ગુજરાત ફરી એકવાર વૈશ્વિક ટેકનોલોજીના નકશા પર ચમકવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૮મી તારીખે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ સાણંદ ખાતે સ્થિત અમેરિકન કંપની માઇક્રોન ટેકનોલોજી'ના અત્યાધુનિક સેમીકન્ડક્ટર પ્લાન્ટનું વિધિવત ઉદઘાટન કરશે.
વડાપ્રધાનનો આ પ્રવાસ 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે. સાણંદનો આ પ્લાન્ટ ભારતનો પ્રથમ કાર્યરત સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ યુનિટ હશે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ૨.૭૫ અબજ ડોલર (રૂ. ૨૨,૫૦૦ કરોડથી વધુ) નું રોકાણ કરવામાં આવ્યું છે.
આ પ્લાન્ટના પ્રારંભથી સ્થાનિક સ્તરે હજારો કુશળ યુવાનોને રોજગારી પ્રાપ્ત થશે. ઉપરાંત, સેમીકન્ડક્ટર ક્ષેત્રે ભારતની વિદેશો પરની નિર્ભરતા ઘટશે અને સ્માર્ટફોન, લેપટોપ તથા ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં ભારત સ્વનિર્ભર બનવા તરફ આગળ વધશે.
મુખ્યમંત્રી અને રાજ્ય પ્રશાસન દ્વારા વડાપ્રધાનના આગમનને પગલે સાણંદ જીઆઈડીસી ખાતે સુરક્ષા અને કાર્યક્રમની ભવ્ય તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉદઘાટન બાદ વડાપ્રધાન એક જંગી સભાને સંબોધિત કરે તેવી પણ શક્યતા છે, જેમાં તેઓ દેશના ટેક-ફ્યુચર અંગે મહત્વની જાહેરાતો કરી શકે છે.
અહીં નોંધવું જરૂરી છે કે ભારત સરકારના સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર થયેલો આ પ્રથમ પ્રોજેક્ટ છે, જેને જૂન 2023માં મંજૂરી મળી હતી. રૂ. 22,516 કરોડના રોકાણ સાથે માઈક્રોન બે તબક્કામાં મેમરી ચીપ્સનું ઉત્પાદન કરશે. આ ભારતમાં મેમરી ચીપ્સ માટેનો પહેલો પ્લાન્ટ છે, જેમાં રેન્ડમ એક્સેસ મેમરી (RAM) અને નોટ-એન્ડ (NAND) મેમરી ચીપ્સ બનશે.