જેતપુરના કેરાળી અને લુણાગરીમાં વરસાદથી તારાજી: વીજપોલ ધરાશાયી થતાં અંધારપટ

  • May 05, 2023 01:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારે પવન સાથે કમોસમી વરસાદે જેતપુરના કેરાળી અને લુણાગરી ગામમાં તારાજી સર્જી હતી. બન્ને ગામના મુખ્ય રસ્તાઓ પર ૧૨ જેટલા વીજપોલ તેમજ આઠેક જેટલા વૃક્ષો ધરાશાયી થઇ જતાં વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો અને બન્ને ગામમાં અંધારપટ છવાઇ ગયો હતો. જયારે તલી અને બાજરીના પાકનો સોથ વળી જતાં ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે
ગતરાત્રી જેતપુરમાં જોરદાર વરસાદી ઝાપટું પડયું હતું અને સવારથી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ અને બફારા બાદ બપોર કાળા વાદળો ઘેરાયા હતાં.
​​​​​​​
વાવાઝોડાને કારણે કેરાળી અને લુણાગરી બન્ને ગામોના મુખ્ય રસ્તાઓ પરના ૭થી ૮ જેટલા વૃક્ષો મૂળથી ધરાશાયી થઇ રોડ પર પડતા રોડ પરનો વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો. જયારે કેરાળી ગામે ખેતરોમાં રહેલ આઠ જેટલા વીજપોલ ધરાશયી થઇ જતાં ગામમાં વીજળી ગુલ થઇ ગઇ હતી અને લુણાગરી ગામે પ્રાથમિક શાળાના પ્રાંગણમાં રહેલ ઘેઘુર વૃક્ષ ધરાશાયી થઇ રસ્તા પર પડતા ગામમાં પ્રવેશવાનો રસ્તો બંધ થઇ ગયો અને આ વૃક્ષની નીચે રહેલ વીજ વાયરો ખેંચાતા ચાર વીજ પોલ ધરાશયી થઇ મકાનો પર પડયા હતાં. સદનસીબે કોઇ જાનહાની ન થઇ પરંતુ શાળાની દિવાલ પાસે પાર્ક કરેલ એક જીપ અને કાર બન્ને વૃક્ષ નીચે દબાઇ ગયા હતાં અને બન્ને ગામોમાં કેટલાક ઘરોના છાપરા પણ ઉડી ગયા હતાં.
વાવાઝોડા સાથે જોરદાર કમોસમી વરસાદ ખાબકતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતાં અને વાવાઝોડું પણ સાથે હોવાથી બાજરી અને તલીનો પાક ઢળી જતાં ખેડૂતોને તૈયાર થઇ ગયેલ પાકથી હાથ ધોવાનો વારો આવ્યો હતો. કમોસમી વરસાદ કેરાલી અને લુણાગરી ગામ માટે કહેર બની ગયો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application