BREAKING NEWS

રૂ.20ની લાંચના આરોપમાં 27 વર્ષે નિર્દોષ છૂટકારો, ચુકાદાની ગણતરીની કલાકોમાં પોલીસકર્મીનું મોત, ગુજરાતનો હૃદયદ્રાવક બનાવ

  • February 06, 2026 05:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં ન્યાય વિલંબિત થવાનો અને તેની કરુણતા કેવી રીતે માનવીના જીવન પર ઊંડો ઘા પાડે છે તેનું એક હૃદયસ્પર્શી ઉદાહરણ સામે આવ્યું છે. માત્ર 20 રૂપિયાની લાંચના આરોપમાં છેલ્લા 27 વર્ષથી કાયદાકીય લડત લડનાર નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ બાબુ પ્રજાપતિને ગુજરાત હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ આ ન્યાય તેમના જીવનનો અંતિમ વિજય સાબિત થયો. ચુકાદો આવ્યા બાદ ગણતરીની કલાકોમાં જ તેમનું કુદરતી મૃત્યુ થયું હતું.


1997માં પોલીસ કોન્સ્ટેબલ 20 રૂપિયાની લાંચ લીધી હતી

આ સમગ્ર ઘટનાની શરૂઆત વર્ષ 1997માં થઈ હતી. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વિશાલા જંક્શન નજીક ફરજ બજાવતા ત્યારેના પોલીસ કોન્સ્ટેબલ બાબુ પ્રજાપતિ પર માત્ર 20 રૂપિયાની લાંચ લેવાનો આરોપ મૂકાયો હતો. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા છટકું ગોઠવી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ બાદ તેમની સામાજિક પ્રતિષ્ઠા અને કારકિર્દી પર ગંભીર અસર પડી હતી.


2004માં કોર્ટે ત્રણ વર્ષની સજાનો હુકમ કર્યો

લાંબા સમય સુધી ચાલેલા કેસ બાદ વર્ષ 2004માં ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેમને દોષિત ઠેરવી ત્રણ વર્ષની સજાનો હુકમ કર્યો હતો. આ ચુકાદાથી નિરાશ ન થતા બાબુ પ્રજાપતિએ ન્યાયની આશા સાથે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ત્યારબાદ લગભગ 27 વર્ષ સુધી આ કેસ કાયદાકીય પ્રક્રિયામાં અટવાયેલો રહ્યો અને આ સમયગાળામાં તેમણે માનસિક, સામાજિક અને આર્થિક તણાવ સહન કર્યો હતો.


બાબુ પ્રજાપતિને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા

આખરે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એસ. વી. પિન્ટોની કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે સરકારી પક્ષ લાંચની માંગણી અને સ્વીકાર અંગે પૂરતા અને વિશ્વસનીય પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયું છે. પુરાવાના અભાવે હાઈકોર્ટે નીચલી અદાલતનો ચુકાદો રદ કરીને બાબુ પ્રજાપતિને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા.


ચુકાદા બાદ બાબુ પ્રજાપતિ અત્યંત ભાવુક અને ખુશ હતા

આ કેસમાં અરજદારના એડવોકેટ નિતિન ગાંધીએ જણાવ્યું હતું કે ચુકાદા બાદ બાબુ પ્રજાપતિ અત્યંત ભાવુક અને ખુશ હતા. વર્ષોથી લાગેલું કલંક દૂર થતાં તેમણે એડવોકેટની ઓફિસે જઈને આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લાગણીસભર શબ્દોમાં કહ્યું હતું કે, “27 વર્ષ પછી માથા પરથી કલંક ઉતર્યો છે, હવે તો ભગવાન લઈ લે તો પણ સારું.” દુર્ભાગ્યવશ, આ શબ્દો ઉચ્ચાર્યા બાદ થોડા સમયમાં જ તેમનું કુદરતી મૃત્યુ થયું, જે સમગ્ર ઘટનાને વધુ કરુણ બનાવી ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application