ગુજરાતમાં પાંચ દિવસ સુધી ફરી માવઠાની આગાહી: ખેડુતો ચિંતામાં

  • December 07, 2023 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારના ગામડાઓમાં વાતાવરણમાં બદલાવ: વાદળો છવાયા

જામનગર સહિત સમગ્ર હાલારમાં એક માવઠાનો હાવ સમી ગયો પરંતુ રાજયના હવામાન ખાતાએ આજથી પાંચ દિવસ સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરીથી માવઠુ આવશે તેવી આગાહી કરતા ખેડુતોના જીવ પડીકે બંધાયા છે, સતત ટેન્શનમાં ખેડુત જીવી રહ્યો છે, આર્થિક નુકશાનનો ભય તોળાઇ રહ્યો છે ત્યારે જો માવઠુ થશે તો ખેડુતો આર્થિક રીતે પાયમાલ થઇ જશે, સરકાર સહાયની જાહેરાત કરે છે પરંતુ એ સહાય ખેડુતો માટે પુરતી હોતી નથી.
શિયાળુ પાકમાં જીરુ, ઘઉં, ચણા, ધાણાનું મવલખ વાવેતર થયું છે, જો માવઠુ થાય તો ખેડુતોને બિયારણના રુપિયા પણ નહીં નિકળે, બીજી તરફ કપાસ પણ તૈયાર થઇ રહ્યો છે ત્યારે જો વરસાદ થાય તો કપાસ પણ પલળી જશે અને ખેડુતોએ જે આશા રાખી છે તે ઠગારી નિવડશે અને માવઠાને કારણે ખેડુતોનું આર્થિક બજેટ પણ ખોરવાઇ જશે, સરકાર ચિંતીત હોવાનો દાવો કરે છે, પરંતુ ખેડુતોને તો આખરે નુકશાની જ સહન કરવી પડે છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરીથી માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે તંત્રને પણ એલર્ટ કરાયું છે, માર્કેટીંગ યાર્ડના સંચાલકોને પણ માવઠુ થાય તો પારોઠના પગલા લેવા સુચના આપી દેવામાં આવી છે.
જયારે-જયારે માવઠુ કે અન્ય આફતો આવે ત્યારે સરકાર દ્વારા સર્વે કરીશું તેવી જાહેરાત કરી દેવામાં આવે છે પરંતુ વાસ્તવીકતા કાંઇક અલગ હોય છે, કેટલાક ગામડાઓમાં સર્વે પણ થતો નથી જેને કારણે પુરતી રકમ પણ મળતી નથી. સરકારે આ બાબતે ખ્યાલ રાખવો જોઇએ અને જિલ્લા કલેકટર તથા ડીડીઓએ કોઇ સર્વે વગર રહી ન જાય તેવી સુચનાવી આપવી જોઇએ.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૮.૫ ડીગ્રી, મહત્તમ તાપમાન ૨૬.૬ ડીગ્રી રહ્યું હતું,  હવામાં ભેજ ૭૧ ટકા અને પવનની ગતિ ૩૦ થી ૩૫ કિ.મી. પ્રતિકલાક રહી હતી.
જામનગરમાં ગઇકાલે સાંજે પણ તેજ ગતિએ પવન ફુંકાયો હતો, એટલું જ નહીં પવનની ગતિ ધીમે-ધીમે ૩૫ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી, લોકોએ સ્વેટર અને મફલર બહાર કાઢયા હતાં, હાલારના તાલુકા મથકો ખંભાળીયા, દ્વારકા, કલ્યાણપુર, જામજોધપુર, ભાણવડ, લાલપુર, કાલાવડ, ધ્રોલ, જોડીયા, સલાયા, ફલ્લા, ભાટીયા સહિતના ગામોમાં પણ આજ સવારથી ઠંડક જોવા મળી છે.
આ વર્ષે ઠંડી મોડી છે, બે વખત માવઠુ પણ આવી ચૂકયું છે એટલે કદાચ ૪૦ થી ૪૫ દિવસ ઠંડી રહે તેવી પણ શકયતા છે, હાલારના ગામડાઓમાં પણ ગઇકાલે સાંજે ઠંડો પવન ફુંકાયાના સમાચાર જાણવા મળ્યા છે, જો કે હવામાં ભેજ ૮૦ થી ૯૦ ટકા વચ્ચે રહે છે અને લઘુતમ તાપમાન જોઇએ તેટલું ઘટતું નથી, મહત્તમ તાપમાનમાં પણ ખાસ કાંઇ ફેર પડતો નથી અને ૨૭ થી ૨૮ ડીગ્રી સુધી આ તાપમાન રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application