બેહ ગામે જુંગીવારા વાછરાભાઈના મંદિર ખાતે પાટોત્સવ 

  • April 28, 2025 10:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના બેહ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધ્વજારોહણ, મહાયજ્ઞ, મહાપ્રસાદી, કાનગોપી રાસોત્સવની થશે ઉજવણી



દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના બેહ ગામે સુપ્રસિદ્ધ જુંગીવારા વાછરાભાઈના ભવ્ય મંદિર ખાતે દરવર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક પાટોત્સવ ઉજવાશે. પાટોત્સવ નિમિત્તે જુંગીવારા ધામ સમસ્ત બેહ ગામ દ્વારા ધ્વજારોહણ, મહાયજ્ઞ, મહાપ્રસાદી, કાનગોપી રાસોત્સવના કાર્યક્રમનું આયોજન તા.30ને બુધવારના રોજ કરવામાં આવ્યું છે.

દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના બેહ ગામે આવેલ જુંગીવારા ધામ ખાતે સમસ્ત બેહ ગામ દ્વારા આગામી તા.30-04ના બુધવારના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ 9મો પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પાટોત્સવ પ્રસંગે સવારે સાત વાગ્યે ધ્વજાજી પૂજન તથા ધ્વજારોહણ ત્યારબાદ મહાયજ્ઞ અને બપોરે 12 વાગ્યે તેમજ સાંજે 7 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે બપોરે 2 વાગ્યે પરંપરાગત દાંડિયારાસનો કાર્યક્રમ રાખેલ છે જેમાં જાણીતા કલાકારો તૃપ્તિબેન ગઢવી, જશુબેન રબારી, ઉદય ધાંધલ અને ભાવેશ આહીર સહિતના કલાકારો દ્વારા પરંપરાગત દાંડિયારાશની રમઝટ બોલાવાશે.

રાત્રે 10 વાગ્યે જાણીતા કાનગોપી ગ્રુપના ભીમભાઈ ઓડેદરા (આદિત્યાણા) ગૃપ દ્વારા કાનગોપી રાસ મંડળીની જમાવટ કરશે. તેમજ એન્કર તરીકે જગદીશ ખડીયા જોડાશે.કાર્યક્રમમાં મહાપ્રસાદીના દાતા તરીકે રામદેભાઈ લાખાભાઈ વલાણી સેવા આપશે. આ તકે જુંગીવારા ધામ ખાતે યોજાનાર આ ભવ્ય પાટોત્સવ નિમિત્તે ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા સમસ્ત બેહ ગામ તેમજ આયોજકો દ્વારા જાહેરમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

ઈતિહાસ: ગામને ખાલસા થતું બચાવ્યું...

આશરે પાંચસો વર્ષ પહેલાં બેહ ગામે જુંગી જંગલમાં અસુર (રાક્ષસ) રહેતો હતો જે ગામ લોકોને કનગડત કરતો હતો. એક વખત ગામમાં રહેલી કરમઈબાઈ નામની ચારણ દીકરી જંગલમાંથી ભાતું લઈ પસાર થતી હતી. ત્યારે આ અસુરે જંગલમાં કરમઈબાઈ ને રોકી તેની પર કુદ્રષ્ટિ કરી લાજ લેવાનો પ્રયાસ કરતા જ કરમઈબાઈ નામની ચારણ દીકરી સાક્ષાત્કાર અંબા શક્તિનો અવતાર હોવાથી તેમણે વીર વાછરાનું સ્મરણ કરી ત્રણ સાદ કરતા જ વીર વછરાજ ઘોડે અસવાર થઈ પ્રગટ થતાં જ કરમઈબાઈ નાં આદેશ અનુસાર અસુરને ત્યાંજ હણી નાખી ને રક્ષા કરી હતી.

શક્તિનો અવતાર કરમઈબાઈ પ્રગટ થયેલ વછરાજને અહીં બેહ ગામે જ રહી ગામનું રક્ષણ કરવાનો કોલ લઈ ત્યાંજ કરમઇબાઇ સમાધિ રૂપે સમાઈ ગયા હતા. ત્યારથી જ વીર વછરાજ જુંગીવારા નામથી બેહ ગામે પ્રજ્વલિત થયેલ છે. એ પછી અનેક પરચા ગામ લોકોને વીર વછરાજે સાક્ષાત્કાર આપેલ છે. બેહ ગામે આજે પણ સિંધિયા પરિવાર બીડી, ચુલમ કે હુકો પિતા નથી ગામમાં ઘર ઉપર બીજો માળ પણ નથી બનાવામાં આવ્યું. જુંગીવારા વાછરાભાઈએ આશરે 200 વર્ષ પહેલાં જામનગર સ્ટેટને ગામનો કર ભરી દેતા વછરાજે ગામને ખાલશા થતું બચાવ્યાનો ઇતિહાસ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application