બિપોરજોયના પગલે ખંભાળિયામાં ૫૦૦થી વધુ વૃક્ષ જમીનદોસ્ત: નાગેશ્વર ધામમાં ૧૫૦ વૃક્ષનો સોથ

  • June 17, 2023 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા જિલ્લામાં વ્યાપક તારાજી: મોટી સંખ્યામાં વિજ થાંભલા, વૃક્ષો ધરાશયી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુરૂવાર બપોરથી શરૂ થયેલું વાવાઝોડું ૧૨૫ કિલોમીટર સુધીની ઝડપે ફૂંકાયું હતું. તેમાં ખાસ કરીને ખૂબ મોટી સંખ્યામાં તોતિંગ વૃક્ષો તેમજ નાના-મોટા ઝાડ જમીનદોસ્ત થઈ ચૂક્યા છે. વરસાદ સાથે ફૂંકાયેલા તેજ પવનના કારણે ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં આશરે ૫૦૦ જેટલા નાના-મોટા વૃક્ષો ધરાશાયી થયા હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, દ્વારકા નજીક આવેલા જાણીતા નાગેશ્વર વિસ્તારમાં આવેલા નાગેશવન ખાતે પણ આશરે ૧૫૦ થી વધુ ઝાડ તૂટી પડ્યા હતા. આ ઉપરાંત ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તાર સાથે ભાણવડ, કલ્યાણપુર, ભાટિયા અને સલાયા વિસ્તારમાં પણ ખૂબ મોટી સંખ્યામાં વૃક્ષો વાવાઝોડાનો ભોગ બન્યા છે.
ખંભાળિયાના ધારાસભ્ય અને વન વિભાગ મંત્રી મુળુભાઈ બેરા તેમજ જંગલ વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટ વિભાગની ટીમો દ્વારા જે સ્થળે વૃક્ષો પડે તેને તુરંત જ રસ્તા પરથી દૂર કરી અને આવા વૃક્ષો કાપવા સાથે સાર્વત્રિક સાર્વજનિક સ્મશાનમાં ટ્રેક્ટર મારફતે મોકલાવી આપવામાં આવે છે. તે માટે સાર્વજનિક સંસ્થા તથા દાતાને સાથે રાખી અને આ કામગીરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
રસ્તા પર પડેલા વૃક્ષો કટર સહિતના સાધનોની મદદથી દૂર કરી અને ટ્રેક્ટર મારફતે નિકાલ કરવાની ઝુંબેશ આ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે. જે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
**
દ્વારકાનો અહેવાલ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુરુવારે સાંજથી શરૂ થયેલું "બિપોરજોય" વાવાઝોડું ગઈકાલે શુક્રવારે બપોર બાદ હળવું પડ્યું હતું. જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી વ્યાપક નુકસાની થવા પામી હતી. જેમાં ખાસ કરીને વીજપોલ તથા વૃક્ષો નુકસાનીગ્રસ્ત થયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે પવન સાથે વરસેલા મુશળધાર વરસાદથી મોટી સંખ્યામાં વૃક્ષો જમીનદોસ્ત થયા છે. આ ઉપરાંત હજારો વીજ થાંભલા પણ જમીનદોસ્ત થઈ ગયા હતા. એટલું જ નહીં, અનેક રહેણાંક મકાનમાં રાખવામાં આવેલી સોલાર પેનલ તેમજ મકાનના પતરા ઉડી ગયા હતા. જિલ્લાના અનેક સ્થળોએ દીવાલો પડી જવા તેમજ કાચા મકાન ક્ષતિગ્રસ્ત બન્યાનું પણ જાણવા મળેલ છે.
દ્વારકા જિલ્લામાં ગુરુવારે સાંજે ચારેક વાગ્યાથી તેજ પવન ફુકાવવાનો શરૂ થયો હતો. જેણે સાંજે છએક વાગ્યાથી ગતિ પકડી હતી અને રાત્રિના આશરે દોઢેક વાગ્યાના સમયે મહત્તમ ૧૨૫ કિલોમીટર સુધીની સ્પીડ થઈ હતી. આ પરિસ્થિતિ શુક્રવારે સવારે પણ યથાવત રહી હતી અને ૯૦ કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાયો હતો.
વાવાઝોડાની અસર આજે પણ હોવાથી ખંભાળિયાના દુકાનદારોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા અને શહેરની બજારો સુમસામ ભાસતી હતી. જો કે બપોર બાદ બજારમાં પાંખી અવરજવર જોવા મળી હતી. ભારે પવનના કારણે અને વૃક્ષો પડી ગયા હતા. મકાનનાના નળિયા તથા પતરા ઉડી ગયા હતા.
ખંભાળિયાની એસએનડીટી હાઈસ્કૂલમાં ચોથા માળે પ્રાર્થના હોલના તમામ પતરા કાગળની જેમ ઊડી ગયાનો વિડીયો વાયરલ થયો હતો. ગત રાત્રે ખંભાળિયા શહેરમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા અહીંના રામનાથ સોસાયટી, જોધપુર ગેઈટ, નગર ગેઈટ, સ્ટેશન રોડ તેમજ જડેશ્વર રોડ પાસેના અંડર બ્રિજ પર પાણી ફરી વળ્યા હતા.
અનેક આસામીઓ કે જેણે પોતાની સોલાર પેનલ ઉતારી ન હતી, તેજ ફૂંકાતા પવનમાં તેઓને સોલાર પેનલની નુકસાની વેઠવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ગઈકાલે બપોરથી જ વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. જે આજે મોડી સાંજ સુધી શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પૂર્વવત થયો હતો.
ગઈકાલે સાંજ સુધીમાં લોકોના ઇન્વર્ટરની બેટરી પણ બેસી જતા લોકોની હાલાકી બેવડાઈ હતી. વીજ પુરવઠાના અભાવે ટીવી વગર અને ત્યાર પછી મોબાઈલ ફોનની બેટરી પણ બેસી જતા લોકો કંટાળી ગયા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૭,૦૦૦ જેટલા લોકોને સલામત આશ્રય સ્થાનો પર સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. જ્યાં ભોજન, પાણી, નાસ્તા તથા ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. વાવાઝોડાની પરિસ્થિતિમાં સેવાભાવી યુવાનો તથા સંસ્થાઓએ લોકોને જરૂરી મદદ તથા હોસ્પિટલ સહિતની સેવાઓ પૂરી પાડી હતી.
**
દ્વારકા- કલ્યાણપુરમાં કોઇ જાનહાનિ નહીં: વૃક્ષ-વીજપોલ અંગે સર્વે ચાલુ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તથા કલ્યાણપુર તાલુકામાં વાવાઝોડાના પગલે ગુરુવારે રાત્રે ૧૨૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. જો કે વાવાઝોડા વચ્ચે આ બંને તાલુકામાં અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર ના હોવાનું દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ જણાવ્યું હતું.
પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ ગુરુવારે રાતથી શુક્રવારે સવાર સુધીમાં ૪૫ વૃક્ષો પડ્યાની અને ૩૦૦ જેટલા વીજપોલને નુકસાન થયાની ફરિયાદો મળી છે. આ અંગે પી.જી.વી.સી.એલ. તેમજ વહીવટી તંત્રની ટીમો દ્વારા વિવિધ નુકસાનીનો સર્વે ચાલુ છે. જિલ્લા કલેકટર અશોક શર્માના માર્ગદર્શનમાં આ તમામ કામગીરી થઇ રહી છે.
આ બંને તાલુકામાં કેટલાક પશુઓને ઇજા તેમજ મૃત્યુ થયાની માહિતી મળી છે. જે અંગે સર્વે ચાલુ છે. વાવાઝોડા બાદ વહીવટી તંત્રની ટીમો એલર્ટ પણ છે. વૃક્ષ કે વીજપોલ પડયાના સમાચાર મળે કે તુરંત તેને હટાવવાની કામગીરી કરવામાં આવે છે.
દ્વારકા, કલ્યાણપુર બંને તાલુકામાં ઊભા કરાયેલા આશ્રય સ્થાનોમાં તમામ સ્થળાંતરિત લોકો સલામત છે. હાલ પવન અને વરસાદ વચ્ચે પણ તેમને ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી ચાલુ છે. એક કાચા અંદાજ મુજબ, બંને તાલુકામાં આશરે ૧૫૦ જેટલા વૃક્ષો પડ્યા હોવાનો અંદાજ છે. જ્યારે આશરે ૧૫ થી ૧૭ જેટલા કાચા મકાનો, ઝૂપડા પડ્યાની તેમજ બે પાકા મકાનને અંશત: નુકસાન થયાના અહેવાલ મળ્યા છે. જેનો હાલ સર્વે ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application