પોલીસ એકશનમાં: ગુનેગારોને ચેક કર્યા,ફૂટ પેટ્રોલિંગ

  • February 23, 2023 08:40 PM 

રાજકોટ શહેરમાં લુખ્ખાઓ, ટપોરીઓ, અસામાજિક તત્વોએ પોલીસના અસ્તિત્વ પર સવાલ ખડા કરતા અથવા તો પોલીસ ફિલ્ડમાં છે જ નહીં એવું માની બેઠા હોવાથી હવે પોલીસ એકશનમાં આવી છે. માલવિયાનગર પોલીસ મથકના વિસ્તારો બાદ શહેરનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની ફૌજે આજે કોઠારિયા રોડ વિસ્તાર ધમરોળ્યો હતો. શહેરીજનોને પોલીસ તમારા માટે છે તેવો અહેસાસ કે વિશ્ર્વાસ સંપાદિત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ફૂટ પેટ્રોલિંગ આરંભીને લોકો વચ્ચે જઈને કોઈ રંજાડ હોય તો પણ કરોની પત્રિકાઓ પણ વિતરિત કરાઈ રહી છે. મિલકત સંબંધી ગુનાઓ, ચોરીઓ ઘટાડવા ક્રાઈમ બ્રાંચ કચેરીએ એક સાથે 97થી વધુ ગુનેગારોને એકઠા કરીને શાનમાં સમજી જવા ટકોર સાથે પોસની ભાષામાં શીખ અપાઈ હતી.


શહેરમાં સરાજાહેર થતી લુખ્ખાગીરી, મારામારીથી શહેરીજનોમાં ભય સાથે જાણે પોલીસને પડકાર ફેંકયા કે રોકો શકો તો રોક લો, પ્રજા તો ખરી પરંતુ ખુદ પીએસઆઈના ગીરેબાન સુધી જાહેરમાં હાથ નખાયા, કાંઠલા પકડી લેવાયા સુધીની લુખ્ખાગીરી અને અન્ય બનાવોથી કદાચ સંબંધિત પોલીસ મથકના અધિકારીઓ કે સ્ટાફ ઢીલો પડતો હશે. પોલીસ પ્રજા માટે જ છે તેવી પ્રતિતિ કરાવવાની ત્રણ દિવસથી ઝુંબેશ આરંભાઈ છે, આજે ફરી એડી. સીપી સૌરભ તોલંબિયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી, પીઆઈ સહિતનો કાફલો કોઠારિયા રોડ, દેવપરા, જંગલેશ્ર્વર વિસ્તારમાં કર્યો હતો. અધિકારીઓ દ્વારા રહેવાસીઓની બ મુલાકાત કરાઈ હતી. પોલીસના નંબરો સાથેની પત્રિકાઓ વિતરણ કરાઈ હતી. પોલીસને ફિલ્ડમાં જોતા લોકોએ પણ હાશકારો કે ખુશી અનુભવી હતી.

દાબ આબાદ રહેશે કે પછી શેઠની શિખામણ જેવું થશે?
ક્રાઈમ બ્રાંચ દ્વારા પણ અગાઉ ચોરી કે મિલકત વિરોધી ગુનાઓમાં પકડાઈ ચૂકેલા કે સંડોવાયેલા શખસોની યાદી તૈયાર કરી આવા 97 ઈસમોને ક્રાઈમ બ્રાંચની કચેરીમાં એકઠા કરાયા હતા. શહેર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુનામાં સપડાયેલાઓને સુધરી જવા અથવા તો હવે કાંઈ કરશો તો આવી બન્યું સમજજો કહી કાયદેમે રહોગે તો ફાયદેમે રહોગેનો પણ પોલીસની ભાષામાં સંદેશો અપાયો હતો, હવે જોવાનું એ રહેશે કે પોલીસનો દાબ આબાદ રહેશે કે શેઠની શિખામણ જેવું બનશે?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application