આજે અમેરિકા-ઇઝરાયલ-ઈરાન સંઘર્ષનો પાંચમો દિવસ છે. અમેરિકાએ કરાચી અને લાહોરમાં તેના દૂતાવાસોમાં કામ કરતા બિન-આવશ્યક કર્મચારીઓ અને તેમના પરિવારોને પાકિસ્તાન છોડી દેવા કહ્યું છે.
કરાચીમાં યુએસ કોન્સ્યુલેટની બહાર થયેલા હિંસક વિરોધ પ્રદર્શન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રવિવારે થયેલા વિરોધ પ્રદર્શનમાં દસ લોકો માર્યા ગયા હતા અને 60 ઘાયલ થયા હતા. કેટલાક લોકોએ કોન્સ્યુલેટમાં પ્રવેશવાનો પ્રયાસ પણ કર્યો હતો. દેશભરમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં કુલ 24 લોકોએ જીવ ગુમાવ્યા છે.
દરમિયાન, યુએન માનવાધિકાર કાર્યાલયે ઈરાનમાં કન્યા શાળા પર થયેલા હુમલાની તપાસની માંગ કરી છે, જેમાં 150 વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા. જો કે, આ હુમલા માટે કોણ જવાબદાર છે તે જણાવ્યું નથી.
દક્ષિણ ઈરાનમાં આવેલી આ શાળા પર શનિવારે હુમલો કરવામાં આવ્યો હતો, જે દિવસે અમેરિકા અને ઈઝરાયલે ઈરાન સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ જણાવ્યું છે કે યુએસ સૈન્ય જાણી જોઈને શાળાઓને નિશાન બનાવતું નથી. ઇઝરાયલે કહ્યું છે કે તે આ ઘટનાની તપાસ કરી રહ્યું છે.