આજે નાગનાથ ગેઇટ પાસેના સોનાપુરી સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે મૃતદેહની જયારે કતાર લાગી ત્યારે ખરેખર વ્યકિતઓની આંખોમાં ઝરઝરીયા આવી ગયા, કારણ કે જીંદગી આખી કતારમાં પસાર કર્યા બાદ અંતિમ વિધી માટે પણ મૃતદેહને કતારમાં રહેવું પડયું એટલે કે સો ટકા એ તમામ મૃતકોની આત્મા દુ:ખી થઇ હશે અને આ કતાર કયારે પુરી થશે ? એવો સવાલ કરતી હશે, જરૂરી છે કે, જામનગરમાં વધુ એક સ્મશાન તાત્કાલીક બનાવવામાં આવે અને ખાસ કરીને લાલપુર બાયપાસ ચોકડી નજીક જે સ્મશાન બનવાનું હતું તેની અટકેલી યોજના આગળ વધવી જોઇએ.
ધોરીવાવથી મૃતદેહ લઇને અંતિમ સંસ્કાર માટે કતારમાં ઉભેલા સ્વજનોએ આજકાલને ફોન કરીને એવી ફરિયાદ કરી હતી કે, અહીં સોનાપુરી સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે શબની કતારો લાગી છે, અમે આટલા દુરથી આવ્યા છીએ, શું કામ સતાધીશો ત્રીજુ સ્મશાન બનાવતા નથી ? લાલપુર બાયપાસ પાસે સ્મશાન બનાવાની આડે કયો ગ્રહ નડે છે ? અને શું કામ એ યોજના અટકી ગઇ છે ? એવા સવાલો પણ ભગ્ન હદયે આ સ્વજનોએ ઉઠાવ્યા હતાં.

આજે બપોરે ૧૨ વાગ્યા પછી સોનાપુરી સ્મશાનમાં એક પછી એક મૃતદેહ આવવા લાગ્યા હતાં, અમારા તસવીરકાર મીતેષ દાઉદીયા ૧૨:૩૫ કલાકે સ્મશાને પહોંચ્યા ત્યાં સુધી ૧૩ શબ ત્યાં હતાં, ૩ની અંતિમ ક્રિયા લાકડામાં ચાલતી હતી, ૨ની અંતિમ ક્રિયા ઇલે.સ્મશાનમાં થતી હતી અને બાકીના કતારમાં ઉભા હતાં. આજકાલને ફરીયાદ કરનાર વ્યકિતએ તો એમ કહ્યું હતું કે, ૧૫ શબ કતારમાં ઉભા છે.
જયારે-જયારે પણ કોઇ મહામારી આવે ત્યારે પણ જામનગરના સ્મશાનની સ્થિતિ કફોડી બનતી હોય છે, કોરોના કાળમાં એકી સાથે કતારબઘ્ધ અંતિમ સંસ્કારના ગોઝારા દ્રશ્યો આપણે અત્યારે ભલે યાદ કરતા ન હોય પણ ભુલ્યા કોઇ નથી, એ વખતે પણ સ્મશાનની ખોટ દેખાતી હતી.

આજે જયારે એકીસાથે આટલા મૃતદેહ આવી ગયા ત્યારે વધુ એક વખત એ વાતનો અહેસાસ થયો કે, વધતા જતાં શહેરીકરણ અને વસ્તીને ઘ્યાનમાં રાખીને જામનગરને વધુ એક સ્મશાનની તાત્કાલીક જરૂરીયાત છે, ગાંધીનગર વિસ્તારમાં જે સ્મશાન છે તેનું વિસ્તૃતીકરણ થવું જોઇએ અને વધુ અંતિમ સંસ્કાર એકી સાથે થઇ શકે એવી વ્યવસ્થા થવી જોઇએ.
આ ઉપરાંત આજે કતારમાં ઉભેલા મૃતકોના સ્વજનો તરફથી પ્રશ્ર્નો ઉઠાવવામાં આવ્યા કે, લાલપુર બાયપાસ ચોકડી પાસે ત્રીજા સ્મશાનની જે યોજના વાજતે-ગાજતે જાહેર કરવામાં આવી હતી તે શું કામ અટકી ગઇ છે ? અને કયાં કારણે સ્મશાન બનતું નથી ? તે બાબત સતાધીશોએ લોકો સમક્ષ જાહેર કરવી જોઇએ અને કોઇપણ વિલંબ વગર આ યોજના આગળ વધે લોકોને ત્રીજુ સ્મશાન મળે એ માટે કાર્યવાહી થવી જોઇએ, માની લઇએ કે લાલપુર બાયપાસ ચોકડી પાસે જો કોઇ પ્રકારના ગ્રહ નડતા હોય તો અન્ય કોઇ સ્થળે પણ સ્મશાન બનાવી શકાય છે, મુદે વાત એ છે કે, ત્રીજા સ્મશાનની જરૂરીયાત છે.