ખંભાળિયામાં વ્યાજંકવાદીઓના ત્રાસથી પ્રૌઢનો આપઘાત

  • September 01, 2023 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સહિત પાંચ સામે ગુનો : તોતિંગ વ્યાજ વસૂલી, ધમકીઓ અપાતા ભરવાડ પ્રૌઢે મોત મીઠું કર્યું

ખંભાળિયાના ગોવિંદ તળાવ વિસ્તારમાં રહેતા અને પશુપાલન કરી અને ગુજરાન ચલાવતા એક ભરવાડ આધેડે થોડા દિવસ પૂર્વે બેફામ વ્યાજ વસૂલ કરતા મહિલા સહિતના શખ્સોના ત્રાસથી ઝેરી ટીકડા ખાઈને આપઘાત કરી લેતા આ સમગ્ર પ્રકરણ અંગે મૃતકના પત્નીએ કુલ પાંચ શખ્સો સામે પોતાના પતિને મરી જવા માટે મજબૂર કરવા સહિતની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના ધરારનગર વિસ્તારમાં આવેલા ગોવિંદ તળાવ પાસે આશાપુરા ચોક ખાતે રહેતા અને ગાય, ભેંસ જેવા પશુઓ ચરાવી અને ગુજરાન ચલાવતા લાલાભાઈ પબાભાઈ ગમારા નામના ભરવાડના ત્રણ સંતાનો પૈકી પુત્ર તથા પુત્રીના લગ્ન માટે તેમને આર્થિક જરૂરિયાત ઊભી થતા તેમણે તેઓના પાડોશમાં રહેતા દેવા જેઠા કારીયા નામના શખ્સ પાસેથી થોડા સમય પૂર્વે ત્રણ ટકાના માસિક વ્યાજથી રૂપિયા અઢી લાખ લીધા હતા. થોડા સમય પછી દેવા કારીયાએ વધુ વ્યાજ આપવાનું કહેતા લાલભાઈ ભરવાડે વધુ વ્યાજ આપવાની ના કહી હતી. પરંતુ થોડા દિવસ પૂર્વે દેવા કારીયાએ તેમના ઘરે આવીને કહેલ કે તમારા વ્યાજ સહિત રૂપિયા દસ લાખ થાય છે. તે આપો નહીંતર તમારું મકાન મને ખાલી કરી આપો. જેથી લાલાભાઈએ કહેલ કે મારી પાસે રૂપિયા દસ લાખ નથી અને આટલી રકમ મારે આપવાની થતી નથી- જેનાથી ઉશ્કેરાયેલા દેવા કારીયાએ બિભત્સ ગાળો કાઢી, ધમકી આપી હતી. આ પછી થોડા સમય બાદ દેવા કારીયાએ રૂપિયા સાત લાખની ઉઘરાણી કરી, ત્રાસ ગુજાર્યો હતો.
આ ઉપરાંત લાલાભાઈ દ્વારા ચારેક વર્ષ પૂર્વે અહીંના દક્ષાબેન મુરૂભાઈ બાટી નામના મહિલા પાસેથી ચાર ટકાના વ્યાજ દરથી રૂપિયા દોઢ લાખ લીધાના ચાર મહિનામાં દક્ષાબેને વ્યાજનો દર વધારી અને માસિક ૧૦ ટકાના દરે પૈસા ચૂકવવા માટે લાલાભાઈ દ્વારા દક્ષાબેનના જમાઈ અજય ધારાણી પાસેથી ૧૦ ટકાના દર થી ૬૦ હજાર તથા ૫ ટકાના દરથી દેવુ ખીમા ભોજાણી (રહે. શ્રીનાથજી સ્કૂલની બાજુમાં, ગાયત્રીનગર) પાસેથી રૂપિયા બે લાખ લીધા હતા.
ત્યાર બાદ આ વ્યાજની રકમ નિયમિત રીતે ન ચૂકવી શકતા લાલાભાઈને આરોપી અજયે ગર્ભિત ધમકી આપી દક્ષાબેને તેમના ઘરે આવીને મારા વ્યાજના રૂપિયા આપી દો, નહીંતર તમારા ટાંગા ભાંગી નાખીશું- તેમ કહી, દેવુ ભોજાણી તથા તેના દીકરા સતીશે તેઓની રૂપિયા ૬૫,૦૦૦ ની કિંમતની એક ભેંસ લઈ જઈ અને હવે રૂપિયા નહીં આપો તો તમારા આખા ઘરને પતાવી દઈશું તેમ કહ્યું હતું. આ વચ્ચે દેવા કારીયાએ કહેલ કે મરી જા પણ મારા રૂપિયા જોઈએ તેમ કહી, લાલાભાઈને માર મારી, બિભત્સ ગાળો આપી, ધાકધમકી આપી હતી.
આ શખ્સોના ડર તથા ત્રાસથી કંટાળીને ગુમસુમ રહેતા લાલાભાઈ ગમારાએ ગત તારીખ ૨૬ ઓગસ્ટના રોજ ઝેરી ટીકડા ખાઈને ઘરે આવી, તેમના મોટા દીકરાની વહુ રમીલાબેનને કહેલ કે મેં મારું કામ કરી લીધું છે મેં ઝેરી ટીકડા ખાધા છે. આ કર્જાવાળા માણસો હવે મને જીવવા દે તેમ નથી. તેમ કહી, મૂર્છિત અવસ્થામાં તેમને હોસ્પિટલમાં લઈ જતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
આ અંગે મૃતકના પત્ની કાનીબેન લાલાભાઈ ગમારા (ઉ.વ. ૫૫) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે દેવા જેઠા કારીયા, દક્ષા મુરૂ બાટી, ગગજી ઉર્ફે અજય ડાડુ ધારાણી, દેવુ ખીમા ભોજાણી અને સતીશ દેવુ ભોજાણી નામના પાંચ શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૩૦૬, ૩૮૬, ૫૦૪, ૫૦૬ ૨) તથા મની લેન્ડર્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આ પ્રકરણમાં દેવા જેઠા કારીયા, ગગજી ઉર્ફે અજય ડાડુ ધારાણી, દેવુ ખીમા ભોજાણી અને સતીશ દેવુ ભોજાણી નામના ચાર શખ્સોની અટકાયત કરી લેવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. ડી.જી. પરમાર ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application