પશ્ચિમી સૈન્યના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ મનોજ કુમાર કટિયારે શનિવારે ચેતવણી આપી હતી કે પાકિસ્તાન ફરી એકવાર પહેલગામ જેવા આતંકવાદી હુમલાનું આયોજન કરી શકે છે. કારણ કે તેની પાસે ભારત સાથે સીધા યુદ્ધમાં જોડાવાની ક્ષમતા અને હિંમતનો અભાવ છે. જમ્મુમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. તેમણે કહ્યું, અમે તેની ચોકીઓ અને હવાઈ મથકોનો નાશ કર્યો. પરંતુ આપણે સતર્ક રહેવું પડશે કારણ કે તે ફરીથી કંઈક કરવાનો પ્રયાસ કરી શકે છે.
જનરલ કટિયારે સ્પષ્ટપણે કહ્યું કે જો પાકિસ્તાન કોઈ પગલું ભરશે તો ભારતનો બદલો વધુ ઘાતક હશે. તેમણે કહ્યું, જો તેઓ કંઈ કરશે, તો અમારો જવાબ પહેલા કરતા પણ વધુ ઘાતક હશે. તેમાં કોઈ શંકા નથી. અમે સંપૂર્ણપણે તૈયાર છીએ અને મને વિશ્વાસ છે કે આગામી કાર્યવાહી વધુ નિર્ણાયક હશે.
ભૂતપૂર્વ સૈનિકોને સંબોધતા તેમણે કહ્યું કે પાકિસ્તાન તેની દુર્ભાવનાપૂર્ણ નીતિઓથી પાછળ નહીં હટે કારણ કે તેની પાસે ભારતનો સીધો સામનો કરવાની ક્ષમતા કે હિંમતનો અભાવ છે. તેમણે કહ્યું, ભારતીય સેના સંપૂર્ણપણે તૈયાર છે અને તેને લોકોનો સંપૂર્ણ ટેકો છે. આ જ કારણ છે કે અમે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને કારમી હાર આપવામાં સફળ રહ્યા.
૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૫ પ્રવાસીઓ અને એક સ્થાનિક વ્યક્તિનું મોત થયા બાદ ભારતે સાત મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી માળખાને તોડી પાડવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ કાર્યવાહીથી સરહદ પર તણાવ વધ્યો, અને પાકિસ્તાની ગોળીબારમાં જમ્મુ અને કાશ્મીરના સરહદી વિસ્તારોમાં ઘણા નાગરિકો માર્યા ગયા.