મિલકત વેરા વળતર યોજના:૧,૮૬,૪૫૯ કરદાતાઓએ ૧૧૭ કરોડ ભરપાઇ કર્યા

  • May 10, 2025 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચના રિકવરી સેલનો સમગ્ર સ્ટાફ જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીની ત્રણ મહિનાની રિકવરી ડ્રાઇવમાં જેટલો મિલકત વેરો વસુલ કરે તેનાથી વધુ રકમનો મિલકત વેરો તો રાજકોટ શહેરના કરદાતાઓએ વેરા વળતર યોજના હેઠળ એડવાન્સમાં ચુકવીને મ્યુનિ.તિજોરી છલકાવી છે. ગત એપ્રિલ માસથી શરૂ થયેલી મિલકત વેરા વળતર યોજનામાં આજે તા.૧૦ મે સુધીમાં કુલ ૧૧૭ કરોડની વેરાવસુલાત થઇ છે અને ૧,૮૬,૪૫૯ કરદાતાઓએ મિલકત વેરો ભરપાઇ કર્યો છે.

વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે એક મહિનામાં કુલ ૧,૮૬,૪૫૯ કરદાતાઓએ ૧૧૭ કરોડનો મિલ્કતવેરો ચૂકવ્યો છે જેમાં સૌથી વધુ ૮૦.૦૯ કરોડની આવક ઓનલાઇન થઇ છે, ૧૨.૯૮ કરોડની આવક ચેકથી થઇ છે અને ૨૩.૮૬ કરોડની આવક રોકડેથી થઇ છે. યોજના અંતર્ગત ગત વર્ષની તુલનાએ આ વર્ષે એપ્રિલ માસમાં કરદાતાઓની સંખ્યામાં ૧૦,૧૩૭નો વધારો અને વેરા આવકમાં ૭ કરોડનો વધારો થયો છે.

ગત નાણાંકીય વર્ષ-૨૦૨૪માં એપ્રિલથી મે સુધીના એક મહિનાના સમયગાળામાં કુલ ૧,૭૬,૩૨૨ કરદાતાઓએ કુલ રૂ.૧૧૦ કરોડની મિલ્કતવેરા આવક થઇ હતી જેમાં ૭૩.૪૨ કરોડની આવક ઓનલાઇન, ૧૩.૮૪ કરોડની આવક ચેકથી અને ૨૩.૫૦ કરોડની આવક રોકડથી થઇ હતી.


૩૧ મે સુધી દસ ટકા વળતર, જુનથી પાંચ ટકા

રાજકોટ મહાપાલિકાની મિલ્કત વેરા વળતર યોજના હેઠળ હજુ આગામી તા.૩૧ મે સુધીમાં એડવાન્સ વેરો ભરનારને ૧૦ ટકા વળતર અપાશે ત્યારબાદ જુનથી પાંચ ટકા વળતર અપાશે. અત્રે ઉલ્લેખનીય મહિલા મિલકત ધારકોને વિશેષ પાંચ ટકા, ઓનલાઇન વેરો ભરનારને વિશેષ એક ટકા તેમજ સતત સળંગ ત્રણ વર્ષથી ઓનલાઇન વેરો ભરતા હોય તેમને લોંયલ્ટી બોનસ પેટે વિશેષ એક ટકા વળતર આપવામાં આવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application