BREAKING NEWS

રાજકોટમાં ગત વર્ષની તુલનાએ આ વર્ષે દોઢ મહિનો મોડો વરસાદ

  • June 30, 2026 10:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ગત વર્ષની તુલનાએ આ વર્ષે દોઢ મહિનો મોડો વરસાદ


રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે તા.૧૫ જૂનથી નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થતો હોય છે પરંતુ રાજકોટ શહેરમાં ગત વર્ષની તુલનાએ આ વર્ષે દોઢ મહિનો મોડું ચોમાસુ બેઠું છે. ગત વર્ષે તા.૫ મે-ના રોજ મોસમનો પહેલો વરસાદ નોંધાયો હતો, જ્યારે આ વર્ષે તા.૧૮ જૂને મોસમનો પહેલો વરસાદ નોંધાયો છે.
૨૦૧૬થી ૨૦૨૬ સુધીના છેલ્લા એક દાયકામાં રાજકોટમાં ફ્ક્ત ત્રણ જ વખત તા.૧૫ જૂનથી મોડો વરસાદ વરસ્યો છે જેમાં ૨૦૧૬માં ૨૭ જૂને, ૨૦૧૮માં ૨૩ જૂને અને ચાલુ વર્ષ ૨૦૨૬માં ૧૮ જૂને વરસાદ વરસ્યો છે.વર્ષ-૨૦૧૯માં વાયુ અને મહા નામના બબ્બે વાવાઝોડાની અસરનો લાભ મળતા સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક સારો વરસાદ વરસ્યો હતો અને રાજકોટ શહેરમાં છેલ્લા ૧૦૦ વર્ષનો સૌથી વધુ એવો મોસમનો કુલ ૬૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ જ પ્રકારે વર્ષ-૨૦૨૧માં તૌકતે વાવાઝોડા અને ૨૦૨૩માં બિપોરજોય તેમજ ૨૦૨૪માં અસના વાવાઝોડાની ઇફેક્ટથી રાજકોટ શહેરમાં સમયસર અને સારો વરસાદ વરસ્યો હતો.
૨૫ લાખની વસતી ધરાવતા રાજકોટ શહેરમાં વરસાદ ખેંચાતા પાણી પ્રશ્ન સર્જાવાની ભીતિ સર્જાઇ છે. મોટા ભાગના બોર અને ડંકીના તળ તો ઉનાળામાં જ ડુકી ગયા છે અને હવે ચોમાસું ખેંચાતા શહેરમાં ફરી ટેન્કર યુગ શરૂ થયો છે અને રાજમાર્ગો ઉપર પાણી ભરેલા ટેન્કર હડિયાપટ્ટી કરતા જોવા મળી રહ્યા છે. રાજકોટવાસીઓમાં હાલ ચિંતા સાથે એક જ ચર્ચા જોવા મળી રહી છે કે વરસાદ ખેંચાશે તો શું થશે ?
હાલ તો રાજ્ય સરકારે આજી અને ન્યારી ડેમમાં ઠાલવેલા સૌની યોજનાના નર્મદાનીરને કારણે રાજકોટ શહેરની દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણની વ્યવસ્થા જળવાઇ રહી છે તેમ છતાં ઓછા ફોર્સથી અને ઓછા પાણી વિતરણની ફરિયાદો રોજિંદી બની ગઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News