પીવી સિંધુ પહોંચી પેરિસ ઓલિમ્પિક્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં, એસ્ટોનિયન ખેલાડીને હરાવી બસ આટલી મિનિટોમાં

  • July 31, 2024 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ આજે (31 જુલાઈ) પેરિસ ઓલિમ્પિક્સમાં કૂઉબા ક્રિસ્ટિન સામે મેદાનમાં ઉતરી હતી. આ મેચમાં પીવી સિંધુએ એસ્ટોનિયાની ક્રિસ્ટિનને હરાવી હતી.


આ રીતે ભારતની સ્ટાર શટલર પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. 29 વર્ષની સિંધુએ ક્રિસ્ટિન કુઉબાને 21-5, 21-10થી હરાવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેણે આ મેચ 34 મિનિટમાં જીતી લીધી હતી.


ગ્રૂપ સ્ટેજમાં 2 માંથી 2 જીત સાથે, પ્રી-ક્વાર્ટર ફાઈનલ માટે થઈ ક્વોલિફાય

અગાઉ ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકમાં તેના અભિયાનની મજબૂત શરૂઆત કરી હતી. સિંધુએ 28 જુલાઈના રોજ મહિલા સિંગલ્સના ગ્રુપ-Mમાં તેની પ્રથમ મેચમાં માલદીવની ફાતિમા નબાહા અબ્દુલ રઝાકને સરળતાથી હરાવી હતી. સિંધુએ આ મેચ વિશ્વની 111 નંબરની ખેલાડી સામે 21-9, 21-6થી જીતી હતી. તે સમયે આ મેચ માત્ર 29 મિનિટ ચાલી હતી.


પીવી સિંધુ ફટકારી શકે છે હેટ્રિક

સિંધુએ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અને ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો તે પેરિસ ઓલિમ્પિકમાં પોડિયમ સુધી પહોંચવામાં સફળ થાય છે, તો તે મેડલની હેટ્રિક પુરી કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની જશે.


સિંધુને આ શટલરોથી કરવો પડશે સામનો

સિંધુનો પ્રથમ મોટો પડકાર રાઉન્ડ ઓફ 16માં આવશે. જ્યારે તેનો સામનો ચીનની હી બિંગજિયાઓ સાથે થશે. જે ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ મેચમાં તેની પ્રતિસ્પર્ધી છે. બિંગજિયાઓને તે મેચમાં સિંધુએ આસાનીથી 21-13, 21-15થી હરાવી હતી. જો કે  બિંગજિયાઓએ 2022 એશિયન ગેમ્સમાં સિંધુ સામેની તેની અગાઉની મેચ જીતી હતી. હેડ ટુ હેડની વાત કરીએ તો સિંધુ સામે બિંગજિયાઓનો રેકોર્ડ 11-9નો છે. જો સિંધુ બિંગજિયાઓને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચે છે. તો તેની સામે ચીનની ખેલાડી ચેન યુફેઈ (જો કોઈ મોટો ફેરફાર ન હોય તો) હશે.


ભારતીય સુપરસ્ટાર ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીનના કોઈપણ શટલર સામે કોઈ મેચ હારી નથી  પરંતુ યુફેઈ શાનદાર ફોર્મમાં છે. વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયને આ મહિનાની શરૂઆતમાં ઇન્ડોનેશિયા ઓપન જીતી હતી અને ફાઇનલમાં વિશ્વની નંબર 1 એન સેઉંગને હરાવી હતી.


સિંધુ અને યુફેએ અત્યાર સુધી એકબીજા સામે 6-6 મેચ જીતી છે. સેમિફાઇનલમાં સિંધુનો સામનો સ્પેનિશ અનુભવી કેરોલિના મારિન સામે થઈ શકે છે. જે હંમેશા તેની સૌથી મોટી હરીફ રહી છે. મારિન સામે સિંધુનો રેકોર્ડ સારો નથી. જેમાં તે 5-12થી પાછળ છે. આ જ મારિને 2016 ઓલિમ્પિકની ફાઇનલમાં સિંધુને હરાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application