાજસ્થાનના ઉદેપુરના શાંતિલાલ વર્ષોથી માલ ખરીદ કરી કમિશનથી વેચતા હતા અને પેમેન્ટમાં વ્યવહાર ચોખો પેઢી સાથે શાખ પણ સારી ધરાવતા હતા.


બે વર્ષ પહેલા ૨૦૨૧માં શાંતિલાલનો ફોન આવ્યો કે તેનો પુત્ર જેનીત પણ હવે રાજસ્થાનમાં મસાલા વેચાણનું કામ કરવા માગે છે તેને માલ આપજો તે ત્યાં ગોંડલ ‚બ‚ મળવા આવશે. ૨૦૨૧માં જેનીત ગોંડલ આવ્યો અને પેઢી સંચાલક રૈયાણી બંધુ અને જનરલ મેનેજર ગોહિલને મળ્યો હતો. માલની ખરીદીની વાતચીત શરૂ થઈ હતી. ચારેક મહિના સુધી માલ ખરીદ કરી પેમેન્ટ ચૂકવી દેવાતું હતું. ત્યારબાદ જેનીતે કહ્યું કે, હવે ઉદેપુર સેકટર-૧૮ શોપિંગ સેન્ટર શોપ નં.૧૮માં પત્ની અલ્પનાબેનના નામે મહેશ્ર્વરી ટ્રેડિંગ નામની નવી પેઢી ચાલુ કરી છે હવે તે નામે વેચાણ કરીશ.


નવી પેઢીના નામા વ્યવહારો ચાલુ થયા અહીંથી માલ ટ્રાન્સપોર્ટમાં મોકલાવાતો અથવા ત્યાંથી વાહન આવે તેમાં ભરી અપાતો ૧૫-૨૦ દિવસની સમય મર્યાદામાં પેમેન્ટ આવી જતુ એકાદ વર્ષ સુધી વ્યવહારો વ્યવસ્થિત ચાલ્યા હતા. ગત વર્ષે તા.૧૨-૫-૨૨ના રોજ ૨૬.૮૩ લાખનો માલ ખરીદ કર્યો અને પાછલુ પેમેન્ટ આપી દઈશની વાત કરી હતી. આ એક માસ દરમિયાન તા.૧૨-૫થી તા.૨-૬-૨૨ સુધીમાં છ વખત ૧,૧૨,૮૧,૯૮૯ ‚પિયાનો માલ મગાવ્યો હતો. જેતે સમયે પેમેન્ટ મોટુ હોવાથી જેનીતના પિતા શાંતિલાલ સાથે પેઢી સંચાલકો દ્વારા વાત કરાઈ હતી.


આરોપી શાંતિલાલ દ્વારા ચિંતા કરોમાં પેમેન્ટની મારી જવાબદારી માલ મોકલજો કહી વિશ્ર્વાસ અપાયો હતો. સમયસર પેમેન્ટ ન મળતા ઉઘરાણી કરાઈ હતી. જેથી કટકે કટકે તા.૫-૯-૨૨ સુધીમાં ૩૨ લાખ ‚પિયા ચૂકવ્યા હતા. અચાનક માલ ખરીદી પણ બંધ કરી દીધી. બાદમાં પેમેન્ટ આવતું નહીં અવારનવાર ફોન, વોટસએપ મેસેજ કરાતા હતા. આમ છતાં પેમેન્ટ આપવામાં આવ્યું નહીં અને હાલ પૈસા નથી વ્યવસ્થા થશે ત્યારે આપશું ના ગલ્લાતલ્લા કે વાયદા કરાતા હતા. જેથી છેતરાયેલી પેઢી દ્વારા બન્ને સામે ગુનો નોંધાવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application