ખંભાળિયામાં બે સ્થળોએ વિદેશી દારુ અંગે દરોડા

  • December 23, 2023 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૭૮ બોટલ સહિતના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો: બે શખ્સોની શોધખોળ

ખંભાળિયા પંથકમાં ગઈકાલે શુક્રવારે સ્થાનિક પોલીસે બે સ્થળોએ વિદેશી દારૂ અંગેની કાર્યવાહી કરી અને આ પ્રકરણમાં લાલપરડા ગામના શખ્સને મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.
ખંભાળિયા પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી દ્વારા દારૂ-જુગાર સામે કડક હાથે કાર્યવાહી કરવા આપવામાં આવેલી સૂચના અંતર્ગત સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા તથા ખીમાભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયાથી આશરે ૩૦ કિલોમીટર દૂર લાલપરડા ગામે રહેતા અને વાણંદ ગામની દુકાન ધરાવતા જયેશ અનિલભાઈ રાઠોડ નામના ૨૬ વર્ષના શખ્સ દ્વારા પોતાની દુકાનમાં છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા ૪,૦૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૧૦ બોટલ કબજે કરી હતી. આ દારૂનો જથ્થો તેણે આ જ ગામના પરબત નાથા પિંડારિયા અને નારણ ભરવાડ પાસેથી વેચાણ અર્થે મેળવ્યું હોવાનું કબુલતા પોલીસે જયેશ રાઠોડની પ્રોહીબિશન એક્ટ મુજબ અટકાયત કરી, પરબત પીંડારીયા અને નારણ ભરવાડની શોધખોળ હાથ ધરી છે.
આ સાથે કરવામાં આવેલી અન્ય એક કાર્યવાહીમાં લાલપરડા ગામના પરબત નાથા પિંડારિયા દ્વારા પોતાના કબજા ભોગવટાની વાડીએ જુના ખંઢેર મકાનમાં છુપાવીને રાખેલી જુદી જુદી બ્રાન્ડની રૂ. ૬૭,૨૦૦ ની કિંમતની ૧૬૮ બોટલ વિદેશી દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો. જો કે આ સ્થળે આરોપી પરબત નાથા પિંડારિયા પોલીસને હાથ લાગ્યો ન હોવાથી ખંભાળિયા પોલીસે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી, આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે રૂ. ૭૧,૨૦૦ ની કિંમતની કુલ ૧૭૮ બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી, આ કાર્યવાહી પી.આઈ. એન.એચ. જોશી સાથે સર્વેલન્સ સ્ટાફના હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, જેઠાભાઈ પરમાર, રોહિતભાઈ થાનકી, દિવ્યરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application