વીંછિયાના પીપરડીના કાકા-ભત્રીજાએ ૪૦ટકા લેખે વ્યાજ ચૂકવ્યું છતાં પઠાણી ઉઘરાણી

  • July 14, 2023 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વ્યાજખોરીના દુષ્ણને અટકાવવા માટે રાજયવ્યાપી ઝૂંબેશ ચલાવવામાં આવી હોવાછતાં વ્યાજખોરોની કિસ્સા સતત સામે આવી રહ્યા છે.ત્યારે વીંછિયાના પીપરડી ગામે રહેતા કાકા-ભત્રીજા પાસે વ્યાજખોરોએ ૪૦ ટકા લેખે ઉંચું વ્યાજ વસુલવા છતાં હજુ પણ વધુ રકમની ઉઘરાણી કરી તેમના ઘરે આવી પઠાણી ઉઘરાણી કરી હતી.આ અંગે વીંછિયાના આંકડીયામાં બંધુ સહિત ત્રણ શખસો સામે વીંછિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વ્યાજખોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,વીંછિયા તાલુકાના પીપરડી ગામે રહેતા ભગીરથભાઇ પ્રભાતભાઇ ગોહિલ(ઉ.વ ૩૦) નામના કારડીયા રજપૂત યુવાને વીંછિયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વીંછિયના આકડીયા ગામે રહેતા ભગીરથ ભાભલુભાઇ ચાવડા,નાગરાજ ભાભલુભાઇ ચાવડા અને વાગધ્રા ગામે રહેતા કુલદીપ કાઠીના નામ આપ્યા છે.


યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે ખેતીકામની સાથે કાર લે-વેચનો વ્યવસાય કરે છે.છ મહિના પૂર્વે તેને ધંધામાં પૈસાની જરૂર હોવાથી તેણે આકડીયા ગામના ભગીરથ ભાભલુભાઇ ચાવડાને વાત કરતા તેણે ત્રણ લાખ પાંચ ટકા વ્યાજે આપ્યા હતાં.
બાદમાં આ આરોપી ભગીરથે યુવાનને કહ્યું હતું કે તારે ૪૦ ટકા વ્યાજ ચૂકવવું પડશે નહીંતર તને જીવવા નહીં દઉં.આમ કહેતા યુવાને પોતાની પાસે રહેલી કાર વેચી પાંચ મહિના સુધી મહિને રૂ.૧-૧ લાખ વ્યાજ ચૂકવ્યું હતું આમ ત્રણ લાખના પાંચ ચૂકવી દીધા બાદ યુવાને હવે પોતાની પાસે પૈસાની સગવડ ન હોય હવે મને મુકત કરો તેમ કહેતા આરોપીએ કહ્યું હતું કે તારે હજુ રૂ. છ લાખ પચાસ હજાર આપવાના છે.
બે દિવસ પૂર્વે રાત્રીના યુવાનના ઘર પાસે આવી ભગીરથે ફોન કર્યો હતો અને તેને ઘર બહાર બોલાવ્યો હતો.જેથી યુવાન તથા તેના પિતા ઘર બહાર જતા વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરી તમને જીવવા નહીં દઉ તેવી ધમકી આપી હતી.આ જ રીતે યુવાનના કાકા જયદેવભાઇ ગોહિલે પણ આ ભગીરથ પાસેથી રૂ.૨ લાખ વ્યાજે લીધા હોય તેની પાસેથી પણ ૪૦ ટકા વ્યાજ વસૂલી બે લાખના બદલમાં તેમણે ૪ લાખ ચૂકવી દીધા હોવાછતાં હજુપણ પાંચ લાખની રકમની પઠાણી ઉઘરાણી કરી હતી.
​​​​​​​
દરમિયાન તા. ૧૨/૭ ના રાત્રીના આ ભગીરથ તથા તેનો ભાઇ નાગરાજ અને વાગધ્રાનો કુલદીપ કાઠી યુવાન અને તેના કાકાના ઘરે આવી અહીં તમાશો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરી હતી.જેથી અંતે યુવાને આ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે યુવાનની ફરિયાદ પરથી આરોપીઓ સામે મની લેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application