BREAKING NEWS

ઓસ્ટ્રેલિયામાં વિમાન અકસ્માત: એડિલેડ એરપોર્ટ પર હેંગર સાથે અથડાયા બાદ પ્લેનમાં લાગી ભીષણ આગ; બે ના મોત

  • April 29, 2026 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓસ્ટ્રેલિયાના સ્થાનિક મીડિયા આઉટલેટ '7News' ના જણાવ્યા અનુસાર, આ અકસ્માત પેરાફિલ્ડ એરપોર્ટ પર ત્યારે સર્જાયો જ્યારે એક બે એન્જિન ધરાવતું 'ડાયમંડ DA42' વિમાન લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું. વિમાનમાં સવાર પાયલોટ અને એક અન્ય મુસાફરે જીવ ગુમાવ્યો છે, જ્યારે જમીન પર રહેલા અને વિમાનમાં રહેલા અન્ય લોકો મળી કુલ ૧૧ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.


તકનીકી ખામી બની અકસ્માતનું કારણ
ચીફ ઈન્સ્પેક્ટર એન્ડ્રુ મેકક્રેકનના જણાવ્યા મુજબ વિમાન જ્યારે ઉડાન ભરી રહ્યું હતું ત્યારે તેના થોડા જ સમયમાં તેમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાયલોટે તાત્કાલિક વિમાનને સુરક્ષિત રીતે નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કમનસીબે વિમાન એરપોર્ટના 'હેંગર ૫૪' (Hangar 54) સાથે જોરદાર રીતે અથડાયું હતું. ટકરાતાની સાથે જ વિમાનમાં બ્લાસ્ટ થયો અને આગની જ્વાળાઓ ઉઠી હતી.


રેસ્ક્યૂ ઓપરેશન અને ઈજાગ્રસ્તોની સ્થિતિ

દુર્ઘટના બાદ સ્થાનિક પોલીસ અને ઈમરજન્સી સેવાઓએ તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો. એક વ્યક્તિને જીવલેણ ઈજાઓ પહોંચી છે, જ્યારે બે અન્ય લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. વિસ્ફોટ બાદ નીકળેલા ઘટ્ટ કાળા ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતા છ લોકોની તબિયત લથડી છે. સુરક્ષાના કારણોસર એરપોર્ટની આસપાસના રહેણાંક વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. મેટ્રોપોલિટન ફાયર સર્વિસે સ્થાનિક લોકોને ઘરની અંદર રહેવા અને બારી-બારણાં બંધ રાખવા સલાહ આપી છે.


તપાસના આદેશ
ઓસ્ટ્રેલિયન ટ્રાન્સપોર્ટ સેફ્ટી બ્યુરો (ATSB) એ આ દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દીધી છે. તપાસ ટીમ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ઉડાન ભર્યા બાદ તરત જ વિમાનમાં કઈ ખામી સર્જાઈ હતી જેના કારણે પાયલોટે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ અકસ્માતને કારણે પેરાફિલ્ડ એરપોર્ટ પરની તમામ ફ્લાઈટ્સ હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે. એડિલેડના આ વ્યસ્ત એરપોર્ટ પર સર્જાયેલી આ દુર્ઘટનાએ એવિએશન સેફ્ટીને લઈને ફરી એકવાર ચિંતા જગાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application