BREAKING NEWS

અમદાવાદમાં સિટી બસ અગનગોળો બનીઃ જીવ બચાવવા મુસાફરો કુદી પડ્યા

  • January 19, 2026 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદમાં આજે સવારે મુસાફરોથી ભરેલી સિટી બસ (એએમટીએસ)માં અચાનક આગ લાગી હતી. આથી અંદર રહેલા મુસાફરો જીવ બચાવવા નીચે કુદી પડ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન સર્જાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જોત જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બસ અગનગોળો બની ખાક થઈ ગઈ હતી. 


આ ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભીષણ આગને પગલે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેને કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.


મળતી માહિતી મુજબ, જ્યારે બસ સોલા સિવિલ રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એન્જિનના ભાગમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું. આગ લાગી હોવાનું માલૂમ પડતા જ બસના ડ્રાઈવર અને કંડક્ટરે સમયસૂચકતા દાખવી હતી. તેમણે તુરંત જ બસ ઊભી રાખી દીધી હતી અને બસમાંથી તુરંત જ મુસાફરો જીવ બચાવવા નીચે ઉતરી ગયા હતા. કેટલાક કુદી પડ્યા હતા. ડ્રાઈવર અને કંડક્ટરની આ સતર્કતાને કારણે બસમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ નહોતી.


ફાયરબ્રિગેડ પાસેથી પ્રાથમિક રીતે મળતી માહિતી મુજબ એએમટીએસ રૂટ નંબર 501ની બસ અડાલજ ત્રિમંદિરથી સરખેજ ઉજાલા તરફ જતી હતી. દરમિયાનમાં સોલા ભાગવત ચાર રસ્તા ઉપર બસની ડ્રાઈવર કેબિનમાં એન્જિન બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. 


આગ લાગવાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર ફાઈટરોની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application