પેરિસ ઓલિમ્પિક 2024: ભારતીય એથ્લેટ આજે તીરંદાજીમાં બતાવશે શાનદાર પ્રદર્શન, જાણો કોણ મેળવી શકે મેડલ?

  • July 25, 2024 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પેરિસ ઓલિમ્પિક્સ 2024 ની ઓપનિંગ સેરેમની 26 જુલાઈએ થવા જઈ રહી છે પરંતુ ઓલિમ્પિક્સ 2024માં ભારતનું અભિયાન 25 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. આજે એટલે કે 25મી જુલાઈના રોજ મહિલા અને પુરૂષોની વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડ યોજાવા જઈ રહી છે. જેમાં લંડન 2012 ઓલિમ્પિક બાદ પ્રથમ વખત ભારતીય તીરંદાજી ટીમ છ તીરંદાજો સાથે પુરી તાકાત સાથે પ્રવેશ કરવા જઈ રહી છે. જેમાંથી ત્રણ પુરુષ અને ત્રણ મહિલા તીરંદાજ છે. જેનું નેતૃત્વ તરુણદીપ રાય અને દીપિકા કુમારી કરશે.


કયા ભારતીય તીરંદાજો આજે તીરંદાજીમાં ભાગ લઈ રહ્યા છે?

આજે સમગ્ર ભારતીય તીરંદાજી ટીમ વિશ્વના તમામ લાયકાત ધરાવતા તીરંદાજો સાથે સ્પર્ધા કરવા જઈ રહી છે. પ્રથમ મેચ મહિલાઓની વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડની છે. 64 મહિલા તીરંદાજો એકબીજા સામે સ્પર્ધા કરશે. ભારતમાંથી ત્રણ મહિલા તીરંદાજો છે, જેમના નામ દીપિકા કુમારી, ભજન કૌર અને અંકિતા ભકત છે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1 વાગ્યે શરૂ થશે.


બીજી મેચ પુરુષોની વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડની છે. જેમાં 64 પુરૂષો એકબીજા સાથે સ્પર્ધા કરશે. ભારતના ત્રણ પુરુષ તીરંદાજ છે, જેમના નામ તરુણદીપ રાય, ધીરજ બોમ્માદેવરા અને પ્રવીણ જાધવ છે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 5.45 કલાકે શરૂ થશે.


ભારતીય તીરંદાજો માટે આજની મેચ કેમ મહત્વની?

આજનો રેન્કિંગ રાઉન્ડ ભારતીય તીરંદાજો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ રાઉન્ડ નક્કી કરશે કે ભારત વ્યક્તિગત અને ટીમ ઈવેન્ટમાં કયું સીડિંગ મેળવશે. ટોચની ચાર ટીમોને ક્વાર્ટર ફાઇનલમાં સીધું સ્થાન મળશે. જ્યારે આઠમાથી બારમા ક્રમે રહેલી ટીમો ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય થવા માટે એકબીજાનો સામનો કરશે. મિશ્ર ટીમ ઈવેન્ટ માટે પણ રેન્કિંગ રાઉન્ડ મહત્વપૂર્ણ છે, જેમાં માત્ર ટોચની 16 જોડી જ આગળ વધી શકશે.


આ ભારતીય તીરંદાજો પાસેથી ગોલ્ડ મેડલની આશા

દીપિકા કુમારી તેની કારકિર્દીની ચોથી ઓલિમ્પિક રમી રહી છે અને આ વખતે તે માતા બન્યા બાદ મેદાનમાં ઉતરી રહી છે. દીપિકા કુમારી પણ વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન રહી છે. તરુણદીપ રાય પણ તેની ચોથી ઓલિમ્પિક રમી રહ્યો છે. આ બંને તીરંદાજો પાસેથી મેડલની અપેક્ષાઓ છે. પ્રવીણ જાધવ બીજી વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યો છે, જ્યારે ધીરજ બોમ્માદેવદા, ભજન કૌર અને અંકિતા ભગત પ્રથમ વખત ઓલિમ્પિક સ્ટેજ શેર કરશે.


 મહિલાઓની વ્યક્તિગત ગોલ્ડ મેડલ મેચ 3 ઓગસ્ટના રોજ યોજાવાની છે. પુરુષોની વ્યક્તિગત ગોલ્ડ મેડલ મેચ 4 ઓગસ્ટે યોજાવાની છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News