વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યામાં રામમંદિર પર ધર્મધ્વજા ચડાવવાની સાથે જ મંદિરનું નિર્માણકાર્ય સંપૂર્ણપણે સંપન્ન થયું છે. ગયા વર્ષે લોકસભાની ચૂંટણી પૂર્વે જાન્યુઆરી મહિનામાં અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો, હવે આ રામ મંદિરનું નિર્માણકાર્ય સંપૂર્ણરીતે પૂર્ણ થઇ ગયું છે તેથી ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠાની જેમ ધ્વજારોહણ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બપોરે અભિજિત મુહુર્તમાં કરાયું હતું . ધ્વજારોહણ નિમિત્તે અયોધ્યાને શણગારવામાં આવી છે સાથે જ આશરે સાત હજાર જેટલા સુરક્ષા જવાનો પણ તૈનાત કરાયા છે જેમાં કમાન્ડોનો પણ સમાવેશ થાય છે. ધ્વજાના દર્શન કરતી વખતે પીએમ મોદી ભાવુક જોવા મળ્યા હતા.
મંગળવારે અયોધ્યામાં રામ મંદિરના ધ્વજારોહણ કાર્યક્રમ માટે આશરે ૬ હજાર જેટલા લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેમાં ટોચના નેતાઓ, સાધુ સંતોથી લઇને અનેક સેલિબ્રિટીઓ, બિઝનેસમેન વગેરેનો સમાવેશ થાય છે.
આ પહેલા સોમવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યા જઇને ધ્વજારોહણના સમારોહની તૈયારીઓની માહિતી મેળવી હતી. આ અનુષ્ઠાનને અયોધ્યા, કાશી અને દક્ષિણ ભારતના વૈદિક આચાર્યો સંપન્ન કરાવશે. કાશીના જાણીતા ગણેશ્વર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ અયોધ્યા, કાશી, દક્ષિણ ભારતના ૧૦૮ આચાર્યો દ્વારા આ અનુષ્ઠાન પૂર્ણ કરવામાં આવશે. સમારોહ દરમિયાન સૂર્યના નિશાનવાળી ભગવા રંગની ધજા લહેરાવવામાં આવશે.
ધર્મ ધ્વજની ખાસિયતો
રામ મંદિરના શિખર પર શોભવા જઈ રહેલા ધ્વજનું નામ ‘ધર્મ ધ્વજ’ છે. તેના ઉપર સૂર્યની આકૃતિ હોવાથી તે 'સૂર્ય ધ્વજ' તરીકે પણ ઓળખાઈ રહ્યો છે. આ ધ્વજ હવામાનના પ્રતિકૂળ પરિબળો જેવા કે તીવ્ર તાપ, ભારે વરસાદ અને 60 કિ.મી. પ્રતિ કલાક જેટલી તીવ્ર ગતિના પવનો સામે ટકી રહે એટલો મજબૂત છે.
ધર્મ ધ્વજની લંબાઈ- 22 ફૂટ
પહોળાઈ- 11 ફૂટ
વજન- 2.5 કિલો
રંગ- કેસરી
ધ્વજ પર અંકિત પ્રતીકો- ચક્ર, સૂર્ય, ૐ, કોવિદાર વૃક્ષ
મટીરિયલ- નાયલોન અને રેશમના મિશ્રણથી બનેલું પોલિમર ફેબ્રિક
આયુષ્ય- ત્રણ વર્ષ (દર ત્રણ વર્ષે નવા ધ્વજનું આરોહણ કરાશે)
ધ્વજદંડ અમદાવાદમાં બનાવાયો છે
આ ધ્વજ જે થાંભલા પર લહેરાઈ રહ્યો છે તે સ્ટીલનો બનેલો છે. તેનું વજન સાડા પાંચ ટન (5500 કિલોગ્રામ) જેટલું છે. 44 ફૂટ ઊંચો આ થાંભલો અમદાવાદના કારીગરોએ તૈયાર કર્યો છે. થાંભલાની ઊંચાઈને ધ્યાનમાં લેતા ધ્વજ જમીનથી લગભગ 205 ફૂટની ઊંચાઈએ ફરકી રહી છે.
રામમંદિર માટે આ વસ્તુઓ અમદાવાદમાં બનાવાઈ
મુખ્ય મંદિર તથા આસપાસના 6 મંદિરના ધ્વજ દંડ
મંદિર ઉપર લાગતાં કડા
મંદિરના દરવાજાના હાર્ડવેર
મંદિર માટેની દાનપેટી
ભગવાનના આભૂષણ મૂકવા માટે બ્રાસનું કબાટ
ધ્વજા પરના પ્રતીકોનું આધ્યાત્મિક અર્થઘટન
આ ધ્વજ એક ગહન આધ્યાત્મિક સંદેશવાહક છે. તેના પર અંકિત દરેક પ્રતીકનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ છે. ધ્વજનો કેસરી રંગ ત્યાગ, પવિત્રતા અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક મનાય છે. ધ્વજના મધ્યભાગમાં અંકિત ચક્ર ધર્મ અને ન્યાયની ગતિશીલતાનું પ્રતિનિધિત્વ કરે છે. ચક્ર સાથે સૂર્યવંશનું પ્રતિનિધિત્વ કરતો સૂર્ય, સર્વવ્યાપી પરમાત્માનું ચિહ્ન 'ૐ' અને વાલ્મીકિ રામાયણમાં વર્ણવેલ પવિત્ર કોવિદાર (બકુલ) વૃક્ષનું પ્રતીક પણ શોભાયમાન છે. આ બધાં પ્રતીકો ભગવાન રામના જીવન, મૂલ્યો અને સિદ્ધાંતો સાથે ગહન રીતે જોડાયેલા છે. તેથી આ ધ્વજની સંપૂર્ણ ડિઝાઇન વેદિક સાહિત્ય પર આધારિત છે.
ધ્વજની સ્થાપના માટે યાંત્રિક વ્યવસ્થા
રામમંદિરના શિખર પર ધ્વજને ફરકાવવા માટે વપરાતું દોરડું અત્યંત મજબૂત અને ભારે છે, તેથી તેને માનવબળ વડે ખેંચવું કઠિન અને જોખમભર્યું છે. આ પડકારના નિરાકરણ માટે વિશેષ રીતે ડિઝાઇન કરાયેલી યાંત્રિક સિસ્ટમ ગોઠવાઈ છે. આ સિસ્ટમમાં દોરડાને બે બાજુ સંતુલિત રાખવા અને સરળતાથી ખેંચવા અને ઢીલ આપવા વિશિષ્ટ મશીનો લગાવાયા છે.
ભારતીય સેનાનો સહયોગ લેવાશે
આ ઐતિહાસિક ઘટનાની તૈયારી અત્યંત સચોટ અને વ્યવસ્થિત રીતે થઈ રહી છે. ધ્વજના વિશાળ આકાર, ઊંચાઈ અને સંવેદનશીલ પ્રકૃતિને લીધે તેને ખૂબ કાળજીપૂર્વક ફરકાવવું પડે એમ હોવાથી આ કામ ભારતીય સેનાને સોંપાયું છે. સેનાના જવાનો ધ્વજ ફરકાવવાની સમગ્ર પ્રક્રિયાના વ્યાપક રિહર્સલ પણ કર્યું હતું, જેથી સમારોહના દિવસે બધું નિર્વિઘ્ને પૂર્ણ થઈ શકે. સેનાના અધિકારીઓએ ધ્વજના વજન અને યાંત્રિક પદ્ધતિમાં સુધારા માટે પણ મહત્ત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. શરુઆતમાં ધ્વજનું વજન 11 કિલોગ્રામ રાખવાનો પ્રસ્તાવ હતો, પરંતુ સેનાના સૂચન પર તેને હળવો બનાવાયો હતો, જેથી દોરડા પરનું દબાણ ઘટે.