BREAKING NEWS

જામનગર : કાલથી પીજીવીસીએલની મેગાડ્રાઇવ, સરકારી કચેરીઓના ૫.૭૮ કરોડ બાકી, વીજજોડાણ કપાશે.?

  • February 24, 2026 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર સહીત સૌરાષ્ટ્રમાં પશ્ર્ચિમ ગુજરાત વીજકંપની દ્રારા બે બીલથી વધુ ચડત બાકીદારોના વીજ કનેકશન કાપવા બુધવારથી મેગા ડીસકનેકશન ડ્રાઇવ હાથ ધરવામાં આવશે. હાલારમાં ૬૬૯૨૧ ગ્રાહકોના વીજબીલના રૂ.૨૩.૯૨ કરોડ  બાકી છે. ત્યારે જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં સરકારી કચેરીઓના રૂ.૫.૭૮ કરોડ વીજબીલના બાકી છે. આથી ગ્રાહકોની સાથે સરકારી કચેરીના વીજજોડાણ કપાશે કે કેમ તે સળગતો સવાલ ઉઠ્યો છે. વીજબીલ ન ભરનાર ગ્રાહકો સામે દંડાત્મક કાર્યવાહી કરનાર વીજકંપની સરકારી કચેરીઓ સામે લાલઆંખ કરશે કે પછી ઇરાદાપૂર્વક આંખ આડા કાન કરી છાવરશે તેના પર સૌની મીટ મંડાઇ છે.


જામનગર સહીત સૌરાષ્ટ્રમાં બાકી વીજબીલનો આંકડો કરોડોએ પહોંચ્યો છે. આથી પીજીવીસીએલ દ્રારા બાકીદારો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો છે. જે અંતર્ગત પીજીવીસીએલ દ્રારા સપ્તાહ પૂર્વે બે વીજબીલથી વધુ ચડત બાકીદારોના વીજકનેકશન કાપવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું. જામનગર સર્કલ હેઠળ આવતા જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં ૬૬૯૨૧ ગ્રાહકોના વીજબીલના કુલ રૂ.૨૩૯૨.૨૦ લાખ બાકી હોવાનું વીજકં૫નીના ચોપડે નોંધાયું છે. ત્યારે વીજબીલ ન ભરનાર ગ્રાહકોના વીજ જોડાણ કાપવા માટે જામનગર સહીત સૌરાષ્ટ્રમાં બુધવારથી વીજકંપની દ્રારા મેગા ડીસકનેકશન ડ્રાઇવ શરૂ કરવામાં આવશે. પરંતુ બીજી બાજુ તા.૩૧-૧-૨૦૨૬ની સ્થિતિએ બંને જિલ્લાની નગરપાલીકાઓના કુલ ૨૨૨ વીજકનેકશનના કુલ રૂ.૫૪૪.૬૨ લાખ બાકી છે.જયારે અન્ય સરકારી કચેરીઓના ૪૦૩ વીજજોડાણના રૂ.૩૩.૬૯ લાખ બાકી બોલી રહ્યા છે. ત્યારે સૌથી સળગતો સવાલ એ છે કે, અન્ય ગ્રાહકોની જેમ મેગા ડીસકનેકશન ડ્રાઇવ અંતર્ગત જે સરકારી કચેરીઓના વીજબીલની રકમ બાકી છે તેના વીજ જોડાણ કાપવામાં આવશે કે કેમ? તે જોવાનું રહ્યું. 


કારણ કે, સામાન્ય ગ્રાહકોની જેમ ઘણી સરકારી કચેરીઓ લાંબા સમયથી વીજ બીલ ભરતી નથી. આથી વીજબીલના બાકી લેણાંનો આંક દીન-પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે સામાન્ય ગ્રાહકોની જેમ શા માટે સરકારી કચેરીઓ સામે વીજબીલના બાકી નાણાં સબબ લાલઆંખ કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી નથી. આટલું જ નહીં મેગા ડીસકનેકશન ડ્રાઇવ અંતર્ગત જે ગ્રાહકોના વીજજોડાણ કાપવામાં આવશે તે ગ્રાહકોએ જોડાણ કપાયા બાદ વીજબીલની બાકી ૧૦૦ ટકા રકમ ભરવી પડશે અને રી-કનેકશન ચાર્જ પણ ભરવો પડશે. ત્યારબાદ તેનું વીજજોડાણ પૂર્વવત થશે. તો શું આ નિયમ વીજબીલ ન ભરનાર સરકારી કચેરીઓને લાગુ પડશે કે કેમ  કે પછી વીજબીલ ન ભરનાર સરકારી કચેરી પ્રત્યે આંખ આડા કાન કરી છાવરવામાં આવશે તેના પર સૌની મીટ મંડાઇ છે.


 વીજબીલના બાકી નાણાંની વસૂલાત માટે મેગા ડીસકનેકશન ડ્રાઇવ આવકારદાયક છે. આટલું જ નહીં આ કાર્યવાહીમાં સામાન્ય વીજ ગ્રાહકોની જેમ વીજ બીલ ભરવામાં ડાંડાઇ કરતી સરકારી કચેરીઓ સામે પણ પગલાં જરૂરી છે. પરંતુ પીજીવીસીએલ દ્રારા સરકારી કચેરીઓ પર શા માટે રહેમ દ્રષ્ટિ રાખવામાં આવે છે તે સમજાતું નથી. 

વીજચોરી ઘટવાનું નામ લેતી નથી, સૌરાષ્ટ્રમાં વીજલોસમાં જામનગર મોખરે

જામનગરમાં વીજકંપની દ્રારા છાશવારે સ્થાનિક તેમજ કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવે છે. આટલું જ નહીં આટલી ટીમ દ્રારા આટલા વીજકનેકશનો ચેક કરી લાખોની વીજચોરી પકડવામાં આવી છે તેના આંકડા જાહેર કરી કામગીરી બતાવી પ્રસિઘ્ધિ મેળવવામાં આવે છે. પરંતુ વીજચોરી પકડાયા બાદ કેટલા ગ્રાહકોએ કેટલા નાણાં ભર્યા, રીકવરી કેટલી થઇ તેના કોઇ આંકડા જાહેર કરવામાં આવતા નથી. જેના કારણે વીજચેકીંગની કામગીરી સતત શંકાના દાયરામાં અને સવાલોના ઘેરામાં રહે છે. આટલું જ નહીં બંને જિલ્લામાં છાશવારે ચેકીંગ ડ્રાઇવ કરવામાં આવતી હોવા છતાં વીજચોરી ઘટવાનું નામ લેતી નથી.


જેના કારણે સૌરાષ્ટ્રમાં વીજલોસમાં જામનગર મોખરે રહેતા શહેરની આબરૂનું ધોવાણ થઇ રહ્યું છે. આટલું જ નહીં આજની તારીખે પણ શહેરના અમુક ચોકકસ વિસ્તારો એવા છે કે જેમાં મોટાપાયે વીજચોરી થતી હોવાની ફરિયાદો છાશવારે ઉઠે છે. આમ છતાં આ વિસ્તારોમાં યોગ્ય રીતે વીજચેકીંગ શા માટે કરવામાં આવતું નથી તે પણ એક યક્ષ પ્રશ્ર છે. તદઉપરાંત વીજચોરીની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે માટે શા માટે ફુલપ્રુફ આયોજન કરવામાં આવતું નથી  અને વીજચેકીંગ કાર્યવાહીમાં મસમોટો ખર્ચ થાય છે તેની સામે જે વીજચોરી પડકાઇ છે તેમાં આ ખર્ચ જેટલી વસૂલાત થાય છે કે તે પણ એક તપાસનો વિષય છે. 


હાલારની સરકારી કચેરીની વીજબીલની બાકી રકમ(તા.૩૧-૧-૨૦૨૬ની સ્થિતિ,)
કચેરીનું નામ    જોડાણ     રૂપિયા(લાખમાં)
કાલાવડ નગરપાલીકા    ૩૮    ૧૧.૬૧
સીકકા નગરપાલીકા    ૩૧    ૯૩.૩૨
ખંભાળીયા નગરપાલીકા    ૪૨    ૧૭૯.૩૮
સલાયા નગરપાલીકા    ૧૪    ૬૩.૬૩
ઓખા નગરપાલીકા    ૪૮    ૭૫.૩૩
જામરાવલ નગરપાલીકા    ૧૯    ૩૦.૬૪
ભાણવડ નગરપાલીકા    ૩૦    ૯૦.૪૧
આર એન્ડ બી કચેરી    ૪૧    ૮.૯૨
પીડબલ્યુડી    ૩૭    ૭.૨૬
હોસ્પિટલ    ૮૭    ૪.૭૭
સેવાસદન    ૯    ૪.૨૬
વનવિભાગ     ૪૭    ૩.૩૬
જામનગર મહાપાલીકા    ૧૨૫    ૨.૩૦
જીઆઇડીસી    ૨૨    ૧.૭૬
પંચાયત    ૩૫    ૧.૦૬




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application