રાજકોટમાં વાહન ચોરીના નેટવર્કને ભેદવામાં પડધરી પોલીસને મહત્વની સફળતા મળી છે. પડધરી પોલીસે રાજકોટના ચાર શખસોને ઝડપી લઈ તેમની પાસેથી છ ચોરાઉ વાહન કબજે કર્યા હતા. જેમાં પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉઠેલાયા છે. જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા મિલકત સંબંધી ગુના ડિટેકટ કરવા સૂચના આપવામાં આવી હોય જેને લઈ પડધરી પોલીસ મથકના પીઆઈ એમ.જી. ચૌહાણની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એવી બાતમી મળી હતી કે, ચાર શખસો શંકાસ્પદ બાઈક સાથે રાજકોટ જામનગર હાઇવે પરથી નીકળનાર છે. જેથી પોલીસની ટીમ અહીં વોચ ગોઠવી હતી દરમિયાન સમીર હસનમોહમ્મદ શેખ (રહે. રાજકોટ) અને અનિકેત રાકેશભાઈ કુમાર (રહે. પોપટપરા શેરી નંબર ચાર રાજકોટ) ને હિરો હોન્ડા સ્પેન્ડર સાથે જયારે હમીદ હસનભાઈ હાજી (રહે. જેકશન પ્લોટ ગાયકવાડી) અને અતિક દોસ્તમોહમ્મદ સુમરા (રહે પરસાણા નગર શેરી નંબર ૬/૭ નો ખૂણો, જામનગર રોડ રાજકોટ) ને શંકાસ્પદ એકસેસ સાથે ઝડપી લીધા હતા.પોલીસે આ વાહનો બાબતે પુછતાછ કરતા ગલ્લા તલા કરવા લાગ્યા હતા. બાદમાં પોલીસે સ્પ્લેન્ડર અંગે ખરાઈ કરતા બે મહિના પહેલા તરઘડી ગામેથી ચોરી કર્યાનું તથા એકસેસ એક મહિના પહેલા પડધરી પાસેથી ચોરી કર્યાની આ શખ્સોએ કબૂલાત આપી હતી જેથી પોલીસે બંને વાહન શક પડતી મિલકત તરીકે કબજે કર્યા હતા. ચોરાઉ વાહન સાથે ઝડપાયેલા આ શખસોની સઘન પૂછતાછ કરતા તેમણે ઘેઢ એક મહિના પહેલા મોવૈયા ગામ પાસેથી એકટિવા તથા ગઈ તા. ૨૯/૪/૨૦૨૬ ના તરઘડી ગામ પાસેથી એક્સેસની ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૬ ચોરાઉ વાહન કબજે કર્યા હતા. આરોપીઓની પૂછતાછમાં પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે વાહન ચોરીના ભેદ ઉકેલાયા છે. આ કામગીરીમાં પડધરી પોલીસ મથકના પીઆઈ એમ.જી. ચૌહાણ, એએસઆઈ ભગીરથસિંહ જાડેજા, કોન્સ્ટેબલ વસંતભાઈ ભુંડિયા, અબ્બાસભાઈ ભારમલ, અશોકભાઈ ડાંગર, સાગરભાઈ ખટાણા, નિકુલસિંહ ઝાલા તથા એએસઆઈ છત્રપાલસિંહ સાથે રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application