રાજકોટ સહિત ગુજરાતભરમાં RTO ટેક્નિકલ ઓફિસરોની હડતાળ સમેટાઇ, 12 વાગ્યા પછીની એપોઈન્ટમેન્ટ ધરાવતા અરજદારોની કામગીરી થશે

  • February 11, 2025 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના તમામ RTOનાં મોટર વ્હિકલ્સ ડિપાર્ટમેન્ટનાં ટેકનિકલ ઓફિસર એસોસિયેશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતાં છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા સરકાર તરફથી બાંયેધરી અપાતા ઓફિસરો કામ પર પરત ફર્યા છે. આજે બપોરે 12 વાગ્યા બાદ જે અરજદારોએ એપોઈન્ટમેન્ટ લીધેલી હશે તેઓની કામગીરી રાબેતા મુજબ થશે.


ટેક્નિકલ ઓફિસર સોમવારે 'નો લોગિન ડે' અભિયાન સાથે કામગીરીથી અળગા રહેતા એપોઈન્ટમેન્ટ લઈને આવેલા અરજદારો પરેશાન થયા હતા. આજે પણ તમામ ઓફિસરોએ માસ સીએલ પર જવાની ચીમકી આપી હતી. જો કે, ત્યારબાદ સરકારે પ્રશ્નોનો ઉકેલ લાવવા બાંયેધરી અપાતા તમામ ઓફિસર કામ પર પરત ફર્યા છે.


રાજકોટમાં દોઢ દિવસમાં 1000 અરજદારો પરેશાન થયા
રાજકોટના 25 સહિત રાજ્યભરના RTO ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર દ્વારા પડતર માંગણીઓને લઈને આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે હવે સરકાર તરફથી હકારાત્મક વલણ દાખવવામાં આવતા હડતાલ સમેટી દેવામાં આવી છે. જોકે દોઢ દિવસમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક અને લાયસન્સ સહિતની સેવાઓ બંધ રહેતા 1,000 થી વધુ અરજદારોને આરટીઓ કચેરી ખાતે ધરમ ધક્કો થયો હતો. 


અરજદારોની મુશ્કેલી દૂર થઈ 
કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી સરકારના વિરોધ સાથે કામ ચાલુ રાખ્યું હતુ. ગઈકાલે ટેક્નિકલ અધિકારીઓએ નો લોગીન ડે  અભિયાન અંતર્ગત પોતાની કામગીરી બંધ કરી દીધી હતી. જેને કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પણ બંધ થઈ ગયો હતો અને આજે માસ CLને કારણે કામગીરી બંધ રાખવામાં આવી હતી. જો કે હવે હડતાળ સમેટાઇ જતા ટેકનિકલ અધિકારીઓએ કામગીરી શરૂ કરી દેતા અરજદારોની મુશ્કેલી દૂર થઈ છે.


સુરતમાં દોઢ દિવસમાં 1200 અરજદારોને ધરમનો ધક્કો
સુરત આરટીઓ દોઢ દિવસ જેટલો સમય માટે કામગીરી બંધ રહેતા 1,200 થી વધુ અરજદારોને ધક્કો ખાવાનો વારો આવ્યો હતો. ટેસ્ટિંગ ટ્રેકમાં રોજની 500 જેટલી એપોઇન્ટમેન્ટ આપવામાં આવતી હોય છે. જેના પગલે દોઢ દિવસમાં 700 થી વધુ અરજદારો એ એપોઇન્ટમેન્ટ લીધી હોવા છતાં પણ ધક્કો ખાવાનો વારો આવ્યો હતો. આ સાથે જ અન્ય વાહન રજીસ્ટ્રેશન સહિતની અલગ અલગ કામગીરી માટે આવતા અરજદારોએ પણ ધક્કો ખાવાનો વારો આવ્યો હતો. 


આજે બપોર બાદ એપોઇન્ટમેન્ટ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું
આજે બપોર બાદ એપોઇન્ટમેન્ટ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેના પગલે અરજદારોએ રાહત અનુભવી છે. જોકે આરટીઓ ઇન્સ્પેક્ટર ની માગણીને લઈને કરવામાં આવેલી આ હડતાળમાં અરજદારોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આરટીઓ ઇન્સ્પેક્ટર ઓ દ્વારા વિરોધ અંગે પહેલા જ જાણ કરવામાં આવ્યું હોવા છતાં પણ સરકાર દ્વારા આ મામલે પહેલાથી જ કોઈ નિર્ણય ન લેવામાં આવ્યો ન હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application