બાંધકામનું કમ્પ્લીશન નગરપાલિકા આપે તે માટે કાર્યવાહી

  • November 23, 2023 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા શહેરના અનેક આસામીઓને થશે રાહત: ખાસ સામાન્ય સભામાં આ અંગે સભ્યો ચર્ચા-વિચારણા કરશે: ખંભાળિયામાં અનેક તર્ક-વિતર્ક

ખંભાળિયા શહેરમાં છેલ્લા આશરે એક દાયકાથી વધુ સમય થયા "ખંભાળિયા વિસ્તાર વિકાસ સત્તા મંડળ" (ખાડા) અમલમાં આવ્યું છે. ત્યારથી અહીં બાંધકામની પરવાનગી તથા સર્ટિફિકેટ આપવાની સત્તા ખંભાળિયા નગરપાલિકા પાસેથી લઈને "ખાડા"ને આપી દેવામાં આવી છે. આ પરિસ્થિતિમાં મોટી સંખ્યામાં અનેક આસામીઓ કે જે નગરપાલિકા પાસેથી બાંધકામની મંજૂરી તેમજ કંપની સર્ટિફિકેટ મેળવતા હોય તેઓને કમ્પ્લીશન સર્ટિફિકેટના અભાવે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

ખંભાળિયામાં વિવિધ મિલકતો ધરાવતા આસામીઓને લોન લેવા, વેચાણ કરવા તેમજ અન્ય બાબતે કમ્પ્લીશન સર્ટિફિકેટના અભાવે ભારે હાલાકી થતી હોવાથી આ અંગે ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ દતાણી, વિગેરેએ સાંસદ પૂનમબેન માડમ તેમજ અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સાથે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીને રજૂઆતો કરી હતી.

આના અનુસંધાને તાજેતરમાં જિલ્લા કલેકટર અશોક શર્મા સાથે અગ્રણી મયુરભાઈ ગઢવી, દિનેશભાઈ દતાણી, યોગેશભાઈ મોટાણી, અનિલભાઈ તન્ના ઉપરાંત નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ, ઈજનેર એન.આર. નંદાણીયાની ખાસ બેઠક યોજવામાં આવી હતી. પાલિકા દ્વારા બાંધકામની મંજૂરી આપેલી હોય અને "ખાડા" દ્વારા જો કમ્પ્લીશન સર્ટિફિકેટ ન અપાયું હોય તેવા આસામીઓ માટે ખાસ રસ્તો કાઢીને નગરપાલિકા કમ્પ્લીશન સર્ટિફિકેટ આપે તેવી મંજૂરી સાથેનો ખાસ ઠરાવ જનરલ બોર્ડમાં કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આના અનુસંધાને શુક્રવાર તારીખ ૨૪ ના રોજ સવારે ૧૧ વાગ્યે નગરપાલિકા કચેરીના સભાખંડ ખાતે ઉપરોક્ત મુદ્દે ખાસ સામાન્ય સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે "ખાડા" અને પાલિકા કચેરીના આ વહીવટ વચ્ચે સંકલનના અભાવે અનેક આસામીઓ હાલાકીમાં મુકાઈ રહ્યા હોવાનો મુદ્દો ગંભીરતાપૂર્વક સામે આવ્યો હતો. જેનું નિરાકરણ હવે આગામી ટૂંક સમયમાં આવી જશે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application