ગ્રીનલેન્ડ ચોકડી પાસે ક્રાઈમ બ્રાન્ચની ટીમે દારૂ ભરેલી ઇકો કારને રોકવાની કોશિશ કરતા કારચાલકે વાહન હંકારી મૂક્યું હતું. જેથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો બાદમાં બેડી ચોકડી પાસે કાર પલટી ખાઈ ગઈ હતી. પોલીસે કારમાંથી 1.15 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી લઇ કાર ચાલક મેટોડાના શખસને ઝડપી લઇ રૂપિયા 2.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આ શખસની પુછતાછ કરતા તે સુરેન્દ્રનગરના ચુડાથી દારૂનો જથ્થો લાવ્યો હતો અને મેટોડાના જીતુ રાણાએ મંગાવ્યો હોવાની કબુલાત આપી હતી.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એ.એસ. ગરચરની રાહબરી હેઠળ એએસઆઇ અનિલભાઈ સોનારા, કોન્સ્ટેબલ મનીષભાઈ ચાવડા, હરપાલસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાણા સહિતનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એવી બાતમી મળી હતી કે, રાજકોટ અમદાવાદ હાઈવે તરફથી ઇકો નંબર જીજે 10 ડીએન 2949 રાજકોટ તરફ આવે છે અને તેમાં દારૂનો જથ્થો ભરેલો છે. બાતમીના આધારે પોલીસની ટીમે ગ્રીનલેન્ડ ચોકડી પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન ઇકો અહીંથી પસાર થતા પોલીસે તેને ઉભી રાખવાની કોશિશ કરતા ઇકો ચાલકે વાહન હંકારી મૂક્યું હતું. બાદમાં પોલીસે ફિલ્મી ઢબે આ કારનો પીછો કર્યો હતો. દરમિયાન મોરબી રોડ તરફ જવાના રસ્તે જુના જકાતનાકા બેડી ચોકડી પાસે રોડ પર કાર પલટી ખાઈ ગઈ હતી અને દારૂની બોટલ રોડ પર વેરવિખેર પડી હતી પોલીસે કારને કોર્ડન કરી તપાસ કરતા અહીંથી રૂપિયા 1.15 લાખની કિંમતનો ૯૬ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કારચાલકની પુછતાછ કરતાં તેનું નામ નઇમ ઈકબાલભાઈ જતમલેક (ઉ.વ.૨૫ રહે. મેટોડા જીઆઇડીસી ગેટ નંબર 1, અંજલી પાર્ક, વ્રજ વિલા એપાર્ટમેન્ટ ત્રીજો માળ, મૂળ પડધરી) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે દારૂનો જથ્થો અને ઇકો સહિત કુલ રૂપિયા 2,65,200 મુદ્દામાલ કબજે કરી કારચાલકની ધરપકડ કરી હતી.
ઝડપાયેલા આ શખસની પૂછતાછ કરતા તે ડ્રાઇવિંગ કામ કરતો હોવાનું અને દારૂનો આ જથ્થો સુરેન્દ્રનગરના ચુડાથી લાવ્યાની કબુલાત આપી હતી જેથી આ અંગે પોલીસ એ વિશેષ તપાસ હાથ ધરી છે.