સુરતમાં 2017માં જૈન મુનિ શાંતિસાગરે શ્રાવિકા પર ગુજારેલા પાશવી બળાત્કારના ચકચારી કેસમાં કોર્ટ આજે સજા સંભળાવશે. ગઈકાલે કોર્ટે આરોપી શાંતિસાગરને દોષિત ઠેરવ્યા હતા. સુરતના નાનપુરા સ્થિત ટીમલિયાવડ ખાતે આવેલા મહાવીર દિગંબર જૈન મંદિર ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે બોલાવી તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે અઠવા પોલીસમાં ગુનો નોંધાયા બાદ જૈન મુનિની ધરપકડ કરવામાં આવી હતી.
હાઇકોર્ટમાં જામીન અરજી નામંજૂર થયા બાદ આ કેસની ટ્રાયલ શરૂ થઈ હતી
આ કેસની વિગત એવી છે કે, ટીમલિયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં આવેલા એક રૂમમાં ધાર્મિક વિધિના બહાને વડોદરાની યુવતીને બોલાવવામાં આવી હતી અને જૈન મુનિ એવા આરોપી શાંતિસાગરે તેના પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગેની ફરિયાદ યુવતીએ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં નોંધાવતાં આરોપી શાંતિસગારની ધરપકડ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાં જામીન અરજી નામંજૂર થયા બાદ આ કેસની ટ્રાયલ શરૂ થઈ હતી.
મને તારો મિત્ર સમજો, નગ્ન ફોટો વિધિ માટે જરૂરી છે
વડોદરાની 19 વર્ષીય શ્રાવિકા યુવતીએ પોતાના પરિવાર સાથે સુરત ખાતે ધાર્મિક વિધિ માટે આવ્યા બાદ આરોપી મુનિએ તેને એકાંત રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ પોલીસ સમક્ષ આપેલા નિવેદન મુજબ શાંતિસાગરે પ્રથમ તેનાં માતા-પિતાને ચંદનના લાકડાથી ઘેરાયેલા કુંડાળામાં બેસાડ્યાં અને ‘ઓમ રીં શ્રી ધનપતિ કુબેરાય નમઃ’નો જાપ કરાવવાનું કહ્યું. પછી યુવતીને આ કુંડાળામાંથી મારી પરવાનગી વગર બહાર ન જવાનું કહ્યું હતું. આચાર્ય શાંતિસાગરે યુવતી પાસે ધાર્મિક વિધિની તૈયારી માટે તેના આપત્તિજનક ફોટા મગાવ્યા હતા. તેણે તસવીરો માટે કેટલીક વખત ફોન અને વોટ્સએપનો ઉપયોગ કર્યો હતો અને યુવતીને જણાવ્યું હતું કે, મને તારો મિત્ર સમજો. નગ્ન ફોટો વિધિ માટે જરૂરી છે.”
લાઈટ બંધ કરીને તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હતું
પીડિતાનું કહેવું છે કે, શાંતિસાગર મહારાજના પ્રવચનથી મંત્રમુગ્ધ થઈ તેણે પરિવાર સાથે તેની ધાર્મિક વિધિ માટે સુરત આવવાનું નક્કી કર્યું હતું. તેણે રાત્રિરોકાણની વાત કહી, ઉપાશ્રય ખાતે બધાને રોક્યા હતા. રાત્રે વિધિ દરમિયાન શાંતિસાગરે યુવતીનાં માતા-પિતાને કુંડાળામાં બેસાડી, તેના ભાઈને બીજા રૂમમાં મોકલી દીધો હતો અને યુવતીને પવનના ઝોંકા અને મોરપંખથી શારીરિક રીતે સ્પર્શ કર્યો. પછી યુવતીને અન્ય ખંડમાં લઈ જઈને કહ્યું કે તું તારાં માતા-પિતાને સુખી જોવા માંગે છે ને? તો હું કહું એ પ્રમાણે ચાલ, નહીં તો તેમના મૃત્યુ થશે. એ પછી લાઈટ બંધ કરીને તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હતું.
અઠવા પોલીસ મથકે કેસ નોંધાયા બાદ તત્કાલ નિવેદન લેવામાં આવ્યાં
પીડિતા કોલેજમાં ભણતી હતી અને દુષ્કર્મની ઘટના પછી પેટ તથા ગુપ્તાંગમાં દુખાવાના કારણે બેભાન થઈ ગઈ હતી. આ પછી સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. પરિવારજનોના સહકાર અને યુવતીના હિંમતભર્યા નિવેદન બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અઠવા પોલીસ મથકે કેસ નોંધાયા બાદ તત્કાલ નિવેદન લેવામાં આવ્યાં અને એ આધારે જૈન મુનિ શાંતિસાગરની ધરપકડ ઓક્ટોમ્બર 2017માં કરવામાં આવી હતી. સમગ્ર કેસમાં પોલીસે મેડિકલ રિપોર્ટ, પીડિતાનું નિવેદન અને ડિજિટલ પુરાવાઓ આધારે ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટમાં ચાલેલી લાંબી સુનાવણી બાદ જજ દ્વારા આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો છે.
અત્યારે દોષિત મુનિ જેલવાસ હેઠળ છે. કોર્ટમાં આજે જાહેર થયેલા ચુકાદા બાદ આજે સજાની સંભળાવવામાં આવશે. ગુનો ગંભીર હોવાથી તેને લાંબી જેલસજાની સંભાવના છે. આ કેસ જૈન સમાજમાં અને સમગ્ર સુરત શહેરમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
કેસમાં 50થી વધુ સાક્ષીઓ 60થી વધુ દસ્તાવેજી પુરાવા
સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, કેસની ગંભીરતા અનુસાર સરકાર પક્ષ દ્વારા દલીલ રજૂ કરવામાં આવશે. કેસમાં જે જોગવાઈઓ છે અને જે કલમો લાગું પડે છે, તે અનુસાર ઓછામાં ઓછી સજા સાત વર્ષ અને મહત્તમ આજીવન કેદની જોગવાઈ છે. કેટલી સજા કરવી, વધુ કેટલી કરવી તે તમામ દલીલો અમે કોર્ટ સમક્ષ કરીશું. આ કેસમાં કુલ 50થી વધુ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. 60થી વધુ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જે તમામ પુરવાર કરવામાં આવ્યા છે.
ગુરુ માતા-પિતા કરતાં પણ વિશેષ હોય છે
એડિશનલ સરકારી વકીલ રાજેશ ડોબરિયાએ જણાવ્યું હતું કે, શાંતિસાગર મહારાજને રેપ કેસમાં દોષી ઠેરવ્યા છે. ભોગ બનનારને તેના માતા-પિતા સાથે આશીર્વાદ અપાવવાના બહાને બોલાવી, તંત્ર-મંત્રના નામે પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ગુરુ ઉપર વિશ્વાસ હતો, આ કારણે પીડિતા ગઈ હતી. ગુરુ માતા-પિતા કરતાં પણ વિશેષ હોય છે, અને તેની સાથે આ અધમ કૃત્ય આચરવામાં આવ્યું, જેથી આરોપીએ ગંભીર ગુનો કરેલો હોય અને તેને તકસીરવાર ઠેરવવા જોઈએ તેવી દલીલ અમારી દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech