વડોદરા શહેરમાં હોળીની રાત્રે પૂરપાટ ઝડપે આવેલા કારચાલક રક્ષિત ચોરસિયાએ 8 લોકોને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલાનું મોત થયું હતું અને 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ કેસમાં આરોપી રક્ષિતને કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.આજે આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાશે. નબીરાએ એક પછી એક ત્રણ ટૂ-વ્હીલરને હવામાં ફંગોળ્યા હતા. આ ઘટનામાં કારચાલક આરોપી રક્ષિત ચોરસિયા સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
કારની બાજુની શીટમાં બેઠેલા ઇસમનુ નામ પ્રાંશુ રાજેશભાઈ ચૌહાણ (રહે.-204, વેરેન્જા મેરેડિયન, વાસણા ભાયલી રોડ, વડોદરા) અને કારચાલકનું નામ રક્ષિત રવીશ ચોરસિયા (રહે.-મ.નં.-33, ગાયત્રી એપાર્ટમેન્ટ, નિઝામપુરા, વડોદરા) છે. આ કેસમાં કારેલીબાગ પોલીસે આરોપી રક્ષિત રવીશ ચોરસિયા સામે સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કર્યો છે અને તેની સામે BNSની કલમ 105,281,125 (a), 125(b),324(5) મુજબ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે અને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ માગ્યા હતા. કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વડોદરા કારેલીબાગ વિસ્તારમાં આવેલી દીપાવલી સોસાયટીમાં રહેતા અને પ્રોજેક્શન ડેવલપમેન્ટ ઇન્ડિયા લિમિટેડમાં એડિશનલ ચીફ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા આશિષભાઇ મહેન્દ્રભાઈ શાહે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા.13/03/2025ના રોજ રાત્રિના 11 વાગ્યાના સુમારે હું, મારી પત્ની નિશા અને મારાં બે બાળકો રેન્શી તથા જૈમી ચારેય જણા આંટો મારવા નીકળ્યાં હતાં.
સોસાયટીના પાર્કિંગમાં આવતાં મારી પત્ની નિશાએ અમારું એક્ટિવા ચલાવી તેની પાછળ મારા બન્ને બાળકોને બેસાડ્યાં હતાં અને મને કહ્યું હતું કે તમે સોસાયટીના ગેટ આગળ ઊભા રહો, હું બાળકોને એક્ટિવા ઉપર મુક્તાનંદ સર્કલથી ચંદ્રાવલી ચાર ૨સ્તા થઈને આંટો મરાવીને આવું છું, એમ કહી તે બન્ને બાળકોને એક્ટિવા ઉપર લઇને નીકળી હતી અને હું મારી સોસાયટીના ગેટ પાસે ઊભો હતો ત્યારે 11.15 વાગ્યે કાળા કલરની કારનો ચાલક પૂરઝડપે ગાડી ચલાવી ચંદ્રાવલી સર્કલ પાસે એક ટૂ-વ્હીલરને ટક્કર મારીને આગળ આવ્યો હતો.
મારી પત્ની નિશા ગાડીની સાથે આગળ ઢસડાઈ હતી
એ વખતે મારી પત્ની ચંદ્રાવલી સર્કલથી અમારી સોસાયટી તરફ એક્ટિવા લઈને મારાં બાળકો સાથે આવતી હતી, ત્યારે તે કારચાલકે મારી પત્નીના એક્ટિવાને પણ ટક્કર મારી હતી અને તેજ સ્પીડમાં આગળ જતાં એક ટુ-વ્હીલર પર જતાં મહિલા અને પુરુષને પણ ટક્કર મારી હતી. ત્યાર બાદ એક્ટિવા ઉપરથી સૌપ્રથમ મારી દીકરી રેન્સી નીચે પડી ગઈ હતી, ત્યાર બાદ મારો દીકરો જૈમી નીચે પડી ગયો હતો અને મારી પત્ની નિશા ગાડીની સાથે આગળ ધસડાઈ હતી. મારી પત્નીની એક્ટીવા ગાડી સાથે ટક્કર માર્યા બાદ આગળ બીજા ટૂ-વ્હીલર પર મહિલા અને પુરુષ જતાં હતાં, તેમને ટક્કર મારી હતી.
લોકોએ કારચાલકને પકડ્યો, બાજુમાં બેઠેલો ઈસમ ભાગી ગયો
ત્યાર બાદ કારનું આગળનું બોનટ ખૂલી ગયુ હતુ અને કાર અચાનક ઊભી રહી ગઈ હતી, જેથી આજુબાજુથી લોકો આવી ગયા હતા અને તેમાંથી કોઇએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતાં એમ્બ્યુલન્સ આવી ગઈ હતી અને એમાં બેસાડી સયાજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. એ વખતે કારચાલક અને તેની બાજુની સીટમાંથી એક ઇસમ કારમાંથી બહાર નીકળ્યા હતા. તેઓ બૂમાબૂમ કરતા હતા અને એ વખતે પબ્લિકે કારના ચાલકને પકડી પાડ્યો હતો અને બાજુમાં બેઠેલો ઇસમ કારમાંથી ઊતરી ભાગી ગયો હતો. કારનો નંબર (GJ-06-RA-6879)નો હતો.
કારચાલકે મારી પત્ની પહેલાં ટૂ-વ્હીલરને ટક્કર મારી હતી
મારી પત્ની તથા મારાં બે બાળકોને સયાજી હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરાયાં હતાં. એ વખતે મારી પત્ની નિશાને માથા, થાપા અને જમણા પગે ગંભીર ઇજાઓ થઈ હતી અને મારી દીકરી રેન્સીને માથા, બન્ને પગના ઘૂંટણના પાછળ અને આંખ ઉપર ગંભીર પ્રકારની ઈજા પહોચી હતી. મારા દીકરા જૈમીને માથા, જમણા હાથ, જમણા પગે અને પીઠના પાછળના ભાગે ઈજા થઈ હતી. કારચાલકે મારી પત્ની પહેલાં ટૂ-વ્હીલરને ટક્કર મારી હતી, એમાં હેમાલીબેન પુરવભાઈ પટેલનું મોત થયું હતું અને તેમની સાથે તેમના પતિ પુરવભાઈ પટેલને ગંભીર પ્રકારની ઈજાઓ કરી હતી અને સયાજી હોસ્પિટલના ICUમાં દાખલ કરાયા છે.
ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા
મારી પત્ની નિશા અને મારાં બાળકોને વધુ ઇજા થયેલ હોવાથી હું તેમને સનફાર્મા રોડ પર આવેલી ઝાયડસ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે લઇ ગયો હતો. આ ઉપરાંત ટૂ-વ્હીલર ગાડીમાં સવાર વિકાસ અજિતભાઈ કેવલાનીને જમણા હાથ, મોઢા અને ખભા પર ઇજાઓ થઈ છે. જયેશ અનિલભાઈ કેવલાનીને જમણા પગે ઢીંચણથી નીચેના ભાગે ફેક્ચર થયુ છે અને કોમલબેન અજિતભાઈ કેવલાનીને જમણા પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech