કાઝીરંગામાં પીએમ મોદીની ગજ સવારી : વહેલી સવારે કરી જંગલ સફારી

  • March 09, 2024 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

'સેન્ટ્રલ કોહોરા રેન્જ'ના મિહિમુખ વિસ્તારમાં વડાપ્રધાને કરી સૈર : જોરહાટમાં ૧૨૫ ફૂટ ઉંચા 'સ્ટેચ્યુ ઓફ બ્રેવરી'નું કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨ દિવસ માટે આસામ પ્રવાસે છે. અહીં આજે વહેલી સવારે પીએમ મોદી કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા અને હાથી પર સવારી કરી. વડાપ્રધાન કાઝીરંગા નેશનલ પાર્કમાં સેન્ટ્રલ કોહોરા રેન્જ પાસે આવેલા પોલીસ ગેસ્ટ હાઉસમાં રોકાયા છે. વહેલી સવારે જ તેઓ જંગલ સફારી પહોચ્યા જ્યાં પીએમ માટે હાથી અને જીપ બંનેમાં સવારી કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પીએમ મોદીએ હાથી પર બેસીને જંગલનો પ્રવાસ કરવાનું પસંદ કર્યું.

થોડીવાર હાથી પર સવારી કર્યા બાદ પીએમ જીપમાં બેસી જંગલની અંદર પણ ગયા હતા. પીએમ અહીં લગભગ બે કલાક રોકાયા હતા. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, આસામી તાજના રત્ન એવા ગેંડા માટે સૌથી મોટું નિવાસસ્થાન છે. આ પાર્કમાં પક્ષીઓની ૬૦૦ થી વધુ પ્રજાતિઓ, ડોલ્ફિનની સમૃદ્ધ વસ્તી ઉપરાંત વિશ્વમાં વાઘની સૌથી વધુ વસ્તી ગીચતા જોવા છે. યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) દ્વારા જાહેર કરાયેલ વર્લ્ડ હેરિટેજ સાઈટની પીએમ મોદીની આ પ્રથમ મુલાકાત છે.

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પહેલા પાર્કની 'સેન્ટ્રલ કોહોરા રેન્જ'ના મિહિમુખ વિસ્તારમાં હાથીની સવારી કરી અને પછી તે જ રેન્જની અંદર જીપ સફારી કરી. પીએમ મોદીની સાથે બાગાયતના ડાયરેક્ટર સોનાલી ઘોષ અને અન્ય વરિષ્ઠ વન અધિકારીઓ પણ હતા. વડાપ્રધાન રાજ્યની બે દિવસીય મુલાકાતે ગતરોજ સાંજે જ કાઝીરંગા પહોંચ્યા હતા. આ બાદ તેમણે જોરહાટ પરત ફરી અને અહોમ કમાન્ડર લચિત બોરફુકનની ૧૨૫ ફૂટ ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ બ્રેવરી'નું ઉદ્ઘાટન કર્યું હતું. આજે વડાપ્રધાન આસામ માટે આશરે રૂ. 18,000 કરોડના કેન્દ્ર અને રાજ્યના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરે તેવું આયોજન કરાયું છે.

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, 2200 થી વધુ ભારતીય એક શિંગડાવાળા ગેંડાઓનું ઘર છે, જે તેમની વિશ્વની કુલ વસ્તીના લગભગ 2/3 છે. મેરી કર્ઝનની ભલામણ પર 1908 માં આ રાષ્ટ્રીય ઉદ્યાન બાંધવામાં આવ્યું હતું, આ પાર્ક પૂર્વીય હિમાલયન જૈવવિવિધતાના હોટસ્પોટ સમાન છે. વર્ષ 1985માં આ રાષ્ટ્રીય ઉદ્યાનને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application