ગરીબ લાભાર્થીઓના નાણાંની ઉચાપત મામલે પોસ્ટ માસ્તરની આગોતરા જામીન અરજી રદ

  • March 31, 2025 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ઉપલેટાની પોસ્ટ ઓફિસમાં ગરીબ લાભાર્થીઓના બોગસ ખાતા ખોલી સરકારી નાણાંની ઉચાપત કરી જવાના ગુનામાં પોસ્ટ માસ્તર બલદેવ મનોજભાઈ ગામોટની આગોતરા જામીન અરજી ધોરાજી એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.

આ અંગેની હકીકત મુજબ, ઉપલેટા પોસ્ટ ઓફિસમાં સરકારી સહાયના લાભાર્થીઓના બોગસ બચત ખાતા ખોલી બલદેવ મનોજભાઈ ગામોટે મોટી રકમની ઉચાપત કરી હોવાનો ભારતીય દંડ સંહિતાની કલમ 409, 465, 467, 468, 471 મુજબ ગુનો નોંધાયો હતો. જેમાં ઉપલેટા પીએસઆઇ ભટ્ટની તપાસ દરમિયાન પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 13(1) મુજબના ગુનાની કલમ ઉમેરો થતા, આગળની તપાસ ધોરાજીના એએસપી સિમરન ભારદ્વાજ દ્વારા કરવામાં આવી હતી. જે તપાસ હજુ પણ ચાલુ છે. દરમિયાન મનોજ બલદેવભાઈ ગામોટે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી

તે જામીન અરજી નામંજૂર કરવા માટે સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય મનોજભાઈ પારેખએ દલીલ કરીને જણાવેલું હતું કે બે અરજદારના તદ્દન ખોટા નામ સાથે ખાતા ખોલેલા છે. જેમના નામના ખાતા છે તે વ્યક્તિને કોઈ હકીકતની ખબર નથી, બલદેવ મનોજભાઈ ગામોટે તમને સરકારી સહાય મળશે તેમ કહી અને તેમના આધારકાર્ડની નકલ મેળવી અને તે ખાતાનો દુરુપયોગ કરી નાણાંની ઉચાપત કરેલી છે અને તે નાણા અંગત ઉપયોગમાં વાપરેલા છે. આવા ભ્રષ્ટાચારને કારણે દેશ આર્થિક રીતે ખોખલો થતો જાય છે, તે તમામ હકીકત સાથે જોવામાં આવે તો હાલના અરજદારનો ગુનો સામાન્ય નથી. ગુનાના મૂળ સુધી પહોંચવા માટે કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે. આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને આગોતરા જામીન ન આપવા દલીલ કરી હતી. જે ધ્યાને લઈ ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખે ગરીબો માટેના સરકારી નાણાના ભ્રષ્ટાચારને હળવાશથી લઈ શકાય નહીં તેવા મુદ્દાને ધ્યાને લઇ અને આરોપી બલદેવ મનોજભાઈ ગામોટના આગોતરા જામીન અરજી રદ કરી છે. આ કામમાં સરકાર પક્ષે મદદની સરકારી વકીલ કાર્તિકેય પારેખ રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application