લાલપુરમાં બોરવેલમાં પડી ગયેલા રાજનો નવ કલાક બાદ બચાવ થયો

  • February 07, 2024 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લાલપુર તાલુકાના ગોવાણા વાડી વિસ્તારમાં ખેતમજુરનો બે વર્ષનો પુત્ર રમતા રમતા ઉંડા બોરવેલમાં પડી જતા ભારે દોડધામ મચી ગઇ હતી, ફાયર બ્રિગેડની ટુકડીઓ, ૧૦૮, પોલીસ સહિતનો કાફલો પહોચ્યો હતો અને યુધ્ધના ધોરણે રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યુ હતું, આજુબાજુના લોકો પણ એકત્ર થયા હતા, કલેકટર, એસપી, ચિફ ફાયર ઓફીસર, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ દોડી ગયા હતા અને મધરાત સુધી રેસ્કયુ ઓપરેશન ચાલ્યુ હતું અને આશરે ૯ કલાકની અથાગ મહેનતના અંતે બાળકને હેમખેમ બહાર કાઢી સારવારમાં ખસેડવામાં આવ્યો હતો, ઓપરેશન રાજ સફળ થયુ હતું આથી બાળકના પરિવારમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા અને સર્વે તંત્રનો આભાર માન્યો હતો, આમ ઓપરેશન સફળ થતા સર્વેએ રાહતનો દમ લીધો હતો.

લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રામદેવભાઇ કરંગીયાની વાડીએ રહીને ખેત મજુરી કામ કરતા જલગાવના નિલેશભાઇ રમેશભાઇ વસાવા નામના શ્રમિકનો બે વર્ષનો પુત્ર રાજ રમતા રમતા ઉંડા ખુલ્લા બોરવેલમાં પડી ગયો હતો જે અંગેની જાણ થતા ભારે દોડધામ મચી ગઇ હતી, લાલપુર પોલીસ, જામનગર ફાયર બ્રિગેડને સૌ પ્રથમ બાળક બોરવેલમાં પડી ગયાની જાણ કરવામાં આવી હતી અને તાબડતોબ ટુકડીઓ રવાના થઇ હતી, સ્થળ પર આજુબાજુના લોકો અને સરપચં સહિતના દોડી આવ્યા હતા.

ફાયર બ્રિગેડના જવાનોએ મોરચો સંભાળ્યો હતો અને પળનો ય વિલબં કર્યા વીના રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યુ હતું, જામનગર ફાયર બ્રિગેડના ચિફ ઓફીસર કે.કે. બિશ્નોઇના સીધા માર્ગદર્શન હેઠળ ફાયરના જવાનો ઉપરાંત કાલાવડ ફાયર બ્રિગેડની ટીમ, રિલાયન્સ કંપનીની ફાયરની ટીમ મદદ માટે દોડી આવી હતી, લાલપુર પોલીસ અને મામલતદાર સહિતના ત્યાં પહોચ્યા હતા, ૧૦૮ની ટીમ પણ સ્થળ પર દોડી ગઇ હતી.

દરમ્યાનમાં કલેકટર ભાવિન પંડયા, જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી વાઘેલા સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા અને તેમના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, યુધ્ધના ધોરણે બોરવેલમાં ફસાયેલા બાળકને બહાર કાઢવા રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું, બીજી બાજુ એનડીઆરએફની ટીમને પણ જાણ કરવામાં આવી હતી.

બાળક ઉંડા બોરવેલમાં આશરે ૧૪ ફત્પટ અંતરે ફસાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટ્રીએ જાણમાં આવ્યુ હતું, તાકીદે બોરવેલમાં ઓકસીજન પુરો પાડવામાં આવ્યો હતો અને દુરબીન કેમેરાથી બાળકની અંદરની સ્થીતી જાણવાનો પ્રયાસ કરાયો હતો જેમાં બાળકનો હાથ કેમેરામાં દેખાયો હતો, બાળક વધુ અંદર સરકી ન જાય એ માટે હાથ સુધી દોરડુ વિટાવવામાં આવ્યુ હતું, ઉપરાંત બોરવેલની બાજુમાં જેસીબીની મદદથી સમાંતર ઉંડો ખાડો કરવામાં આવ્યો હતો, બ્રેકરની મદદથી આડુ ડ્રીલ કરીને બાળકને હેમખેમ જીવીત અવસ્થામાં બહાર ખેંચી લેવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી.

રેસ્કયુ ઓપરેશનમાં જુદી જુદી ટુકડીઓએ ભારે જહેમત ઉઠાવી હતી, ગ્રામજનો અને આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા, લોકોએ પણ જરૂરી મદદ કરી હતી અને આશરે ૯ કલાકની અથાગ મહેનત રગં લાવી હતી અને ઓપરેશન રાજ સકસેસ થયુ હતું. બાળક રાજને જીવીત અવસ્થામાં હેમખેમ રીતે બહાર કાઢી લેવાતા શ્રમિક પરિવારે હર્ષના આંસુ સાથે સર્વેનો આભાર માન્યો હતો, વહિવટી તત્રં સહિતનાઓએ સફળ કામગીરીના અંતે રાહતનો દમ લીધો હતો.

બાળક રાજને બોરવેલમાંથી બહાર કાઢીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ઓકસીજન સહિતની તાત્કાલીક પ્રાથમિક સારવાર કરી હતી અને શરીરના ભાગે અન્ય કોઇ ગંભીર ઇજા નથી ને તેની ચકાસણી કરવામાં આવી હતી જેમાં બે સ્થળે સામાન્ય ઉઝરડા હોવાનું જણાઇ આવ્યુ હતું, દરમ્યાનમાં બાળકને જામનગરની જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે તાબડતોબ ખસેડવામાં આવ્યો હતો જયાં તબીબોની ટીમ દ્રારા ૨૪ કલાક માટે ઓબ્ઝર્વમાં રાખવામાં આવ્યો હતો, ઓપરેશન રાજ સફળ તથા પંથકમાં હર્ષની લાગણી જોવા મળી હતી.
૯ કલાક જેટલો સમય બોરના અંધારામાં રહેલા રાજ જીંદગીનો જગં જીતી ઉજાસમાં આવવાનો શ્રેય જામનગર ફાયર ટીમના રાકેશ ગોકાણી, કામીલ મહેતા, રિલાયન્સ અને કાલાવડ ફાયર બ્રિગેડ ટીમના ચુનંદા જવાનો તેમજ સમગ્ર ટીમ, મેડીકલ ટીમને ફાળે જાય છે, અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર પંથકના તમાચણ અને કલ્યાણપુરના રાણ ગામમાં થોડા સમય પહેલા ખુલ્લા બોરમાં બાળકો પડી ગયા હતા આથી જીલ્લામાં ખુલ્લા બોર રાખનારાઓ સામે પગલા લેવા જોઇએ એવી પણ લોક લાગણી અને માંગણી ઉઠવા પામી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application