હૈદરાબાદ હાઉસ ખાતે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથેની મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારત તટસ્થ નથી પરંતુ શાંતિના પક્ષમાં છે. પીએમ મોદીએ કહ્યું કે વિશ્વને ફરી એકવાર શાંતિની જરૂર છે. ભારત શાંતિ માટેના દરેક પ્રયાસને સમર્થન આપે છે. પુતિને યુક્રેનમાં શાંતિ માટેના પ્રયાસો બદલ પીએમ મોદીનો આભાર માન્યો. તેમણે કહ્યું કે રશિયા પણ શાંતિને સમર્થન આપે છે. આજે ભારત અને રશિયા વચ્ચે 25 થી વધુ કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.
પુતિને ભારતની મુલાકાત લેવાના આમંત્રણ બદલ મોદીનો આભાર માન્યો. તેમણે કહ્યું, અમે યુનાઇટેડ સ્ટેટ્સ સહિત કેટલાક ભાગીદારો સાથે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન પર વિચાર કરી રહ્યા છીએ. આ પરિસ્થિતિનો ઉકેલ શોધવામાં તમારી મદદ બદલ આભાર.
મોદીએ રાષ્ટ્રપતિ પુતિનની મુલાકાતને ઐતિહાસિક ગણાવી. તેમણે કહ્યું કે આ ભારત-રશિયા શિખર સંમેલન ઘણા મોટા પરિણામો આપી રહ્યું છે. મોદીએ કહ્યું કે પુતિન પહેલી વાર ૨૦૦૦ માં ભારત આવ્યા હતા. તે મુલાકાત દરમિયાન, બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીનો મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું, હું પુતિનને છેલ્લા ૨૫ વર્ષથી જાણું છું. ભારત-રશિયા મિત્રતા એનું ઉદાહરણ છે કે કેવી રીતે એક સ્વપ્નદ્રષ્ટા નેતા સંબંધોને બદલી શકે છે. મોદીએ પુતિનની પ્રશંસા કરતા કહ્યું કે તેમના દ્રષ્ટિકોણ અને નેતૃત્વએ ભારત-રશિયા સંબંધોને વધુ મજબૂત અને વધુ વિશ્વાસપાત્ર બનાવ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે વિશ્વને ફરીથી શાંતિની જરૂર છે. ભારત શાંતિ માટેના દરેક પ્રયાસને સમર્થન આપે છે. ભારત-રશિયા સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે અને ભવિષ્યમાં નવી ઊંચાઈએ પહોંચશે.
પુતિનનું રાષ્ટ્રપતિ ભવનમાં 21 તોપોની સલામી સાથે સ્વાગત
ભારતની મુલાકાતે આવેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં 21 તોપોની સલામી સાથે સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ત્યારબાદ પુતિને રાજઘાટની મુલાકાત લીધી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.
ભારત-રશિયાની મિત્રતા ફક્ત નામની જ નથી: પુતિન
પુતિને યુક્રેન શાંતિ પહેલ પર ધ્યાન આપવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો. રશિયન રાષ્ટ્રપતિએ મોદીને કહ્યું, "બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જૂના અને ઊંડા છે. આ ફક્ત શબ્દો નથી; તેમની પાછળ ખૂબ જ મજબૂત અને વાસ્તવિક પાયો છે. ભારત-રશિયા મિત્રતા ફક્ત નામની નથી, તે પરસ્પર વિશ્વાસ પર આધારિત છે.
વૈશ્વિક પડકારોનો ટૂંક સમયમાં ઉકેલ આવશે: મોદી
પુતિન સાથેની તેમની મુલાકાતમાં, વડા પ્રધાન મોદીએ કહ્યું કે વિશ્વએ કોવિડ-19થી આજ સુધી ઘણા સંકટનો સામનો કર્યો છે. તેમણે આશા વ્યક્ત કરી કે વૈશ્વિક પડકારો ટૂંક સમયમાં દૂર થશે. મોદીએ કહ્યું, મને વિશ્વાસ છે કે આજે આપણે ઘણા મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરીશું.