નવરાત્રિના પહેલા દિવસે માતાજીને પ્રસાદમાં ધરાવો મખાના ખીર અને કોકોનટ બરફી

  • October 01, 2024 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવરાત્રિના નવ દિવસ ભક્તો માટે ખુશીઓથી ભરેલા હોય છે. લોકો ભક્તિ સાથે મા દુર્ગાની સેવા કરે છે. નવરાત્રિના નવ દિવસ સુધી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને મીઠાઈઓ ચઢાવવામાં આવે છે. બજારમાં મળતી મીઠાઈઓ મોટાભાગે ભેળસેળયુક્ત હોય છે, તેથી લોકો શુદ્ધ અને સાત્વિક રીતે ઘરે પ્રસાદ બનાવવાનું પસંદ કરે છે. નવરાત્રિના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે અને સફેદ વસ્તુઓ ચઢાવવી સારી માનવામાં આવે છે, તેથી નાળિયેર બરફી અથવા મખાનાની ખીર અર્પણ કરી શકો છો. તેને અર્પણ કરવાની સાથે ઉપવાસીઓ પણ તેનું સેવન કરી શકે છે. કારણકે આ બંને મીઠાઈઓમાં કોઈ અનાજનો ઉપયોગ કરવામાં આવતો નથી.


દક્ષિણ હોય કે પૂર્વ ભારતના મોટાભાગના રાજ્યોમાં નવરાત્રિ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત અને બંગાળમાં આ સમય દરમિયાન જોરદાર ઉજવણી કરવામાં આવે છે અને લોકો માતાજીના સ્વાગત માટે અગાઉથી તૈયારીઓ કરવાનું શરૂ કરી દે છે. શારદીય નવરાત્રિનો પ્રારંભ ગુરુવાર, 3 ઓક્ટોબર, 2024થી થશે. જાણો પહેલા દિવસે માતાજીના પ્રસાદ માટે મખાનાની ખીર અને કોકોનટ બરફીની રેસિપી.


કોકોનટ બરફી માટેની સામગ્રી


કોકોનટ બરફી તૈયાર કરવા માટે તાજું નાળિયેર (છીણેલું), એકથી બે ચમચી દેશી ઘી, જરૂર મુજબ માવો. થોડું પાણી, ખાંડ અને પિસ્તા, બદામ, કાજુ વગેરેને નાના ટુકડા કરી લો અને કેટલીક આખી બદામને ગાર્નિશિંગ માટે સાચવો.


બરફી બનાવવાની રીત:


સૌપ્રથમ એક કડાઈમાં માવાને ધીમા તાપે તળી લો અને જ્યારે તેમાંથી સુગંધ આવવા લાગે તો તેને આંચ પરથી ઉતારી ઠંડુ થવા મુકો. માવો ઠંડો થાય એટલે તેમાં છીણેલું નારિયેળ ઉમેરો. હવે એક જાડા તળિયાવાળા પેનમાં પૂરતું પાણી ગરમ કરો. જેથી માવો અને નારિયેળનું મિશ્રણ ઘટ્ટ થઈ શકે. પાણીમાં ખાંડ નાખીને ઓગળવા દો અને જ્યારે ચાસણી ચીકણી થઈ જાય ત્યારે તેમાં નારિયેળ અને માવાનું મિશ્રણ ઉમેરીને તેને પકાવો અને તેમાં સમારેલી બદામ પણ નાખો. જ્યારે તે ઘટ્ટ થવા લાગે એટલે કે બરફી સેટ થવા માટે તૈયાર થઈ જાય ત્યારે પ્લેટને દેશી ઘીથી ગ્રીસ કરો. તે ઠંડુ થાય પછી છરીની મદદથી બરફીને કાપીને બદામથી ગાર્નિશ કરો.


મખાનાની ખીર બનાવવા માટેની સામગ્રી


મખાનાની ખીર માટે મખાના સિવાય, દૂધ, દેશી ઘી, ઓછામાં ઓછા અડધો કપ કાજુ, અડધી ચમચી લીલી ઈલાયચી પાવડર, ડ્રાય ફ્રૂટ્સ (નાના ટુકડા), સ્વાદ અનુસાર ખાંડ.


આ રીતે બનાવો મખાનાની ખીર


સૌપ્રથમ એક કડાઈમાં દેશી ઘી મૂકો અને મખાના અને કાજુને ધીમી આંચ પર શેકી લો. જેથી કરીને તે થોડા ક્રિસ્પી થઈ જાય. કેટલાક મખાનાને અલગ કરો અને બાકીનાને કાજુ અને એલચી સાથે મિક્સરમાં નાખો અને તેને પીસીને થોડો બરછટ પાવડર બનાવી લો. હવે એક ઊંડું વાસણ લો અને જરૂર મુજબ દૂધ ઉકાળો. દૂધ ઉકળે એટલે તેમાં ખાંડ, માખણ અને કાજુ પાવડર નાખીને મિક્સ કરો. જ્યારે તેનું ટેક્સચર થોડું ઘટ્ટ થવા લાગે ત્યારે બાકીના બધા મખાના ઉમેરો અને તેમાં સમારેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરો. સ્વાદિષ્ટ મખાના ખીર તૈયાર.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application