BREAKING NEWS

અમદાવાદમાં નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમમાં પોલીસની રેડ, હાઇપ્રોફાઈલ દારૂ-હુક્કાની મહેફિલ માણતા 81 યુવક-યુવતીઓ ઝડપાયા

  • February 05, 2026 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
અમદાવાદ નજીક ગોરસ સીમ નજીક આવેલા ‘નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ’માં ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂ અને હુક્કાની મહેફિલ પર સાણંદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ‘AV’ નામની સંસ્થાની 25મી એનિવર્સરીના બહાને આયોજિત કરવામાં આવેલી આ ખાનગી પાર્ટી પર પોલીસને બાતમી મળતાં તાત્કાલિક રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન પાર્ટીમાં હાજર આશરે 80 જેટલા યુવક-યુવતીઓની અટકાયત કરવામાં આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.


પોલીસ સૂત્રો મુજબ, વિકેન્ડ હોમમાં ખાસ રીતે ફૂડ કાઉન્ટર ગોઠવવામાં આવ્યા હતા અને અંદાજે 11 ટેબલ પર કેક, દારૂ અને હુક્કાની ખુલ્લેઆમ વ્યવસ્થા કરવામાં આવી હતી. પાર્ટીમાં મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો હાજર હતા. પોલીસ ટીમ સ્થળ પર પહોંચતા જ મહેફિલમાં અફરાતફરી મચી ગઈ હતી અને કેટલાક લોકો ભાગવાનો પ્રયાસ કરતા પણ નજરે પડ્યા હતા, જોકે પોલીસે તમામને કાબૂમાં લઈ લીધા હતા.


આ કાર્યવાહીમાં પોલીસે 10થી વધુ હુક્કા, અનેક પ્રકારની દારૂની બોટલો તેમજ અન્ય સામગ્રી કબ્જે કરી છે. અટકાયતમાં લેવાયેલા લોકોમાં 38 યુવતીઓ અને 43 યુવકોનો સમાવેશ થાય છે. મહત્વની બાબત એ છે કે, પકડાયેલા પૈકી મોટા ભાગના લોકો 35થી 40 વર્ષ કે તેથી વધુ વયના હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ મહેફિલમાં અનેક જાણીતી હસ્તીઓ તેમજ માલેતુજાર પરિવારોના યુવક-યુવતીઓ હાજર હતા.


રેડ બાદ તમામ અટકાયતમાં લેવાયેલા લોકોને સાણંદની સરકારી હોસ્પિટલમાં લઈ જઈ મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. સાથે જ તેમની ઓળખ, પૃષ્ઠભૂમિ અને પાર્ટીના આયોજન પાછળના આયોજકો અંગે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે, દારૂબંધ રાજ્ય ગુજરાતમાં આવા ગેરકાયદેસર કાર્યક્રમો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે.


આ ઘટના સાણંદ અને આસપાસના વિસ્તારોમાં વધતી ખાનગી પાર્ટીઓ તથા દારૂ-હુક્કાના કેસો તરફ ગંભીર રીતે ધ્યાન દોરે છે. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આવનારા સમયમાં આવા ગેરકાયદેસર કાર્યક્રમો સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ મુદ્દામાલ કબ્જે કરવાની પ્રક્રિયા ચાલુ છે અને કેસ સંબંધિત આગળની કાનૂની કાર્યવાહી ઝડપથી હાથ ધરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application