BREAKING NEWS

માતા-પિતા માટે લાલબત્તી: અમદાવાદમાં દોઢ વર્ષનું બાળક હલ્કનું રમકડું ગળી ગયો, પછી થયું આવું

  • February 03, 2026 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત ચોંકાવનારો અને તબીબી જગત માટે પડકારરૂપ કિસ્સો સામે આવ્યો છે. માત્ર દોઢ વર્ષનો માસૂમ બાળક વંશ રમતાં-રમતાં આખેઆખું ‘હલ્ક’ નામનું પ્લાસ્ટિકનું રમકડું ગળી ગયો હતો. આ ઘટના 18 જાન્યુઆરીના રોજ બની હતી, જ્યારે બાળકના ચહેરા પર અચાનક અસ્વસ્થતાના લક્ષણો દેખાવા લાગ્યા અને તેને ઊલટી થવા લાગી હતી. બાળકની હાલત જોઈ માતા ભાવિકાબેનને શંકા ગઈ હતી.


ભાવિકાબેને બાળકના રમકડાં તપાસ્યા ત્યારે એક રમકડું ગાયબ હોવાનું જણાયું હતું. પૂછપરછ કરતાં બાળકે ઈશારાથી તે રમકડું ગળી ગયાનું કબૂલ્યું હતું. પરિવાર કોઈ વિલંબ કર્યા વિના બાળકને તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો. ત્યાં તબીબોએ બાળકની તપાસ કરી એક્સ-રે કરાવ્યો, જેમાં આખું રમકડું બાળકની હોજરીમાં હોવાનું સ્પષ્ટ દેખાતાં તબીબો પણ ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયા હતા.


આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, આ કેસ સામાન્ય નહોતો. બાળકની હોજરીમાં ફસાયેલું રમકડું કોઈ નાનો ટુકડો નહીં પરંતુ હાથ, પગ અને માથું ધરાવતું પૂર્ણ કદનું પ્લાસ્ટિકનું રમકડું હતું. અન્નનળી અને જઠર વચ્ચે આવેલું કુદરતી વાલ્વ આ સર્જરીમાં સૌથી મોટો પડકાર બન્યું હતું. આટલા મોટા રમકડાને નુકસાન વિના બહાર કાઢવું અત્યંત જોખમી અને કાળજીપૂર્વકનું કામ હતું.


ડૉક્ટરો દ્વારા એન્ડોસ્કોપની મદદથી રમકડું બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, હોજરીમાં રહેલી હવાને કારણે રમકડું વારંવાર લપસતું હતું. જો રમકડાને હાથ કે પગના ભાગથી પકડવામાં આવત, તો તે વાલ્વમાં ફસાઈ જવાની અને કાયમી નુકસાન પહોંચાડવાની સંભાવના હતી. અંતે તબીબોએ અતિધીરજ અને કુશળતાપૂર્વક રમકડાના માથાના ભાગને પકડીને ધીમે ધીમે વાલ્વ ક્રોસ કરાવી સફળતાપૂર્વક બહાર કાઢ્યું. તબીબોના જણાવ્યા મુજબ જો આ રમકડું આંતરડામાં ઉતરી ગયું હોત તો આંતરડું ફાટવાનો ભય રહેતો અને ત્યારબાદ મોટી સર્જરી કરવી ફરજિયાત બની જાત.


સફળ એન્ડોસ્કોપિક પ્રક્રિયા બાદ બાળક વંશ હવે સંપૂર્ણ સ્વસ્થ છે અને તેને કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી. બાળકના પિતા ભાવેશભાઈ સહાનીએ તબીબોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોની સમયસૂચકતા અને કુશળતાને કારણે આજે તેમનો પુત્ર સુરક્ષિત છે. સાથે જ તેમણે અન્ય વાલીઓને અપીલ કરી કે, નાના બાળકોને ક્યારેય નાના કે જોખમી રમકડાં ન આપવાં જોઈએ અને બાળક રમતું હોય ત્યારે સતત દેખરેખ રાખવી અત્યંત જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application