રાજકોટના રેસકોર્સ રીંગરોડ પર આવેલી સીજીએસટી કચેરીમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા અધિકારી અને તેના વચેટીયાને એસીબીએ રૂ. ૨૦ લાખની લાંચ લેતા ઝડપી લીધા હતાં. એસ.ટી બસ પોર્ટ પાસે વચેટીયો લાંચની રકમ લેવા આવતા જ અસીબીના છટકામાં સપડાઈ ગયો હતો. જીએસટી ન ભરવા અને ખોટા બિલ બનાવવા બાબતેની અરજીમાં પતાવટ માટે ૧.૧૫ લાખના પગારદાર એવા આ અધિકારીએ રૂ. ૨૫ લાખની લાંચ માંગી હતી. બાદમાં રૂ. ૨૦ લાખ આપવાનું નક્કી થયું હતું. સીજીએસટી કચેરીના સુપ્રિન્ટેન્ડને લાંચ લેતા ઝડપી લેવાતા કચેરીમાં સોપો પડી ગયો હતો. પોલીસે મોડી સાંજે ટ્રેપ કર્યા બાદ અધિકારીના ઘરની પણ જડતી લેવામાં આવી હતી. જાણવા મળતી વિગતો મુજબ, રેસકોર્સ રીંગ રોડ પર આવેલી સીજીએસટી કચેરીમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવનાર મુકેશ મનબોધ્ધ કુમાર (ઉ.વ.૪૩) અને તેના વચેટીયા ટેક્ષ કન્સલ્ટન્ટ આકાશ રમેશભાઈ કલોલીયા (ઉ.વ.૩૩)ને એસીબીએ મંગળવારે મોડી સાંજે રૂા.૨૦ લાખની લાંચ લેતા ઝડપી લીધા હતાં. સી-જીએસટી કચેરીમાં જીએસટી ન ભરવા અને ખોટા બીલ બનાવવા બાબતે ફરિયાદી વિરૂધ્ધ અરજી થઈ હતી. જે અરજીની પતાવટ કરવા અને મોટો કેસ નહીં કરવાના અવેજ પેટે સી-જીએસટી ડિવીઝન-૧ અને રેન્જ-૫નાં સુપ્રિટેન્ડન્ટ મુકેશ કુમારે આ.૨૫ લાખ જેવી માતબર રકમની લાંચ માગી હતી. રકઝકના અંતે આ.૨૦ લાખ લેવા તૈયાર વઈ ગયા હતા. તેણે લાંચની રકમ તેના વચેટિયા એવા આકાશ લોલીયાને આપી દેવા સુચના આપી હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. તે સાથે જ પી.આઈ. એ.એ. ખોખર અને પી.આઈ. પી.એ. દેકાવાડીયાએ ટ્રેપ ગોઠવી હતી. બાદમાં નક્કી થયા મુજબ આકાશ કલોલીયા ગઇકાલે મોડી સાંજે લાંચની રકમ લેવા એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળના ક્રિએટીવ કોમ્પલેક્ષ પાસે વ્હીલર લઈને આવ્યો હતો. ફરિયાદીએ તેને રૂા. ૨૦ લાખની રકમ આપતા જ ટ્રેપમાં ગોઠવાયેલા એસીબીના અધિકારીઓએ તેને રંગે હાથ ઝડપી લીધો હતો. ત્યાર પછી તૈયાર બેઠેલી એસીબીની ટીમ સીજીએસટી કચેરી ખાતે ધસી ગઈ હતી. તે વખતે કચેરીનો સમય પુરો થઈ જતા પોતાની ઓફિસમાંથી બહાર નીકળી ફુટપાવ પર પહોંચેલા મુકેશ કુમારને પણ ઝડપી લીધો હતો કલાસ વન અધિકારી મુકેશ કુમાર મૂળ ઝારખંડના વતની છે. હાલ રૈયા રોડ પર ભાડાના મકાનમાં રહે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે લાચ લેતા ઝડપાયેલા સીજીએસટીના આ કર્મચારીનો પગાર અંદાજિત ૧.૧૫ લાખ છે. નિયમ મુજબ એસીબીની ટીમે તેના મકાનની ઝડતી-તપાસ કરી હતી.આ કામગીરીમાં એસીબી રાજકોટ એકમના ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા, મદદનીશ નિયામક જે.ડી.મેવાડાના સુપરવિઝનમાં પીઆઈ એ.એ.ખોખર અને પી. એ. દેકાવાડીયા તથા ટીમ સાથે રહી હતી......