રાજકોટમાં ગઈકાલે સવારના સમયે ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે આઠ વાહનોને હડફેટે લેતા આ અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે બાળકી સહિત ચારને ઇજા પહોંચતી હતી. અકસ્માતની આ ઘટના બાદ વિફરેલા ટોળાએ સિટી બસ પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી તેમજ તેના ડ્રાઇવરને બહાર ખેંચી તેને બેફામ મારમાર્યો હતો. આ સમયે અહીં ફરજ પર હાજર ટ્રાફિક પોલીસમેને ટોળાને વિખેરવાની કોશિશ કરી અને ડ્રાઇવરને એમ્બ્યુલન્સમાં જવા દેતા આ ટોળાએ પોલીસમેન સાથે ઝપાઝપી કરી તેને મારમાર્યો હતો. બનાવ અંગે પોલીસમેનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 15 થી 20 અજાણ્યા શખસોના ટોળા વિરુદ્ધ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અંગે તથા ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસમેન ફરિયાદ નોંધાવી
રાજકોટ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસમેન અજય ભીખાભાઈ ડાભી(ઉ.વ ૪૦ રહે. રેસકોર્સની સામે પોલીસ હેડ ક્વાર્ટર, રાજકોટ મૂળ ઉપલેટા) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ૧૫ થી ૨૦ અજાણ્યા શખસોનું ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે ગઇકાલે સવારના તે ઇન્દિરા સર્કલ પાસે ટ્રાફિક નિયમન કરાવવાની પોતાની ફરજ પર હતાં.
ટ્રાફિક પોલીસ મેને વચ્ચે પડી ટોળાને વિખેરાઇ જવા કહ્યું હતું
દરમિયાન સવારના ૯:૫૨ કલાકે ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ નંબર જીજે 3 બીઝેડ 0466 ના ચાલકે સિગ્નલ ખુલતા જ પૂરપાટ ઝડપે બસ હંકારી મુકતા 7 થી 8 વાહનો હડફેટે આવી ગયા હતા. અકસ્માતની આ ઘટનામાં ચાર વ્યક્તિઓના મોતને ભેટયા હતાં. ઘટનાથી લોકો ભારે રોષે ભરાયા હતા. તેમણે આ અંગે કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. બાદમાં ટોળાને સમજાવાની કોશિશ કરી હતી પરંતુ વિફરેલા ટોળાએ બસ પર પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધું હતું. બાદમાં 15 થી 20 અજાણ્યા શખસો બસનો દરવાજો ખોલી ડ્રાઇવરને ઉપરથી ખેંચી નીચે ઉતારી માર મારવા લાગ્યા હતા.જેથી ટ્રાફિક પોલીસ મેને વચ્ચે પડી ટોળાને વિખેરાઇ જવા કહ્યું હતું તેમ છતાં તેઓ તેને માર મારતા હોય પોલીસમેને ડ્રાઇવરને અહીંથી ખેંચી એમ્બ્યુલન્સમાં મોકલી દીધો હતો.
ટોળાએ પોલીસમેન સાથે હાથપાઇ કરી
બાદમાં આ ટોળાએ પોલીસમેન અજયભાઈ ડાભી સાથે ઉગ્ર બોલાચાલી કરી ઝપાઝપી, ગાળાગાળી કરવા લાગ્યા હતા અને કહેતા હતા કે, તમે ડ્રાઇવરને અમને કેમ ન સોપ્યો અને એમ્બ્યુલન્સમાં કેમ મોકલી દીધો? તેમ કહી પોલીસવાળા ભાઈએ ડ્રાઇવરને બચાવ્યો છે તેમ કહી કેટલાક શખસો બૂમો પાડવા લાગ્યા હતા અને પોલીસમેન સાથે હાથાપાઈ કરવા લાગ્યા હતા. ટોળું બેકાબુ બનતા પોલીસમેને જીવ બચાવવા અહીંથી દોટ મૂકી હતી અને તેઓ બીઆરટીએસ રૂટ પર ભાગતા આ ટોળુ તેની પાછળ દોડ્યું હતું. બાદમાં અન્ય પોલીસ પણ અહીં આવી ગઈ હતી. આ ઘટના અંગે ટ્રાફિક પોલીસમેન અજયભાઈ ડાભીની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 15 થી 20 અજાણ્યા શખ્સોના ટોળા વિરુદ્ધ બસ પર પથ્થરોનો ઘા કરી તોડફોડ કરવા ગેરકાયદે મંડળી રચી બસના ડ્રાઇવરને માર મારવા અને પોલીસમેન સાથે હાથપાઇ કરી તેની ફરજમાં રૂકાવટ કરવા તથા સરકારી પ્રોપર્ટીને નુકસાન કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ શખસોને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
આ મામલે ત્રણ લોકોને ઝડપી લેવાયા
આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ આરોપીઓ મનીષ ઉર્ફે માન કાળુભાઇ સભાડ ભરવાડ (નાનાભાઇ) (ઉં.વ.૧૯), (ધંધો-બ્લીન્કીટમા ડિલિવરીબોય રહે. રૈયાધાર સ્લમ ક્વાટર્સ મ.પરા જશોદાચોક ઠાકર મંદિર પાછળ, રાજકોટ) કરણ કિશોરભાઈ વિશ્વકર્મા નેપાળી (ઉં.વ. ૨૪ ધંધો-ઝોમેટો ડીલવરીબોય રહે. ઇન્દિરાસર્કલ અજંતા કોમ્પલેક્ષ નીચે ઓરડીમા રાજકોટ), મહેશભાઈ પ્રાણલાલ શાહ (ઉં.વ. ૬૨ રહે. બાલમુકુંદ સોસાયટી શેરી નં.૦૨ નિમર્લા રોડ રાજકોટ)ને ઝડપી લીધા હતાં. જ્યારે અન્યને ઝડપી લેવા તપાસ યથાવત રાખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમાં ભારતીય વાહનોની ભારે માંગ, એક્સપોર્ટના આંકડા જોશો તો ચોંકી જશો
April 20, 2025 12:39 PMચીન ન કરે એટલું ઓછું....માણસો સાથે રોબટ્સે લગાવી 21 કિમીની દોડ, જુઓ વીડિયો
April 20, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech