જામનગરમાં આવતીકાલથી ત્રણ દિવસ માવઠાની આગાહી

  • April 25, 2023 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી દિવસોમાં ફરીથી એક વખત માવઠાનો રાઉન્ડ થાય તેવી હવામાન ખાતાની આગાહીથી ખેડૂતોમાં ફફડાટ

જામનગર સહિત સમગ્ર હાલારમાં ફરીથી ગરમીનો રાઉન્ડ શરુ થયો છે, પરંતુ હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલથી ત્રણ દિવસ સુધી જામનગર સહિત કેટલાંક જિલ્લાઓમાં ફરીથી માવઠું થશે એવી હવામાન ખાતાએ આગાહી કરતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. જો માવઠું થશે તો કેરી સહિતનો પાક બગડી જશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ તા.ર૬થી ર૮ દરમિયાન જામનગર સહિત કેટલાંક જિલ્લાઓમાં માવઠું થવાની શક્યતા છે જેના કારણે તંત્રને પણ ઍલર્ટ કરી દેવામાં આવ્યું છે. બે મહિનામાં ત્રણથી ચાર વખત માવઠું થયું છે જેના કારણે ઘઉં, જીરુ, મરચાં, કેરી સહિતના પાકને નુકસાન પણ થયું છે અને સરકારે તા.૩૦ માર્ચથી સર્વે પણ શરુ કરાવ્યો છે. હજુ આ કામગીરીનો રિપોર્ટ આવે તે પહેલાં ફરીથી માવઠાની આગાહી કરવામાં આવી છે.
 આ આગાહીના કારણે ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે અને ગઈકાલ સાંજથી ફરી વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને આજ સવારે પણ અસહ્ય ગરમી શરુ થઈ છે. જો કે, રપ કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોય લોકોને થોડી રાહત મળી છે પરંતુ ગરમીની વચ્ચે પ્રિમોન્સુનની કામગીરીની બહાને પીજીવીસીએલ દ્વારા કેટલાંક વિસ્તારોમાં વિજકાપ મૂકી દેવાતાં લોકો પરેશાન થઈ ગયાં છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૫ ડીગ્રી રહ્યું હતું, લઘુતમ તાપમાન ૨૩.૫ ડીગ્રી, હવામાં ભેજ ૮૪ ટકા અને પવનની ગતિ ૨૦ થી ૨૫ કિ.મી. પ્રતિકલાક રહી હતી.
હાલારના વાતાવરણમાં પલ્ટો આવી ચૂકયો છે, ત્રણ દિવસથી સૂર્યગ્રહણને કારણે પણ વાદળો છવાયા હોવાનું હવામાન ખાતાનું કહેવું છે, જો કે બે દિવસ હવામાં ભેજ વધી જતાં જામનગરમાં સારો એવો બફારો રહ્યો હતો અને ગામડાઓમાં પણ ખેતરમાં કામ કરતા મજુરોને પણ ગરમીનો સામનો કરવો પડયો હતો.
આવતીકાલ સુધી મહત્તમ તાપમાન સડસડાટ ૪૦ ડીગ્રીને પાર કરી જાય તેવી પણ શકયતા છે અને કેટલાક ગામોમાં તાપમાન ૪૩ ડીગ્રી  સુધી જઇ શકે છે તેવી હવામાન ખાતાએ આગાહી કરી દીધી છે, એટલે કે હવે સાચો ઉનાળો મોડો તો મોડો પણ શરુ થઇ જશે. જો કે જામનગરમાં ગઇકાલે પણ ૪૫ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા થોડી ગરમીમાં રાહત થઇ છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ વખતે મહત્તમ તાપમાન કેટલાક શહેરમાં ૪૩ થી ૪૪ ડીગ્રી રહેશે, એટલે કે ગયા વર્ષ કરતા ગરમી વધુ રહેશે, જો કે એક મહીનો અવારનવાર માવઠુ થયું છે તેથી ઉનાળાનું સમીકરણ પણ થોડુ બદલાયું છે તે પણ હકીકત છે. રાજકોટમાં ગઇકાલે મહત્તમ તાપમાન ૪૧ ડીગ્રીએ પહોંચી ગયું છે જયારે અમરેલી, સુરેન્દ્રનગર, લાઠી, બાબરા, રાજકોટ, જુનાગઢ,  વિસ્તારમાં તાપમાન ૪૨ ડીગ્રીને પાર કરી ગયું છે.
જો કે, આવતીકાલથી ચાર-પાંચ દિવસમાં ગમે ત્યારે માવઠું થાય તેવી હાલ પૂરતી હવામાન ખાતાની આગાહી છે ત્યારે કેરીના પાકને અગાઉ પણ નુકસાન થઈ ચૂક્યું છે અને હજુ પણ નુકસાન થાય તેવી પૂરી શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application