અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને સત્તાવાર રીતે ઐતિહાસિક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. ફ્રાન્સમાં જી-7 સમિટ દરમિયાન પેલેસ ઓફ વર્સેલ્સ ખાતે આયોજિત એક સમારોહમાં શાંતિ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું. ઈરાનના વિદેશ મંત્રાલયે પણ ડિજિટલ હસ્તાક્ષરની પુષ્ટિ કરી. આ ઐતિહાસિક પગલાથી બંને દેશો વચ્ચે ચાલી રહેલી દુશ્મનાવટનો તાત્કાલિક અંત આવશે અને વાણિજ્યિક જહાજો માટે વ્યૂહાત્મક સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખુલશે અને યુએસ તેહરાનને આપેલા વચનને પૂર્ણ કરશે. દરમિયાન, યુએસએ સમજૂતી કરારનો સત્તાવાર મુદ્દાઓ જાહેર કર્યા છે.
આ પહેલી વાર છે જ્યારે અમેરિકાએ આ 14-મુદ્દાના કરારનો સંપૂર્ણ મુદ્દાઓ જાહેર કર્યા હોય. ટ્રમ્પ વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ દસ્તાવેજ વાંચ્યો. તેમાં હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા, ઈરાન પરના આર્થિક પ્રતિબંધો હળવા કરવા અને ભવિષ્યની વાટાઘાટો દરમિયાન ઈરાનના પરમાણુ કાર્યક્રમ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવાની અપેક્ષા સંબંધિત જોગવાઈઓનો ઉલ્લેખ છે. નોંધનીય છે કે, એમઓયુમાં ફક્ત 60 દિવસ માટે હોર્મુઝને મુક્ત કરવાનો ઉલ્લેખ છે, જે પાંચમા ફકરામાં છે.
યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઇરાન વચ્ચે ઇસ્લામાબાદ મેમોરેન્ડમ ઑફ સ્ટેન્ડિંગ શીર્ષક ધરાવતો આ દસ્તાવેજ, ઘણા પ્રશ્નો અનુત્તરિત અને ઘણા મુદ્દાઓ વણઉકેલાયેલા છોડી દે છે. આ ૧૪-મુદ્દાના કરાર હેઠળ, ઈરાન તાત્કાલિક હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે પગલાં લેશે. બદલામાં, તેને પ્રતિબંધો વિના તેલ વેચવાની મંજૂરી આપવામાં આવશે. ઈરાન પરમાણુ શસ્ત્રો મેળવી શકશે નહીં.
યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે આ કરાર પર સંમતિ થઈ અને ઈ-સહી કરવામાં આવી. અમેરિકન અધિકારીઓએ નામ ન આપવાની શરતે ડ્રાફ્ટ કરાર વિશે માહિતી આપી. કરારમાં જણાવાયું છે કે યુદ્ધ પછીના પુનર્નિર્માણ માટે ઈરાનને ઓછામાં ઓછા 300 બિલિયન ડોલર પ્રાપ્ત થશે. ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગેના અંતિમ કરાર બાદ અમેરિકા તેહરાન પર લાદવામાં આવેલા તમામ યુએસ અને યુએન પ્રતિબંધોને હટાવવા માટે કામ કરશે. ઈરાનને તાત્કાલિક મુક્તપણે તેલ વેચવાની મંજૂરી આપવા અને ત્યારબાદ પ્રતિબંધો હટાવવાનો અમેરિકાનો પ્રસ્તાવ 2015ના પરમાણુ કરાર હેઠળ ઈરાનને આપવામાં આવેલી છૂટછાટો કરતાં વધુ મોટો માનવામાં આવી રહ્યો છે.
ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન આ કરારમાંથી અમેરિકાને પાછું ખેંચી લીધું હતું, તેને અત્યાર સુધીનો સૌથી ખરાબ કરાર ગણાવ્યો હતો. એવું માનવામાં આવે છે કે આ નવા કરારની અમેરિકામાં જોરદાર ટીકા થઈ શકે છે અને તે ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ માટે પણ મોટો ફટકો હોઈ શકે છે, જેમણે ટ્રમ્પ સાથે મળીને 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ કર્યું હતું.
ઈરાન-અમેરિકા કરાર પર હસ્તાક્ષર કરવા મારા માટે સરળ નહોતું: ટ્રમ્પ
ફ્રાન્સમાં ચાલી રહેલા જી-7 સમિટ દરમિયાન વર્સેલ્સના પ્રતિષ્ઠિત પેલેસ ખાતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ટ્રમ્પે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા જાહેર કરાયેલી એક વિડિઓ ક્લિપમાં, ટ્રમ્પને કહેતા સાંભળી શકાય છે, ઈરાન-અમેરિકા કરાર પર હસ્તાક્ષર થયા છે. મેં વર્સેલ્સમાં તેના પર હસ્તાક્ષર કર્યા જે સરળ નહોતું.
અમેરિકા-ઇરાન એમઓયુના 14 મુખ્ય મુદ્દાઓ
1) સૈન્ય કાર્યવાહીનો તત્કાલ અંત
બંને દેશો તમામ મોરચે પોતાની સૈન્ય પ્રવૃત્તિઓનો તાત્કાલિક અને કાયમી ધોરણે અંત લાવશે. લેબેનાનની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું સન્માન કરવામાં આવશે.
2) આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ નહીં
અમેરિકા અને ઇરાન એકબીજાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો સ્વીકાર કરશે અને કોઈ પણ દેશ એકબીજાની આંતરિક બાબતોમાં દખલગીરી કરશે નહીં.
3) 60 દિવસની સમયમર્યાદા
બંને દેશો આગામી 60 દિવસની અંદર પરસ્પર વાતચીત દ્વારા આખરી કરાર પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે. બંને પક્ષોની સંમતિથી આ સમયગાળો વધારી પણ શકાશે.
4) નાકાબંધી હટાવવી
આ કરાર પર હસ્તાક્ષર થતાં જ અમેરિકા ઇરાન સામેની નૌકાબંધી અને અન્ય અવરોધો હટાવવાનું શરૂ કરશે અને 30 દિવસમાં નાકાબંધી સંપૂર્ણપણે ખતમ કરી દેવાશે.
5) હોર્મુઝની ખાડી 60 દિવસ માટે 'ટોલ ફ્રી'
અમેરિકા કરારના 30 દિવસમાં પોતાના સૈન્ય બળોને પાછા ખેંચશે. બદલામાં ઇરાન તમામ કોમર્શિયલ જહાજો માટે 60 દિવસ સુધી 'મફત અને સુરક્ષિત' માર્ગ આપશે.
6) 300 અબજ ડૉલરનું આર્થિક પેકેજ
અમેરિકા ઇરાનના પુનર્વસન અને આર્થિક વિકાસ માટે ઓછામાં ઓછી 300 અબજ ડૉલરની આર્થિક સહાય સુનિશ્ચિત કરશે, જેને લાગુ કરવાનો પ્લાન 60દિવસમાં તૈયાર થશે.
7) તમામ પ્રતિબંધોમાંથી મુક્તિ
અમેરિકા ઇરાન પર લાદવામાં આવેલા તમામ પ્રકારના પ્રતિબંધો હટાવશે. જેમાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા તમામ પ્રાથમિક અને સેકન્ડરી પ્રતિબંધોનો પણ સમાવેશ
8) પ્રતિબંધો હટાવવા તાકીદની બેઠક
બંને દેશો સ્વીકારે છે કે પ્રતિબંધો નાબૂદ કરવાનો મુદ્દો અત્યંત સંવેદનશીલ અને મહત્વનો છે, તેથી આ વિષય પર તાત્કાલિક ગંભીર ચર્ચા શરૂ કરવામાં આવશે.
9) પરમાણુ હથિયાર ન બનાવવાની ખાતરી
ઇરાન સત્તાવાર પુષ્ટિ કરે છે કે તે ભવિષ્યમાં ક્યારેય પરમાણુ હથિયાર બનાવશે નહીં. ઇરાન પાસે હાલમાં ઉપલબ્ધ સંવર્ધિત પરમાણુ સામગ્રીના સ્ટોકનો નિકાલ બંને દેશોની પરસ્પર સંમતિના મેકેનિઝમ દ્વારા કરાશે.
10) યુરેનિયમ સંવર્ધન પર ચર્ચા અને યથાવત સ્થિતિ
બંને પક્ષો યુરેનિયમ સંવર્ધન અને ઇરાનની શાંતિપૂર્ણ પરમાણુ જરૂરિયાતો પર આખરી ફ્રેમવર્ક મુજબ ચર્ચા કરશે. અંતિમ કરાર ન થાય ત્યાં સુધી ઇરાન પોતાના પરમાણુ કાર્યક્રમની વર્તમાન સ્થિતિ જાળવી રાખશે.
11) તેલ નિકાસ માટે વિશેષ છૂટછાટ
કરાર અમલી બનતા અને પ્રતિબંધો સંપૂર્ણપણે ન હટે ત્યાં સુધી અમેરિકન નાણાં વિભાગ ઇરાનના કાચા તેલ, પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ માટે જરૂરી છૂટછાટો આપશે.
12) ફ્રીઝ થયેલી સંપત્તિઓ થશે મુક્ત
ઇરાનની વિશ્વભરમાં ફ્રીઝ કરાયેલી તમામ નાણાકીય અસ્કયામતો અને સંપત્તિઓને સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવશે.
13) મોનિટરિંગ માટે એક્ઝિક્યુટિવ મેકેનિઝમ:
આ કરારના સફળ અમલીકરણ અને ભવિષ્યમાં તેના નિયમોનું ચુસ્ત પાલન થાય છે કે નહીં તેની દેખરેખ રાખવા માટે એક સંયુક્ત 'એક્ઝિક્યુટિવ મેકેનિઝમ' સ્થાપિત કરાશે.
14) યુએન સુરક્ષા પરિષદની મંજૂરી
અમેરિકા અને ઇરાન વચ્ચે થયેલા આખરી ઐતિહાસિક શાંતિ કરારને વૈશ્વિક સ્તરે કાયદેસરતા આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) ની સત્તાવાર મંજૂરી લેવાશે