ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ માસના અંતથી રેગ્યુલર પરીક્ષાઓ શરૂ થવાની છે. પરંતુ આજથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પ્રેક્ટીકલ પરીક્ષા શરૂ થઈ ગઈ છે.
બોર્ડના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ દરેક પરીક્ષા કેન્દ્રમાં બે સુપરવાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક ટીમ ઉપરાંત બહારના સુપરવાઇઝરો પણ રાખવામાં આવ્યા છે. જે દરેક પરીક્ષાર્થીઓના પ્રેકટીકલમાં પૂરેપૂરું ધ્યાન આપી કોઈ પ્રકારની ગરબડ ચલાવી લેશે નહીં. પ્રેક્ટીકલ પરીક્ષાઓ આજથી શરૂ થઈ છે અને આગામી તારીખ 16 સુધી તે ચાલવાની છે.
થોડા દિવસ અગાઉ જ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ અપાઈ ગઈ છે અને પ્રેક્ટીકલ પરીક્ષાના જે તે વિદ્યાર્થીઓના માર્ક જેમ જેમ પરીક્ષા લેવાતી જાય તેમ તેમ ઓનલાઈન દરરોજ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ દ્વારા બોર્ડને મોકલવાના રહેશે પ્રેક્ટીકલ પરીક્ષા પૂરી થયા પછી દસ દિવસમાં બોર્ડની રેગ્યુલર એક્ઝામ શરૂ થઈ જશે.
રાજકોટ શહેર અને જિલ્લામાં પણ પ્રેક્ટીકલ પરીક્ષા સંદર્ભે પૂરતી વ્યવસ્થા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા કરવામાં આવી છે. અલગ અલગ 22 કેન્દ્રમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 19,032 વિદ્યાર્થીઓ પ્રેક્ટીકલ પરીક્ષા માટે નોંધાયા છે. રાજકોટ શહેરમાં 14 ધોરાજીમાં ચાર ગોંડલમાં બે જસદણ અને જેતપુરમાં એક એક પરીક્ષા કેન્દ્રો પ્રેક્ટીકલ એક્ઝામ માટે આપવામાં આવ્યા છે. જ્યાં લેબોરેટરીની પૂરતી વ્યવસ્થા હોય ત્યાં જ પરીક્ષા કેન્દ્રો આપવામાં આવ્યા છે. સવાર અને બપોરના અલગ અલગ બે સત્રમાં રાજકોટ જિલ્લાની 14 શાળાઓમાં આજથી પરીક્ષાનો પ્રારંભ થયો છે.
દરમિયાનમાં બોર્ડે તમામ આચાર્યોને એક પરિપત્ર મોકલીને જણાવ્યું છે કે ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમાના વિદ્યાર્થીઓના આંતરિક મૂલ્યાંકનના ગુણ અને શાળા કક્ષાના વિષયની પરીક્ષાના ગુણ બોર્ડની વેબસાઈટ પરથી શાળા દ્વારા ઓનલાઈન આગામી તારીખ 21 સુધી ભરી શકાશે. આજથી આ પ્રક્રિયા શરૂ થઈ છે. પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીની માધ્યમિક શાખાનો જરૂરી આધાર સાથે સંપર્ક કરવા બોર્ડના સચિવ આર. આર. વ્યાસે જણાવ્યું છે.
જે તે પરીક્ષાર્થીના ગુણ તેના નામ અને એપ્લિકેશન નંબરના આધારે ભરવાના રહેશે. આ માટે જે તે શાળાના ઇન્ડેક્સ નંબર અને નોંધાયેલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરી લોગીન કરી શકાશે. જે શાળાઓમાં સેક્ટર સ્કિલ કાઉન્સિલના વોકેશનલ વિષયોનો અભ્યાસક્રમ અમલી છે તેવી શાળાઓએ સેક્ટર સ્ટીલ કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલ પ્રાયોગિક મૂલ્યાંકનના 50 ગુણ માંથી ઉમેદવારે મેળવેલ ગુણ પણ સેક્ટર સ્ટીલ કાઉન્સિલના પ્રતિનિધિ પાસેથી મેળવીને શાળા દ્વારા જ ઓનલાઇન ભરવાના રહેશે.