રાજકોટ સહિત રાજ્યમાં ભાજપનું સંગઠન સંરચના પર્વ પૂર્ણ થયા બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી જતા નવા સંગઠન માળખાની નિયુક્તિમાં વિલંબ થયો છે પરંતુ હવે આજ અથવા કાલ સુધીમાં રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લા પ્રમુખનું નામ જાહેર કરી દેવાય તેવી પ્રબળ સંભાવના હોવાનું જાણવા મળે છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદ માટે કશ્યપ શુક્લ અને પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયા વચ્ચે મુખ્ય રેસ ચાલી રહી છે.
વિશેષમાં સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, પૂર્વ રાજકોટને પ્રમુખપદ અપાવવા એડી ચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લાના બન્ને પ્રમુખ બદલાય તેવી શકયતા વધી છે. અન્ય મહાનગરોની તુલનાએ રાજકોટમાં વધુ ખેંચતાણ છે. આમ છતાં કશ્યપ શુક્લ ફ્રન્ટ રનર છે અને પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયા માટે એક વર્તમાન ધારાસભ્ય અને એક પૂર્વ ધારાસભ્ય જોરદાર પ્રયાસો કરી રહ્યાની ચર્ચા છે. છેલ્લે લગભગ વીસેક વર્ષ પહેલાં પૂર્વ રાજકોટને પ્રમુખપદ અપાયું હતું ત્યારે રમેશભાઇ રૂપાપરા પ્રમુખ બન્યા હતા ત્યારબાદ પ્રમુખપદ હંમેશા પશ્ચિમ અથવા મધ્ય રાજકોટને જ મળતું રહ્યું છે તેવો મુદ્દો પણ પ્રદેશ સમક્ષ રજુ કરાયો છે.
મહાનગર અને જિલ્લા ભાજપ પ્રમુખ પદની નિયુક્તિ માટે પ્રદેશ દ્વારા જે ક્રાઇટેરિયા નિયત કરાયો હતો તે સાત મુદ્દાઓમાં (૧) વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ (૨) મહાનગર પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકર્તાએ મંડલ અધ્યક્ષ અથવા જીલ્લા/પ્રદેશ સ્તરે જીલ્લા/પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં કામ કરેલુ હોવુ ફરજીયાત (૩) મહાનગર પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે.(૪) પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે. (બ્લડ રીલેશન પરિવાર ગણવો માતા-પિતા, ભાઈ, પુત્ર-પત્ની)(૫) જે મહાનગર પ્રમુખ સતત બે ટર્મ /મહાનગર પ્રમુખ રહ્યા હોય તેઓને ફરીવાર રીપીટ કરવામાં આવશે નહીં.(૬) મહાનગર પ્રમુખ બનવા માટે ઇચ્છુક વ્યક્તિ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઇએ (આર્થિક અને ચારિત્ર્યની બાબતમાં કોઈ પોલીસ કેસ થયો હોય તેને લાગુ પડશે) (૭) પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહીં તેવા સાત મુદાનો સમાવિષ્ટ હતા. જો કે કાર્યકર્તાઓનો વિશાળ વર્ગ એવું માને છે કે ક્યાં કોને પસંદ કરવા છે તે આંતરિક રીતે નક્કી થયા બાદ જ ક્રાઇટેરિયા નક્કી કરાતો હોય છે જેથી જેની પ્રદેશ જેની નિયુક્તિ ઇચ્છે તે જ છેવટે પ્રમુખ બને છે તેવો એક સિલસિલો વર્ષોથી ચાલતો આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદ માટે ૩૩ દાવેદારોએ ફોર્મ ઉપાડ્યા હતા અને ૨૯એ દાવેદારી ફોર્મ રજૂ કર્યા હતા જેમાં પૂર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાય, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ સ્ટે.ચેરમેન કશ્યપ શુક્લ, કોર્પોરેટર દેવાંગભાઇ માંકડ, જિજ્ઞેશભાઇ જોષી, પરેશભાઇ ઠાકર, તેજસભાઇ ત્રિવેદી, શૈલેષભાઇ જાની,મુકેશભાઇ દોશી, દંડક મનિષભાઇ રાડિયા, પૂર્વ કોર્પોરેટર ધર્મેન્દ્ર મિરાણી, દિનેશભાઇ કારીયા, કિરણબેન માંકડીયાનીતિનભાઇ ભૂત, પૂર્વ ડે.મેયર અશ્વિનભાઇ મોલિયા, પૂર્વ કોર્પોરેટર જયંતિભાઇ સરધારા, કલ્પનાબેન કિયાડા,પૂર્વ મેયર પ્રદીપ ડવ, જે.ડી.ડાંગર, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, લાલાભાઇ મીર, પૂર્વ શાસક નેતા દલસુખ જાગાણી, દિવ્યરાજસિંહ ગોહિલ, સિધ્ધરાજસિંહ જાડેજા, માવજીભાઇ ડોડીયા, ગંભીરસિંહ પરમાર, એડવોકેટ કમલેશભાઇ ડોડીયા.પૂર્વ કોર્પોરેટર અનિલભાઇ મકવાણા સહિતના નામોનો સમાવેશ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech