રાજકોટમાં 100 રૂપિયાની રકઝકમાં નકળંગ ટી સ્ટોલ પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા, જાણો શું હતો આખો મામલો, જુઓ વીડિયો

  • January 16, 2025 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મકરસંક્રાંતિની રાત્રિના ચાની હોટલ પર રૂ. 100ની રકઝકમાં ચાર ઇસમોએ પેટ્રોલ બોમ્બ ઝીંક્યાનો બનાવ બન્યો હતો. જેના સીસીટીવી સામે આવ્યા છે. કાચની બોટલમાં પેટ્રોલ નાખી વાટથી સળગાવી રહેલાં શખ્સો કેમેરામાં કેદ થયા છે. ઘટનાને પગલે હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાને 24 કલાલથી વધુ સમય થયો હોવા છતાં પોલીસ આરોપીઓને પકડી શકી નથી.


ફાકીના પૈસાને લઈ માથાકૂટ કરી
150 ફૂટ રિંગ રોડ પરના ખોડિયારનગરમાં રહેતા અને યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક પાસે નકળંગ ટી સ્ટોલ નામે હોટલ ધરાવતાં જીલાભાઇ ઉર્ફે મુન્નાભાઇ સિરોડિયા મકરસંક્રાંતિની રાત્રે પોતાની હોટલે હતા. ત્યારે એ વિસ્તારના આવાસ ક્વાર્ટર્સમાં રહેતો જયદીપ રામાવત હોટલે ગયો હતો અને ચાની હોટલની સાથેની પાનની દુકાનેથી ફાકી ખરીદી હતી. ત્યારબાદ પાનની દુકાન સંભાળી રહેલા સાહિલ નામના યુવક સાથે પૈસાના મુદ્દે માથાકૂટ શરૂ કરી હતી.


સીસીટીવી ફૂટેજ ચેક કરીને પછી વાત કરો
સાહિલે રૂ.50 આપ્યાનું કહ્યું હતું, જ્યારે જયદીપે રૂ. 100ની નોટ આપ્યાનું રટણ રહ્યું હતું. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને તે સાંભળી નકળંગ હોટલના સંચાલક જીલાભાઈ ઉર્ફે મુન્નાભાઈએ રૂ.100ની નોટ પરત આપી દેવા સાહિલને કહેતા જયદીપ રામાવત ઉશ્કેરાયો હતો અને હોટલના સીસીટીવી ફૂટેજ ચેક કરીને પછી વાત કરો તેમ કહી ધમાલ શરૂ કરી હતી.​​​​​​​


લોકોનો આક્રોશ જોઈ બન્ને સ્થેળથી જતાં રહ્યાં
જીલાભાઈએ ભીડ હોવાથી ફૂટેજ જોવાનો સમય નથી તેમ કહેતા જયદીપે ફૂટેજ જોવાની વાતને લઇ મામલો વધુ ઉગ્ર બનાવ્યો હતો. ત્યારબાદ જયદીપે થોડે દૂર જઈ ફોન કરતા અન્ય એક શખ્સ ધસી આવ્યો હતો અને બંનેએ ડખો વધુ ઉગ્ર બનાવ્યો હતો. જયદીપ અને તેનો સાથીદાર બંને નશાખોર હાલતમાં હતા અને તેઓ ધમાલ કરવા લાગતા લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. લોકો ધોલાઈ કરશે તેવો ભય લાગતાં બંને નાસી ગયા હતા. લોકોનો આક્રોશ જોતાં જયદીપ પોતાનું સ્કૂટર પણ લઇ શક્યો નહોતો.


રાત્રિના 1.14 વાગ્યે હોટેલ પર બે બોટલના ઘા થયા
થોડીવાર બાદ એક ઇસમ આવ્યો હતો અને જીલાભાઈ સાથે સમાધાનની વાત કરી હતી. જીલાભાઈએ પણ પોતાને કોઈ વાંધો નથી. ભવિષ્યમાં જયદીપ નશો કરીને દુકાને ન આવે તેવું કહી દેજો તેમ કહી તે ઈશમને રવાના કર્યો હતો. તે ઇસમ ગયાના અડધો કલાક બાદ રાત્રિના 1.14 મિનિટે હોટેલ પર બે બોટલના ઘા થયા હતા અને ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. પેટ્રોલ બોમ્બના બે ધા ઝીંકાતા હાજર લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.


હુમલાખારોએ 4 પેટ્રોલ બોમ્બ ઝીંકવાનું કાવતરું રચ્યું હતું
જે દિશામાંથી પેટ્રોલ બોમ્બના થા થયા હતા તે દિશામાં જીલાભાઈ અને તેના મિત્રોએ દોટ મૂકી તો ચાર બુકાનીધારીઓ ભાગતા દેખાયા હતા. ઘટનાની જાણ કરાતા યુનિવર્સિટી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જ્યાંથી ધા કરાયા હતા તે સ્થળેથી વધુ બે પેટ્રોલ બોમ્બ મળી આવ્યા હતા. હુમલાખારોએ ચાર પેટ્રોલ બોમ્બ ઝીંકવાનું કાવતરું રચ્યું હતું. રૂ.100ના મુદ્દે શહેરમાં પેટ્રોલ બોમ્બ ઝીંકાતા પાલીસની ધાક ઓસરી રહ્યાનું વધુ એક વખત સાબિત થયું હતું.


આ રીતે પેટ્રોલ બોમ્બ બનાવી અપાયો અંજામ
પોલીસે સ્થળ પરથી બે પેટ્રોલ બોમ્બ કબજે કર્યા હતા અને હોટલના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચાર શખ્સ બોમ્બ બનાવતા અને ફેંકતા દેખાયા હતા. સોડાની બોટલમાં પોણી બોટલ પેટ્રોલથી ભરેલી હતી, તેમાં રૂની વાટ જેવું લગાવવામાં આવ્યું હતું, વાટને સળગાવ્યા બાદ બે શખ્સ દોડ્યા હતા અને હોટલ પર સળગતી બોટલ ફેંકી હતી. પેટ્રોલ ભરેલી બોટલ હોટલના પાર્કિંગમાં નીચે પડતાં જ બોટલ ફૂટી હતી. પેટ્રોલ ઢોળાતા ધડાકા સાથે આગ ભભૂકી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application