પહેલગામમાં 22મીએ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તણાવનું વાતાવરણ છે. પીએમ મોદીએ ત્રણેય સેનાના વડાઓ સાથે બેઠક યોજી હતી, અને તેમાં સેનાને લડી જ લેવા છૂટો દોર આપવામાં આવ્યો છે જેની સીધી અસર પાકિસ્તાનમાં જોવા મળી હતી. વડા પ્રધાન મોદીએ એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે આપણા સશસ્ત્ર દળો આતંકવાદીઓને જડમૂળથી ખતમ કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. ત્યારે પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારએ એક નિવેદન જારી કરીને દાવો કર્યો છે કે અમારી પાસે વિશ્વસનીય ગુપ્ત માહિતી છે કે ભારત આગામી 24-36 કલાકમાં પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરી શકે છે.આથી પાક ફફડ્યું છે અને શસ્ત્રો સજાવવાનું શરુ કરી દીધું છે . તરારે ભારત પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે કોઈપણ નિષ્પક્ષ તપાસને બદલે, ભારતે સીધો લશ્કરી માર્ગ અપનાવવાની તૈયારી કરી છે, જે પ્રાદેશિક શાંતિ માટે ઘાતક સાબિત થઈ શકે છે. તરારના મતે, પાકિસ્તાન સરકારે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની મદદથી આ મામલામાં નિષ્પક્ષ, સ્વતંત્ર તપાસની ઓફર કરી છે. જોકે, ભારતે આ સ્વીકાર્યું નથી અને સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફે પણ જણાવ્યું હતું કે અમે હાઇ એલર્ટ પર છીએ અને જો ભારત હુમલો કરશે તો અમે જવાબ આપીશું. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ફક્ત ત્યારે જ કરવામાં આવશે જ્યારે દેશના અસ્તિત્વ માટે સીધો ખતરો હશે.
કેન્દ્રીય મંત્રીમંડળની આજે મહત્વની બેઠક
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી કેન્દ્રીય કેબિનેટની પહેલી બેઠક આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનાર છે. આ સાથે, આજે સુરક્ષા બાબતો સમિતિ સીસીએસ એટલે કે સુરક્ષા પરની કેબિનેટ સમિતિની બેઠક પણ યોજાશે. 23 એપ્રિલે ફક્ત સુરક્ષા પરની કેબિનેટ સમિતિ ની બેઠક મળી હતી જેમાં પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરવામાં આવી હતી. ગયા બુધવારે સીસીએસની બેઠક બાદ, ભારતે પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો ઘટાડવા સહિત અનેક પગલાંની જાહેરાત કરી હતી.
એવો જવાબ આપીશું કે તેમણે કલ્પના પણ નહી કરી હોય: મોદી
પ્રધાનમંત્રી મોદીએ બેઠકમાં કહ્યું કે આતંકવાદ પર મજબૂત હુમલો એ આપણો રાષ્ટ્રીય સંકલ્પ છે. ભારતીય સશસ્ત્ર દળોની વ્યાવસાયિક ક્ષમતામાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે તેમની પાસે "આપણી પ્રતિક્રિયાની પદ્ધતિ, ઉદ્દેશ્યો અને સમય નક્કી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. પીએમ મોદીએ પહેલેથી જ કહ્યું છે કે આતંકવાદીઓ અને તેમના સમર્થકોને એવા પરિણામોનો સામનો કરવો પડશે જેની તેમણે કલ્પના પણ નહીં કરી હોય.
સેના હાઈ એલર્ટ
પહેલગામ હુમલા પછી, સશસ્ત્ર દળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના ચોક્કસ એકમોને ઓપરેશનલ રેડીનેસ મોડમાં મૂકવામાં આવ્યા છે. ડ્રોન, સેટેલાઇટ છબીઓ અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરસેપ્ટ્સ દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી લોન્ચપેડ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
યુએનએ ન્યાય અને જવાબદારીના મહત્વ પર ભાર મૂક્યો
યુએન સેક્રેટરી-જનરલ ગુટેરેસે પહેલગામ હુમલાની કડક નિંદા કરી અને આ કેસમાં ન્યાય અને જવાબદારીના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે શાહબાઝ શરીફ અને જયશંકર સાથે ફોન પર આ મુદ્દા પર ચર્ચા કરી અને કાયદાકીય માધ્યમથી આ હુમલાઓ માટે જવાબદારી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો.ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે જણાવ્યું હતું કે મહાસચિવે ભારતના વિદેશ મંત્રી જયશંકર અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે અલગ-અલગ ફોન પર વાત કરી હતી. મહાસચિવે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી.ગુટેરેસે કહ્યું કે કોઈપણ પ્રકારની મુકાબલાની પરિસ્થિતિ ટાળવી મહત્વપૂર્ણ છે કારણ કે તેના ગંભીર પરિણામો આવી શકે છે. તેમણે વર્તમાન તણાવ ઘટાડવાના કોઈપણ પ્રયાસમાં મદદ કરવાની તૈયારી દર્શાવી.આ વાતચીત પછી વિદેશ મંત્રી જયશંકરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે ભારત પ્રતિબદ્ધ છે કે આ હુમલાના કાવતરાખોરો, સમર્થકો અને ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.જયારે શાહબાઝ શરીફે પહેલગામ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના આરોપોને ફગાવી દીધા. આ સાથે, શરીફે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવો અનુસાર જમ્મુ અને કાશ્મીર વિવાદના ઉકેલમાં ભૂમિકા ભજવવા માટે યુએનને વિનંતી કરી.
યુકે સરકારને ભારતને સમર્થન આપવા બ્રિટિશ કન્ઝર્વેટિવ સાંસદની હાકલ
બ્રિટિશ કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેને સરહદ પાર આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન આપવા યુકે સરકારને હાકલ કરી છે. યુકે સંસદમાં અને બાદમાં લંડનમાં ઈન્ડિયા હાઉસ ખાતે એક સ્મારકમાં બોલતા, બ્લેકમેને હુમલાને "સુવ્યવસ્થિત અને સંકલિત" ગણાવ્યો અને ચેતવણી આપી કે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણા કાર્યરત છે.આ આતંકવાદીઓ સારી રીતે સજ્જ હતા,. દુઃખદ વાસ્તવિકતા એ છે કે સરકાર ભારતના લોકો માટે સંવેદના અને સમર્થન વ્યક્ત કરી શકે છે, પરંતુ હકીકત એ છે કે પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજા હેઠળના કાશ્મીરના ગેરકાયદેસર ભાગમાં નિયંત્રણ રેખા પર અસ્તિત્વ ધરાવતા આતંકવાદી અડ્ડાઓ હજુ પણ તે નિયંત્રણ રેખા પાર કાર્યરત છે. સરકારે હવે જવાબદાર આતંકવાદીઓને પકડવામાં અને તે આતંકવાદીઓના સમર્થકોને પણ ન્યાયના કઠેડામાં લાવવામાં ભારતને સંપૂર્ણ સમર્થન આપવા માટે પ્રતિબદ્ધતા બ્તાવવી જોઈએ.બ્લેકમેને ઉમેર્યું, "મારી અપેક્ષા છે કે યુનાઇટેડ કિંગડમના તમામ રાજકીય પક્ષો ભારત સરકાર સાથે જોડાઈને ભારત જે પણ પગલાં લેવાનું પસંદ કરે છે, જેમાં લશ્કરી કાર્યવાહીનો પણ સમાવેશ થાય છે, જેથી નિયંત્રણ રેખાની વિરુદ્ધ બાજુએ અસ્તિત્વમાં રહેલા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરી શકાય.યુકેમાં ભારતના હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ આ હુમલાને જમ્મુ અને કાશ્મીરમાં સામાન્ય જીવનને ખલેલ પહોંચાડવાના હેતુથી ઇરાદાપૂર્વકનું કૃત્ય ગણાવીને વખોડી કાઢ્યો હતો.
પાકિસ્તાનમાં વાયુસેના એલર્ટ , સરહદ પર સંરક્ષણ સાધનોનો ખડકલો
પાકિસ્તાનને ડર છે કે ભારત પહેલગામ હુમલાના જવાબમાં મોટી લશ્કરી કાર્યવાહીની યોજના બનાવી રહ્યું છે.આથી ભારત તરફથી સંભવિત હુમલાના ડરથી પાકિસ્તાને પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાકિસ્તાન વાયુસેનાને સતત એલર્ટ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું છે કે તેમનો દેશ ભારતના કોઈપણ હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છે. એવા અહેવાલો છે કે પાકિસ્તાને સરહદ નજીકના આગળના સ્થળોએ મુખ્ય હવાઈ સંરક્ષણ સંપત્તિ અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ સૈનિકો તૈનાત કર્યા છે. પાકિસ્તાન સતત હવાઈ તૈયારી કવાયત કરી રહ્યું છે.સિયાલકોટ સેક્ટરમાં ભારતીય હવાઈ ગતિવિધિઓ શોધી કાઢવા માટે પાકિસ્તાને તેની રડાર સિસ્ટમ મજબૂત બનાવી છે. લાહોર નજીક પણ આવી જ પ્રવૃત્તિ જોવા મળી હતી.
પાકે પંજાબ અને કેપીથી સૈનિકો મોકલ્યા
પાકિસ્તાનના અન્ય વિસ્તારોમાં જેમ કે પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર માં વધારાના સૈનિકો મોકલવામાં આવી રહ્યા છે. ભારત સાથેની નિયંત્રણ રેખા પર તૈનાત પાકિસ્તાની સેનાને બેકઅપ સપોર્ટ પૂરો પાડવા માટે નવા સૈનિકો તૈનાત કરવામાં આવી રહ્યા છે. ફિરોઝપુર સેક્ટરમાં સક્રિય મોરચા પર ઇલેક્ટ્રોનિક યુદ્ધ સાધનો પણ મોકલવામાં આવ્યા છે. આ પ્રવૃત્તિઓ સૂચવે છે કે પાકિસ્તાન મુખ્ય આતંકવાદી જૂથોના મુખ્યાલય અથવા ઠેકાણાઓ પર લાંબા અંતરના હુમલા કરવાની તૈયારી કરી રહ્યું છે.
બાગ, ટોલી પીર અને રાવલકોટ વિસ્તારોમાં પાકિસ્તાની આર્ટિલરી સિસ્ટમ અને લાંબા અંતરના રોકેટની તૈનાતી પણ જોવા મળી છે. પાકિસ્તાને પીઓકેમાં ૧૦૦ કિલોમીટરથી વધુની રેન્જ ધરાવતા ચીની મૂળના એ-૧૦૦ મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર્સ તૈનાત કર્યા છે. છમ્બ સેક્ટરમાં, અલ ખાલિદ મુખ્ય યુદ્ધ ટેન્ક ઉપરાંત, કેઆરએલ -122 એમબીઆરએલ ની જમાવટ જોવા મળી છે, જેની અંદાજિત રેન્જ લગભગ 40 કિલોમીટર છે.રાવલપિંડીમાં નૂર ખાન બેઝને તાજેતરમાં એફ-16સી ફાઇટર જેટ અને અન્ય સંપત્તિઓથી મજબૂત બનાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમંગળવારે ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ ૨૬,૬૦૦ મેગાવોટની વીજ માગ: ગરમીના કારણે ડિમાન્ડ વધી
April 30, 2025 12:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech