યુવતીના મોતમાં PGVCL-RMCનું છલકછલાણું?

  • July 19, 2024 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના નાનામવા રોડ પર હરિદ્વાર હાઈટ્સમાં રહેતી આશાસ્પદ યુવતી નિરાલી વિનોદભાઈ કાકડીયા (ઉ.વ.22)એ બે દિવસ પહેલા વીજ કરંટથી જીવ ગુમાવ્યાની ઘટનામાં જવાબદાર કોણ? તે માટે પોલીસ પણ ધંધે લાગી છે. જાહેર માર્ગ પર પગ મુકતા વીજ કરંટ લાગ્યો હતો. જેથી પીજીવીસીએલ જવાબદાર? જ્યાં કરંટ લાગ્યો તે વીજપોલ રોશની વિભાગનો હતો મહાપાલિકાના રોશની વિભાગની બેદરકારી કે પછી વીજ પોલ પર કિયોસ્કબોર્ડ લગાવનાર એડ એજન્સીની ખામી? આ ત્રણમાંથી જવાબદારી કોની તે હજુ ફીક્સ થયું નથી અને પીજીવીસીએલ તથા આરએમસી વચ્ચે આ યુવતીના મોતના મામલે છલકછલાણા જેવો ઘાટ ઘડાઈ રહ્યો હોય તેવું ચિત્ર છે.
આ યુવતી પોતાનું ટુ વ્હીલર લઈને ઘર તરફ આવી રહી હતી ત્યારે સત્યસાંઈ રોડ ઉપર વરસાદના કારણે પાણી ભરાયેલા હતા અને ટ્રાફિક હોવાથી યુવતીએ ડીવાઈડર પાસે પોતાનું ટુ વ્હીલર ઉભું રાખી પગ ડીવાઈડરની પાળી પાસે મુકતા જ વીજ આંચકો લાગ્યો હતો અને બેશુદ્ધ બની ગઈ હતી. ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા તબીબોએ મૃત જાહેર કરી હતી. બુધવારની આ ઘટનામાં હાલ તો યુવતી ગુમાવનાર પટેલ પરિવાર પર આભ ફાટી પડ્યું છે. જાહેર માર્ગ પર વીજ પોલ પાસે કરંટ લાગ્યો હોવાથી પાણીમાં તાર તૂટેલો હોય અથવા અર્થિંગ હોવાને કારણે યુવતીને વીજ આંચકો લાગ્યો અને આ ઘટના બની તેવું તાલુકા પોલીસનું પ્રાથમિક તારણ છે. વીજ પોલ પર વીજકનેકશન પીજીવીસીએલનું હોય છે, મહાપાલિકા દ્વારા આવક ઉભી કરવા માટે માર્ગ વચ્ચે ડીવાઈડરના પોલ પર કિયોસ્કબોર્ડ લગાવવાના ખાનગી એડ કંપ્નીને કોન્ટ્રાક્ટ અપાયેલા હોય છે અને વીજપોલ પર લાગેલા જાહેરાતના કિયોસ્કબોર્ડમાં રાત્રિના લાઈટીંગ માટે કનેકશન પોલમાંથી આપેલા હોય છે અને તે વાયર ડીવાઈડરની વચ્ચે ખુલ્લ ા જ પડેલા હોય છે.
તાલુકા પોલીસે આ ઘટનામાં જવાબદારી કોની તે અંગે પીજીવીસીએલ, મહાપાલિકાની રોશની શાખાને લેખીતમાં જવાબ માગ્યો છે. જાણવા મળ્યા મુજબ, પીજીવીસીએલ તંત્ર દ્વારા જ્યારે આ બનાવ બન્યો ત્યારે વીજપુરવઠો ચાલુ હતો કે બંધ? તેમજ મહાપાલિકાની રોશની શાખાએ કિયોસ્ક બોર્ડના આપેલા કોન્ટ્રાકટ્માં એડ એજન્સી સાથે કરેલા કરારો અને વીજ જોડાણ કનેકશનની સલામતીના શું નિયમો હતા? સહિતની વિગતો પોલીસે માંગી છે. મૃતક યુવતીના પરિવારજનો દ્વારા જે કોઈ તંત્ર જવાબદાર હોય તેની સામે ગુનો નોંધવા પણ માંગણી કરાઈ છે.
સમગ્ર ઘટનામાં પીજીવીસીએલ અને આરએમસીની રોશની શાખા દ્વારા હાથ ઉંચા કરી દેવાનો રસ્તો અપ્નાવાઈ રહ્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે. ખરેખર આ બન્ને તંત્રની બે જવાબદારી ન હોય તો કિયોસ્ક બોર્ડના કોન્ટ્રાક્ટ રાખનાર એડ એજન્સીની ખામીના કારણે બનાવ બન્યો હતો કે કેમ? અત્યારે આ ત્રણેય વચ્ચે જવાબદારી ફીક્સ કોની કરવી? તે માટે પોલીસ ઓન પેપર વિગતો મેળવવા માટે કાર્યવાહી કરી રહી છે. આ બનાવની તપાસ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ખેર ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application